વેકિસનનો સ્ટોક દોઢ કલાકમાં ખલાસ; અફડાતફડી

  • July 29, 2021 06:38 PM 

વેકિસન લેવી છે ? તો મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર એક કલાક લાઇનમાં ઉભા રહેવાની તૈયારી રાખવી પડશે

અમિન માર્ગ સિવિક સેન્ટરમાં ટોકન મામલે માથાકૂટ: લમીવાડી આરોગ્ય કેન્દ્રમાં ડખ્ખો થતા પોલીસ દોડાવાઈ: મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર રાશનની દુકાનો જેવી કતારો: લાગવગીયાઓનો વ્હેલો વારો લેવાતા હોબાળોરાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ઉપર આજે વેકિસનનો સ્ટોક ફકત દોઢ કલાકમાં ખલાસ થઈ જતા અનેક નાગરિકોને વેકિસન લીધા વિના પરત ફરવું પડયું હતું. અમિન માર્ગ સિવિક સેન્ટરમાં ટોકન મામલે માથાકૂટ થઈ હતી. લમીવાડી આરોગ્ય કેન્દ્રમાં ડખ્ખો થતા પોલીસ દોડાવવી પડી હતી. લાગવગીયાઓનો વ્હેલો વારો લેવાતા ભારે હોબાળો થયો હતો.

 


મહાપાલિકાના અમિન માર્ગ આરોગ્ય કેન્દ્ર ખાતે વ્હેલી સવારે ૭ વાગ્યાથી ટોકન લેવા નાગરિકો ઉમટી પડયા હતા. સવારે ૯ વાગ્યાથી વેકિસનેશન શરૂ થયું હતું અને ૧૦–૩૦ વાગ્યા સુધીમાં સ્ટોક ખલાસ થઈ ગયાનું વેકિસન લેવા લાઈનમાં ઉભેલા શહેરીજનોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમુક લાગવગીયાઓને વચ્ચેથી ઘૂસાડવામાં આવતા હોબાળો મચ્યો હતો. મહાપાલિકાના લમીવાડી આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ અને કલાકોથી લાઈનમાં ઉભેલા નાગરિકો વચ્ચે માથૂકટ થતા પોલીસ બોલાવવી પડી હતી. લમીવાડી આરોગ્ય કેન્દ્ર પર ૧૦૦થી વધુ લોકોની કેન્દ્ર ખૂલતાની સાથે જ જોવા મળી હતી. લમીવાડી આરોગ્ય કેન્દ્ર પર ખુબ જ ધીમી ગતિએ વેકિસનેશન ચાલી રહ્યાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર ખરેખર કઈ રીતે વેકિસનેશન કામગીરી ચાલી રહી છે તે નિહાળવા માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, દંડક, આરોગ્ય ચેરપર્સન અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લ્યે તેવી પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે.

 

 

કોરોનાના કેસ ઘટી ગયા પણ વેકિસનેશન વધતું નથી !
કોરોનાની ત્રીજી લહેર ઓકટોબરમાં આવશે તેવી આગાહી છે. કોરોનાના કેસ હાલ ઘટી ગયા છે પરંતુ વેકિસનેશન વધતું નથી જે બાબત ખુબ ચિંતાજનક છે પરંતુ મહાપાલિકા તત્રં બેફિકર છે.

 

મહાપાલિકાના અધિકારીઓ ૬૦ મિનિટ લાઈનમાં ઉભા રહી શકે ?
રાજકોયમાં વેકિસન લેવા માટે હાલમાં શહેરીજનોએ કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. ખુરશીની કોઈ વ્યવસ્થા નથી. નાગરિકોની પરેશાનીનો પાર નથી. અનેક લોકો એવા છે કે તે ૬૦ મિનિટ ઉભા રહેવાની શકિત ધરાવતા નથી માટે વેકિસન લેવાનું ટાળે છે. શું મનપાના અધિકારીઓ ૬૦ મિનિટ લાઈનમાં ઉભા રહી શકે તેમ છે ?

 

 

૨૬૦૦૦ નાગરિકોની કતારો સામે ૧૩૦૦૦નો સ્ટોક
રાજકોટ મહાપાલિકાને આજે કોવિશિલ્ડના ૧૨૫૦૦ ડોઝ અને કોવેકિસનના બીજા ડોઝ માટે ફકત ૫૦૦ ડોઝ મળ્યા હતા. બીજીબાજુ વેકિસન લેવા માટે ૨૬૦૦૦થી વધુ નાગરિકો ઉમટતા અંધાધૂંધી થઈ હતી.

 

 

રવિવારે ફકત બીજો ડોઝ આપવા માટે જ આદેશ !
મહાપાલિકાને ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશ મુજબ આગામી તા.૧ ઓગસ્ટને રવિવારે ફકત બીજો ડોઝ લેવા આવનારને જ વેકિસન આપવાની સૂચના હોય તંત્રવાહકો પણ અવઢવમાં મુકાઈ ગયા છે. જો તે દિવસે કોઈ પહેલો ડોઝ લેવા આવે તો શું ના કહેવી ? તેવી મૂંઝવણ થઈ છે.

 


વેપારીઓ માટે તા.૩૧ જુલાઈની અંતિમ મુદત યથાવત રખાતા કચવાટ
રાય સરકારના જાહેરનામા મુજબ વેપારીઓ અને તેના સ્ટાફે વેકિસન લેવા માટેની મુદત તા.૩૧ જુલાઈ યથાવત રાખવામાં આવતા કચવાટની લાગણી ફેલાઈ છે અને વેકિસન લેવા ધસારો પણ વધ્યો છે. વેકિસન નહીં લેનારની દુકાન સીલ કરવા સુધીના પગલાં લેવાનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS