આવતી કાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાના 910 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે મતદારો

  • February 27, 2021 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં 111 ઉમેદવારો મેદાનમાં 

 

 

ભાવનગર જિલ્લામાં  જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલિકાની ચૂંટણી કાલે તા.28 ફેબ્રુઆરીના યોજાનાર છે. ચૂંટણી પંચ દ્રારા જાહેર કરાયેલ આચાર સંહિતા મુજબ તા.26 ને શુક્રવાર સાંજથી પ્રચાર બંધ કરવાનો નિયમ હોય ગઈ કાલથી ભાવનગર જિલ્લામાં  પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે.

 

 

ભાવનગર જિલ્લાની 3 નગર પાલીકાની યોજાનાર ચૂંટણીમાં 1,32,164 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં 111 ઉમેદવારો ચૂંટણી લડી રહયાં છે જયારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 210 બેઠકો માટે 563 ઉમેદવારો જંગમાં છે. 3 નગર પાલીકામાં  96 બેઠકોમાં 236 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહયાં છે.એકંદરે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગર પાલીકા મળીને 910 ઉમેદવારોના ભાવી તા.28 ફેબ્રુઆરીના મતદારો નક્કી કરશે.  ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા હવે અંતિમ કલાકોમાં મતદારોને રિઝવવા ઉમેદવારો રાત દિવસ એક કરી રહયાં છે. આ ચૂંટણીમાં સત્તાની કમાન સંભાળવા કોંગ્રેસ, ભાજપ,આપ સહિતના પક્ષો મતદારોના ભરોસે છે.

 

 

વહિવટી તંત્ર દ્વારા ચૂંટણી મતદાન માટે મહુવા નગર પાલિકામાં 59,પાલિતાણા નગર પાલિકામાં 59 અને વલભીપુર નગર પાલિકામાં 16 બુથ ઉભા કરાયા છે જયારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1342 મતદાન મથકો ઉભા કરીને સુચારૂરૂપે ચૂંટણી પ્રક્રિયા થાય તે પ્રકારનું આયોજન કરાયું છે.ચૂંટણી તંત્ર દ્રારા તા.28 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીના દિવસે મતદારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ચૂંટણીલક્ષી ફરીયાદ માટે શામળદાસ કોલેજ ખાતે રાઉન્ડ ઘ કલોક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. મતદાનના દિવસે મતદારો મુકત રીતે મત આપી શકે તે માટે પોલીસ દળ, હોમગાર્ડ, એસ.આર.પી.ના જવાનો તથા અન્ય એજન્સીના કર્મચારીઓથી બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે.

 

 

તળાજા વિસ્તારની જિલ્લા પંચાયતની આઠ બેઠકોમાંથી સાત પર એક જ્ઞાતિના ઉમેદવાર

 

તળાજા તાલુકામાં જીલ્લા પંચાયત અને તેની નીચેની તાલુકા પંચાયતની ચુંટણી પ્રચાર ધીમે ધીમે વેગ પકડતો જાય છે. જો કે આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ અને ભાજપે પક્ષની સાથે જ્ઞાતિને પણ મહત્વ આપીને ઉમેદવારો પસંદ કરેલા છે જેમાં તળાજા તાલુકાની 8 જીલ્લા પંચાયત પૈકી 7 જીલ્લા પંચાયત સીટ પર મુખ્યત્વે એક જ જ્ઞાતિના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર યોજાશે એમ સ્પષ્ટ જણાઈ આવે છે. તળાજાની 8 જીલ્લા પંચાયતની સીટો પૈકી સરતાનપર, પીથલપુર અને પાવઠીની બેઠકો પર કોળી સમાજના ઉમેદવારો વચ્ચે જ મુખ્ય ટક્કર છે. તથા દિહોર અને ત્રાપજની બેઠક પર પાલીવાલ બ્રહ્મસમાજના ઉમેદવારો જ સામસામે ઉભા છે. જ્યારે દાઠાની બેઠક પરના ફક્ત બે જ હરીફ ઉમેદવારો આહિર સમાજના છે અને અલંગની બેઠક પર ક્ષત્રિય સમાજના ઉમેદવારો વચ્ચે જ મુખ્ય ટક્કર છે. જ્યારે માત્ર ઠળિયાની બેઠકના ત્રણ ઉમેદવારો અલગ -અલગ સમાજ ક્ષત્રિય, ભરવાડ અને પટેલ જ્ઞાતિના છે, જો કે ઠળિયાની આ બેઠક પર મુખ્ય ટક્કર ક્ષત્રિય અને ભરવાડ સમાજના ઉમેદવારો વચ્ચેજ રહેશે તેમ આ વિસ્તારના લોકોનું માનવું છે.

 

 

ઘોઘા તાલુકા પંચાયત કોંગ્રેસનો અજય ગઢ

 

ગુજરાતથી લઈ દિલ્લી સુધી ભાજપનો ભલે દબદબો હોય. પણ ભાવનગર જિલ્લાની ઘોઘા તાલુકા પંચાયત એ એવી તાલુકા પંચાયત છે કે જ્યાં સત્તા મેળવવી ભાજપ માટે આજે પણ કૉંગ્રેસનો દબદબો રહ્યો છે. 28મી તારીખે ફરી એકવાર ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકા પંચાયત સહિત પાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઘોઘા તાલુકા પંચાયતની ચૂંટણી રસપ્રદ બની રહેશે.   કૉંગ્રેસ પૂર્વ પ્રમખુ સંજયસિંહ ગોહીલ જણાવ્યું હતું કે, આઝાદ ભારત થી ઘોઘા તાલુકા પંચાયત માં કૉંગ્રેસ નો ભવ્ય વિજય થયો છે, તેમજ ઘોઘા તાલુકા પંચાયતની 18 સીટો પર આજદિન સુધી કોંગ્રેસ પાસે રહી હતી. ત્યારે કોંગ્રેસનું કહેવું છે તેનું મુખ્ય કારણ ઘોઘાની જનતા કાયમ કોંગ્રેસને વરેલી છે જેમાં જનતાનાં પ્રશ્નોને કોંગ્રેસ કાયમ વાચા આપે છે નહિ કે ખોટા વાયદાઓ, છેલ્લા પાંચ વર્ષમાં તમામ ગામોમાં પ્રાથમિક શાળાઓ, સ્મશાન, પીવાનું પાણી, ગટર લાઈનો અને રોડ-રસ્તાઓનાં સંપૂણ કામો પુરા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જેના લીધે કોંગ્રેસ દાવો કરી રહી છે કે આવનાર ચુંટણીમાં ઘોઘા તાલુકા પંચાયત, 3 જીલ્લા પંચાયત અને ઘોઘા તાલુકા પંચાયતની 18 સીટો પર કોંગ્રેસ  વિજય બનશે. જેનો ઈતિહાસ છે કે આઝાદી મળ્યા થી આજદિન સુધી ઘોઘામાં કોંગ્રેસનાં પંજાનો દબદબો રહ્યો છે 

 

 

સામા પક્ષે ભાજપના મંત્રી દિગ્વિજયસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે, આઝાદી થી ઘોઘામાં કૉંગ્રેસ છે પણ વિકાસ થયો નથી. એટલે આ વખતે મતદારો ભાજપ ને તક આપશે, ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા આક્ષેપો કરાયા છે કે જયારે સમગ્ર દેશમાં કોંગ્રેસ શાસકો નિષ્ફળ ગયા છે તેમ ઘોઘામાં પણ લોકોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે અને ઘોઘા આજે પણ પછાત તાલુકો ગણાય છે. ત્યારે અમારી (ભાજપ) છેલ્લા ચાર વર્ષની મહેનતનાં આધારે જે ઉમેદવારોની પાર્ટી દ્વારા પસંદગી કરી છે જેના આધારે ભાજપ ઘોઘા તાલુકા પંચાયતની 18 સીટો પર જીત મેળવીશું અને આઝાદી મળ્યાથી આજદિન સુધીનો કોંગ્રેસનો જે ઈતિહાસ છે ભૂતકાળ બની જશે અને તમામ સીટો પર વિજય મેળવી અને નવો ઈતિહાસ સર્જવા જઈ રહ્યા છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS