કામધેનુ સમાન ગૌ માતાની અંતિમ યાત્રામાં તોતણીયાળા ગામ સમસ્ત ઉમટી પડ્યું

  • September 04, 2021 10:09 AM 

ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ધૂમ ચર્ચાઓ દેશમાં ચાલી રહી છે ત્યારે ગુરૂવારે વલ્લભીપુરના તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયનું વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. ગામમાં કામધેનુનું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવારે ઢોલ-શરણાઈના સુર સાથે ગૌમાતાની અંતિમયાત્રા યોજી હતી.

 


વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામના રહેવાસી અજીતસિંહ અમરસિંહ મોરી એક દાયકા કરતા વધુ સમયથી એક ગાયના રક્ષક હતા. પરિવારના સભ્યની સાથે હળીમળી ગયેલી ગાય છેલ્લા 10 વર્ષોથી વિયાંણી ન હોવા છતાં નિયમિત પણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામ સમસ્તમાં આ ગાય કામધેનુના ઉપનામે ખ્યાતિ પ્રાપ્ત હતી. વધતી વયને લઈને ગુરુવારે આ કામધેનુએ દેહ ત્યાગ કરતા ગામમાં શોક વ્યાપી ગયો હતો.  ગાયના સૌરક્ષક એવા અજીતસિંહ મોરીએ આ દુઃખદ ક્ષણે જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે આ ગાય માતા સાચા અર્થમાં કામધેનુ હતી. જેના સાનિધ્યમાં અમો સુખી-સંપન્ન થયા છીએ.

 

10 વર્ષથી વગર વિયાંણે આ કામધેનુ દૂધ આપતી હોવાથી સ્થાનિકોમાં પણ ભારે અચરજ સાથે આસ્થાભાવ જાગૃત થયો હતો. આવી ગૌ માતાના નિધનથી ગ્રામીણો શોકાતુર બન્યા હતા. સ્વજનની અંતિમયાત્રાની માફક જ ગાયની અંતિમયાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી. ત્યાર બાદ શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોર્ટ દ્વારા ગૌ સૌરક્ષણને લઈને સરકારને આડે હાથ લેવામાં આવી છે. ગાય રાષ્ટ્રીય પશુ હોવાની વિભાવનાને બળવત્તર બનાવવાના પ્રયાસોને આનાથી વેગ મળ્યો છે. ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ સદીઓથી ચાલ્યું આવતું હોય દરેક ધર્મના લોકોએ ગૌ-વંશનું સૌરક્ષણ કરવું જોઈએ તેવી કોર્ટની ટિપ્પણી બાદ દેશમાં ગૌ સુરક્ષાને લઈને વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે તોતણીયાળા ગામની આ ઘટના ગ્રામીણક્ષેત્રમાં ગૌ-વંશનું અદકેરું મહત્વ દર્શાવી જાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS