રાજકોટમાં વેકિસનનો સ્ટોક ખલાસ થવાની તૈયારી

  • June 25, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેકિસનેશન કેમ્પને ધડાધડ મંજૂરીઓ અપાતા સ્ટોકનું તળિયું દેખાઈ ગયું: આજે બપોરની સ્થિતિએ કોવિશિલ્ડના ૬૦૦૦ ડોઝ અને કોવેકિસનના ૪૫૦૦ ડોઝનો જથ્થો ઉપલબ્ધ: મેયર ડો.પ્રદીપ ડવ અને સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે અધિકારીઓ સાથે યોજી બેઠક: રાજકોટને તત્કાલ વધુ જથ્થો આપવા ગાંધીનગર સુધી કરી રજૂઆત

 


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં ૨૧ આરોગ્ય કેન્દ્રો સહિત કુલ ૬૨ સ્થળોએ કોરોના સામેની કોવિશિલ્ડ અને કોવેકિસન રસી આપવાની કામગીરી ચાલી રહી છે. એક તરફ રાજકોટમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને ૧૦૦ ટકા રસીકરણ કરવાનો લયાંક નિર્ધારિત કરવામા આવ્યો છે. બીજી બાજુ વેકિસનનો સ્ટોક ખલાસ થવાની તૈયારીમાં હોય આરોગ્ય તત્રં ઉંધા માથે થઈ ગયું છે.

 

 

આજે શહેરના અનેક આરોગ્ય કેન્દ્રો પર વેકિસન પુરતી માત્રામાં ઉપલબ્ધ ન હોય અનેક નાગરિકોને મેસેજ કર્યા બાદ તેમજ ટોકન આપ્યા બાદ વેકિસન આપ્યા વિના રવાના કરાયાની ફરિયાદો નગરસેવકો તેમજ પદાધિકારીઓ સુધી પહોંચતા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરી રાજકોટને તાત્કાલીક જરૂરિયાત મુજબનો જથ્થો પુરો પાડવા માગણી કરી હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આજે બપોરની સ્થિતિએ રાજકોટમાં ૬૦૦૦ કોવિશિલ્ડ અને ૪૫૦૦ કોવેકિસન ડોઝ સહિતનો ૧૦,૫૦૦ ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. આજે સ્થાનિકસ્તરે તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરી દેવામાં આવી હોય આજે સાંજ સુધીમાં જરૂરિયાત મુજબનો વેકિસનનો સ્ટોક ઉપલબ્ધ થઈ જશે તેવી આશા છે. તેમણે ઉમેર્યું હતું કે, વેકિસનેશન મહાઅભિયાન પૂરજોશમાં શરૂ કરાતા વધુને વધુ નાગરિકો વેકિસન લેવા માટે આવવા લાગ્યા છે જેના લીધે વેકિસનનો સ્ટોક ખલાસ થવા લાગ્યો છે, અન્ય કોઈ કારણ નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં અનેક કેમ્પો યોજાયા છે અને આગામી દિવસોમાં હજુ અનેક કેમ્પો યોજાનાર છે. તદ ઉપરાંત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ વેકિસન મળે તે પ્રક્રિયા દૂર થઈ જતાં અને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન થવા લાગતા વેકિસન લેવા ધસારો વધી ગયો છે. આજે વેકિસનના સ્ટોક સંદર્ભેની માહિતી મેળવવા તેમણે ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાંઝા અને ડેપ્યુટી ચીફ હેલ્થ ઓફિસર ડો.પી.પી. રાઠોડ સાથે બેઠક યોજી હોવાનું પણ ઉમેર્યું હતું.

 


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં વેકિસનેશન મહાઅભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તે કોઈપણ સંજોગોમાં અટકશે નહીં. વેકિસનનો જથ્થો ખલાસ થવાની તૈયારીમાં છે પરંતુ આજે બપોરથી જ રાજકોટથી લઈને ગાંધીનગર સુધી અધિકારીઓ સુધી રજૂઆત કરી દેવામાં આવી છે જેથી સાંજ સુધીમાં અથવા તો મોડામાં મોડું રાત્રી સુધીમાં વેકિસનનો વધુ જથ્થો આવી જશે.

 

 

મતદાન મથકોમાં વેકિસનેશન ટૂંક સમયમાં શરૂ કરવા આદેશ: માઈક્રો પ્લાનિંગ તૈયાર
પોલીસ, પંચાયત, મહાપાલિકા અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથેની કલેકટરની મેરેથોન બેઠક

 


કોરોના ની ત્રીજી લહેર આવે તે પહેલા મોટાભાગના લોકોને વેકિસનેશન કરી દેવાની ઝુંબેશના ભાગપે તમામ મતદાન મથકો ના બૂથ પરથી વેકિસનેશન નું પ્લાનિંગ અગાઉ જાહેર કરવામાં આવેલું છે આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર અણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા.

 


ગુજરાતમાં દરરોજ દસ લાખ લોકોને વેકિસન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે અને આ કામગીરી મતદાન મથકોના બુથ પર કરવામાં આવશે તો તે ઝડપી બનશે તેવા વિચારો પણ આ બેઠકમાં વ્યકત કરવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં કે ગામમાં ૭૦ ટકાથી ઓછું રસીકરણ થયું છે ત્યાં ઝુંબેશના સ્વપમાં આ કામગીરી ઉપાડવા માટે સુચના આપવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોએ ફરજિયાત રીતે રસી લેવાની રહેશે અને જો રસી નહીં લીધી હોય તો દર ૧૦ દિવસે આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ હાજર રાખવો પડશે તેવું જાહેરનામું રાજકોટ જિલ્લા કલેકટર દ્રારા અગાઉ બહાર પાડવામાં આવ્યું છે તેની કડક અમલવારી કરવાની સૂચના કલેકટરે આજની બેઠકમાં આપી હતી.

 


કલેકટરે જણાવ્યું હતું કે વેકસીન આપવાની કામગીરી માં કેટલી પ્રગતિ થઈ છે, શું પ્રશ્નો નડે છે અને તેનું નિરાકરણ કેમ થઈ શકે તેની સમીક્ષા કરવા માટે દરરોજ મીટીંગ યોજવામાં આવશે અને તેના સંકલનની જવાબદારી અધિક કલેકટર પરિમલ પંડાને સોંપવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS