જવાહર પોઈન્ટ અને શિવશક્તિ પોઈન્ટને લઈને કોંગ્રેસ-ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ, જાણો શું છે સમગ્ર વિવાદ

  • August 27, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ દેશ 'ચંદ્રયાન 3'ના સુરક્ષિત લેન્ડીંગની ઉજવણી કરી રહ્યો છે. બીજી તરફ લેન્ડિંગ પોઈન્ટના નામને લઈને કોંગ્રેસ ઉપરાંત કેટલાક મુસ્લિમ આગેવાનોનું ભાજપ સાથેનું શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3ના ટચ ડાઉન પોઈન્ટને 'શિવ શક્તિ પોઈન્ટ' નામ આપ્યું છે. આ અંગે કોંગ્રેસે ભાજપને ટોણો માર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ આ નામકરણને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. તો હવે ભાજપે આનો વળતો જવાબ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું છે કે, 'તો પછી 'જવાહર પોઈન્ટ' વિશે તમારું શું કહેવું છે?'


આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ ગતરોજ (26 ઓગસ્ટ)ના રોજ એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચંદ્રની સપાટીનું નામ આપવાનો કોઈ અધિકાર નથી. આનાથી આખી દુનિયા હસશે. ચંદ્ર પર સુરક્ષિત લેન્ડીંગથયું, તે સારી વાત છે પણ પીએમ મોદીને ચંદ્ર પર કોઈ બિંદુનું નામ આપવાનો અધિકાર કોણે આપ્યો?, સુરક્ષિત ઉતરાણ થયું છે, અમને તેના પર કોઈ શંકા નથી અને તે અમારા માટે ગર્વની વાત છે, પરંતુ કોઈ ચંદ્ર કે તે જગ્યાના માલિક નથી. 


ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીને પૂછવામાં આવ્યું કે શું ચંદ્રયાન-3ના ટચ ડાઉન પોઈન્ટનું નામ નરેન્દ્ર મોદી અને અટલ બિહારીના નામ પર રાખવામાં આવ્યું હોત તો ? આના પર તેમનો જવાબ હતો કે તમે જવાહરલાલ નેહરુ સાથે કોઈ પણ બાબતમાં સ્પર્ધા કરી શકતા નથી. આજે ઈસરો જે કંઈ પણ છે તે જવાહરલાલ નેહરુના કારણે છે. ISRO ની સ્થાપના 1962 માં વિક્રમ સારાભાઈ અને જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. એટલા માટે તમે કહી શકો કે પંડિત નેહરુએ જ તેની સ્થાપના કરી હતી. મોદીજી હવે તેમાં રાજનીતિ કરી રહ્યા છે.


રશીદ અલ્વી પર વળતો પ્રહાર કરતા ભાજપે 'જવાહર પોઈન્ટ' વિશે પૂછ્યું છે, 'જવાહર પોઈન્ટ' એ તે જગ્યા છે જ્યાં ચંદ્રયાન-1નું મૂન ઈમ્પેક્ટર પ્રોબ (MIP) ઉપકરણ એટલે કે 2008માં ભારતનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. યોજના મુજબ, એમઆઈપી ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક એક બિંદુ પર ક્રેશ લેન્ડ કરવાનું હતું, જેને 'જવાહર સ્થળ' અથવા જવાહર પોઈન્ટ નામ આપવામાં આવ્યું હતું.
​​​​​​​


ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે "કોંગ્રેસ ફક્ત તેના હિંદુ વિરોધી પાત્રને જાહેર કરી રહી છે. આ એ જ પાર્ટી છે જે ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે. રામ મંદિરનો વિરોધ કરે છે અને હિંદુઓને ગાળો આપે છે. 'શિવ શક્તિ પોઈન્ટ' અને 'તિરંગા પોઈન્ટ' બંને નામ દેશ સાથે જોડાયેલા છે.


તેણે કહ્યું કે રાશિદ અલ્વીને તે રમુજી કેમ લાગે છે. આમ તો તેમના નેતાઓ પોતાને જનોઈધારી કહે છે. તે માત્ર ગાંધી પરિવાર અને જવાહરલાલ નેહરુના વખાણ કરશે. પૂનાવાલાએ એ પણ ઉલ્લેખ કર્યો કે વિક્રમ લેન્ડરનું નામ વિક્રમ સારાભાઈના નામ પર રાખવામાં આવ્યું હતું. પૂનાવાલાએ વધુમાં કહ્યું, “જો યુપીએ સરકાર હોત તો ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 ભાગ્યે જ મોકલવામાં આવ્યા હોત. જો તે મોકલવામાં આવ્યો હોત તો ટચ પોઈન્ટના નામ 'ઈન્દિરા પોઈન્ટ' અને 'રાજીવ પોઈન્ટ' હોત. 'જવાહર પોઇન્ટ' પંડિત જવાહરલાલ નેહરુના નામથી ઓળખાય છે. આ ચંદ્રના શેકલટન ક્રેટર પાસેનો વિસ્તાર છે. આ તે જગ્યા છે જ્યાં ઈસરોનું મૂન ઈમ્પેક્ટ પ્રોબ ક્રેશ થયું હતું. તે આ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી. તે માત્ર એક યોગાનુયોગ હતો કે તે દિવસે 14 નવેમ્બરે જવાહરલાલ નેહરુનો જન્મદિવસ હતો. તેથી જ આ જગ્યાનું નામ જવાહર પોઈન્ટ રાખવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application