બેન્કો સાથે રૂ. 3700 કરોડની છેતરપીંડી: રાજકોટ, અમદાવાદ અને સુરત સહિત 100 સ્થળો પર સીબીઆઈના દરોડા

  • March 26, 2021 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહત્વના પુરાવા મળ્યા હોવાનો દાવો : 9 બેન્કો સાથે ફ્રોડ થયું હોવાની ફરિયાદ

 


સીબીઆઈએ રૂ. 3700 કરોડના બેન્ક ફ્રોડના જુદા-જુદા કેસમાં ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત 11 રાજ્યોમાં 100 સ્થળો પર દરોડા પાડયા છે. આ ફ્રોડના સંદર્ભમાં દેશભરમાં 30 એફઆઈઆર દાખલ કરાઇ છે. આ 30 કેસમાં 20 કરોડથી લઇને 1000 કરોડ સુધીના કૌભાંડ થયા હોવાના આક્ષેપ છે.

 


સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીએ જણાવ્યું કે દેશની અલગ-અલગ બેન્કોમાંથી મળેલી ફરિયાદોના આધારે ફ્રોડ કરવાવાળા સામે સીબીઆઈએ દેશવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ યોજી દરોડા પાડયા હતા. સીબીઆઈ સમક્ષ ફરિયાદ નોંધાવનારી બેન્કોમાં ઈન્ડિયન ઓવરસીસ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પીએનબી, એસબીઆઈ, આઈડીબીઆઈ, કેનરા બેન્ક, ઈન્ડિયન બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થયો હતો.

 


જોશીએ જણાવ્યું હતું કે બેન્કોની ફરિયાદના આધારે સીબીઆઈએ કાનપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મથુરા, નોઇડા, ગુડગાંવ, ચેન્નઇ, તિરુવરુર, વેલ્લોર, તિરુપુર, બેંગલોર, ગંટુર, હૈદરાબાદ, વલ્લરી, વડોદરા, કોલકાતા, પશ્ચિમ ગોદાવરી, સૂરત, મુંબઈ, ભોપાલ, મિનાડી, તિરુપતિ, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, રાજકોટ, જયપુર અને શ્રીગંગાનગરમાં રેડ પાડી હતી.

 


ઉલ્લેખનીય છે કે મોટાભાગની કંપનીઓની બેન્કો સાથે છેતરપિંડી કરવાની રીતરસમ સમાન હતી. આ તમામ બેન્કો જાહેર ક્ષેત્રની બેન્કો છે. બેન્કોની ફરિયાદ છે કે આ કંપનીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને લોન મેળવી હતી અને પછી પેમેન્ટમાં ડિફોલ્ટ થતી હતી. આના કારણે સરકારી બેન્કોની નોન પરફોર્મિંગ એસેટ્સ(એનપીએ)માં વધારો થાય છે અને તેમને ભારે ખોટ જાય છે. આ કંપનીઓ પર ફંડ ડાઇવર્ટ કરવાનો અને છેતરપિંડી કરવાનો પણ આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ક્રુટિની બાદ સીબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જાહેર નાણાના બચાવ સાથે અપરાધીઓ સામે કડક પગલાં ભરવા માટે અને તેમને કાયદા સમક્ષ ખડા કરવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

 


દરોડામાં અગત્યના પુરાવાઓ સીબીઆઇને મળયા છે, જેના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS