18 સરકારી કચેરીના સ્ટાફને ફ્રન્ટલાઈન વર્કર ગણી રસીકરણ શરૂ

  • March 26, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

60 વર્ષ કે તેથી વધુ વયના, કોમોર્બિલિટી ધરાવતાં 50થી વધુ વયના લોકોને કોરોના વેક્સિનેશન કરાયા બાદ આગામી તા.1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના તમામને રસીકરણ કરવામાં આવનાર છે. વચ્ચેના સમયગાળામાં રસીકરણ માટે રાજ્ય સરકારે અલગ-અલગ 18 કચેરીઓના સ્ટાફને કોરોના ફ્રન્ટલાઈન વર્કર ગણીને તેમને રસી આપવાનું જાહેર કર્યું છે. આજથી આવી કચેરીઓમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં શ થઈ ગઈ છે.

 

 

રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે ડીડીઓ અનિલ રાણાવસીયાના અધ્યક્ષસ્થાને મળેલી મીટીંગમાં ડીડીઓએ વિવિધ કચેરીઓના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કચેરીઓના તમામ સંવર્ગના તેમજ અંશકાલિન , આઉટસોર્સ સહીતના કર્મચારીઓની યાદી વેકસિન અપાવવા માટેની મંજુરી અર્થે કલેકટરને મોકલી આપવાની રહેશે. મંજુરી બાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર મુજબ વર્ગીકરણ કરી જો કર્મચારીઓની સંખ્યા વધારે હશે તો કેમ્પ કરીને વેકસિન આપવામાં આવશે. અન્યથા નજીકના રસીકરણ સેન્ટરમાં રસી આપવામાં આવશે. આ અંગેનું સંકલન તેમજ રજીસ્ટ્રેશન તેમજ કેમ્પો યોજવા અંગેની માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ આપી હતી.

 


જિલ્લા વિકાસ અધિકારીએ વધુંમાં જણાવ્યું હતું કે વેકસિન સુરક્ષિત છે. કોઇ મોટી આડ અસરનો જિલ્લામાં એક પણ કેસ સામે આવ્યો નથી. અત્યાર સુધીમાં જિલ્લામાં એક લાખ લોકોને રસી આપવામાં આવી છે.રસી લીધા પછી પણ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા સહિતની તકેદારી રાખવા જણાવાયું છે. આ મીટીંગમાં વિવિધ વિભાગના અધીકારીઓ ઉપસ્થિત રહયા હતા.

 


જિલ્લા કલેકટર રેમ્યા મોહનના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટ બેઈઝ પર ફરજ બજાવતા હોય કે કાયમી કર્મચારી હોય, સફાઈ કામદાર, પટ્ટાવાળાથી માંડી તમામ કર્મચારીઓ અને અધિકારીઓને રસીકરણ કરવામાં આવશે.

 


જે 18 કચેરી આ માટે પસંદગી કરવામાં આવી છે તેમાં પીજીવીસીએલ, એરએન્ડબી, ઈરિગેશન, સમાજ સુરક્ષા, આરટીઓ, ટ્રેઝરી, ખેતીવાડી, રમત-ગમત, ડીઆરડીએ, જીપીસીબી, પે એન્ડ પેન્શન કચેરી, એમ્પ્લોયમેન્ટ એકસચેન્જ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, પ્લાનિંગ ઓફિસ, પુરવઠા વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, માહિતી ખાતુ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ફૂડ એન્ડ ડ્રગ્સ, ટાઉન પ્લાનિંગ અને લિડ બેન્કનો સમાવેશ કરવામાં આવ્યોછે.

 


આ તમામ કચેરીઓમાં યોગ્ય વ્યવસ્થા સાથે વેક્સિનેશન થાય તે માટે આજે જિલ્લા કલેકટરે તમામ કચેરીના વડાઓને બોલાવ્યા હતા અને તેમની સાથે મિટિંગ કરી હતી. વધુમાં વધુ કર્મચારીઓ અને અધિકારીઓ વેક્સિનેશન કરાવે તે માટે ભાર મુકવામાં આવ્યો હતો.

 


લોકડાઉન દરમ્યાન પણ ડોક્ટર અને પોલીસની સાથે પીજીવીસીએલના કર્મચારીઓ પણ સતત કાર્યરત હતા. સંક્રમણના ભય વચ્ચે પણ ફરજ બજાવનાર પીજીવીસીએલના કર્મચારીઓને સરકાર દ્વારા છેક સુધી કોરોના વોરિયરને મળતા લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા. ગત સપ્તાહે ઓરિસ્સા સરકાર દ્વારા વીજ કર્મીઓને કોરોના વોરિયર્સ તરીકે ગણાવીને રસીકરણમાં પ્રાધાન્ય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી હવે આખરે સરકાર જાગી હોય તેમ આજે પીજીવીસીએલના કર્મચારીઓ માટે વેક્સિનેશન કેમ્પ્નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોર સુધીમાં 125 જેટલા કર્મચારીઓએ કોરોનાની રસી મુકાવી હતી.

 

પોતાના જીવના જોખમે ફરજ બજાવતા પીજીવીસીએલના કર્મીઓને કોરોના વોરિયર તરીકેના લાભો આપવા માટે એજીવીકેએસ તથા જીબીઆ દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી હતી. લોકડાઉન સમયે સંક્રમણના જોખમને લોકોને અગવડતા ન પડે તે માટે સતત કાર્યશીલ રહેતા અનેક વીજકર્મીઓ કોરોનાગ્રસ્ત થયા હતા અને અનેક કર્મચારીઓ મોતને ભેટયા હતા. આ પછી ઓરિસ્સા સરકારે વીજકર્મીઓને કોરોના વોરિયર તરીકે ગણાવીને કોરોના વેક્સિનેશનમાં પ્રાધાન્ય આપવાની જાહેરાત કરી હતી. આ પછી આખરે પીજીવીસીએલના કર્મચારીઓને પણ વેક્સિનેશનની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત આજે કોર્પોરેશન અને પીજીવીસીએલના સહયોગથી લક્ષ્મીનગર પાસે આવેલી કોર્પોરેટ કચેરીએ રસીકરણના કેમ્પ્નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પીજીવીસીએલના એમડી શ્વેતા તિઓટીયા તથા ચીફ એન્જિનિયર જે જે ગાંધી દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ ઉપરાંત પીજીવીસીએલના અન્ય કર્મચારીઓએ પણ વેક્સિન લીધી હતી.  બપોર સુધીમાં પીજીવીસીએલના કુલ 500 કર્મચારીઓમાંથી 125 કર્મચારીઓને વેક્સિનથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મહત્તમ કર્મચારીઓને આવરી લેવામાં આવે તે માટે બીજે દિવસે પણ કેમ્પ પણ યથાવત રાખવામાં આવશે.

 

જજ સહિત 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા
સિવિલ કોર્ટસ, ફાસ્ટ ટ્રેક બિલ્ડિંગમાં બે દિવસ પક્ષકારોને પ્રવેશ બંધછેલ્લા ત્રણ દિવસમાં રાજકોટની અદાલતોના એક જ તેમજ 10 કર્મચારીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો ને પગલે તકેદારીરૂપે ન્યાય વિભાગ દ્વારા રાજકોટમાં સિવિલ કોર્ટ સંકુલ તથા આઇપી મિશન સ્કૂલ સામેના ફાસ્ટટ્રેક બિલ્ડિંગમાં પક્ષકારો માટે આજે અને કાલે બે દિવસ પ્રવેશ બંધી રાખવામાં આવી છે. અદાલતના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ ફરીથી વધતું જ હોય તેવા સંજોગોમાં છેલ્લા ત્રણ દિવસના આ સમયગાળામાં 11 જેટલા કર્મચારીઓનું કોરોના સંક્રમણ થયા બાદ ગુજરાત હાઇકોર્ટ ની સૂચનાથી વધુ સંક્રમણ થતું અટકાવવા માટે તકેદારીના પગલારૂપે સિવિલ કોર્ટ સંકુલ તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડિંગમાં પક્ષકારોને આજે અને કાલે પ્રવેશ આપવામાં આવનાર નથી.

 


સત્તાવાર સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગમાં બંને દિવસ રાબેતા મુજબની કોર્ટ કાર્યવાહી ચાલુ રહેશે જ્યારે સિવિલ કોર્ટ બિલ્ડીંગ તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડિંગમાં વકીલો સંબંધી તમામ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે.

 


દરમિયાન બાર એસોસિયેશનના પ્રમુખ બકુલ રાજાણીએ આવકારીને સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.

 

અદાલતો રાબેતા મુજબ ચાલુ રાખવા સહી ઝુંબેશ
એકાદ વર્ષ સુધી અદાલતો બંધ રહેતા સેંકડો વકીલો બેકાર બન્યા હતાં. દરમિયન તાજેતરમાં જ અદાલતો ખુલ્યા બાદ કોરોના સંક્રમણના કારણે અદાલતની કાર્યવાહી મર્યિદિત કરવાના બદલે ફુલ ફલેજ અદાલતો ચાલુ રાખી વકીલોને બેકારીમાં ધકેલાતા રોકવા માટે અદાલતી વર્તુળોમાં આજે સહી ઝુંબેશ થઇ હતી તેમજ તેમાં સવાસોથી વધુ વકીલોએ સહી કરીને બાર એસોસિએશન સહિત અન્ય સત્તાવાળાઓને રજૂઆત કરવા માટે ચક્રો ગતિમાન છે.

 


કોરોનાનો ડર રાખ્યા વિના અદાલતો ચાલુ રાખો-બીસીઆઇ મેમ્બર દિલીપ પટેલ
હાલ તાજેતરમાં જ એક વર્ષ બંધ રહેલી અદાલતો ચાલુ થઇ છે તેવા સંજોગોમાં કોરોના સંક્રમણ ફરીથી ન થાય તે માટે પુરી તકેદારી સાથે અદાલતો ચાલુ રાખવી જોઇએ તેવી બીસીઆઇ બાર કાઉન્સિલના મેમ્બર દિલીપભાઇ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, હાલ કોઇ અદાલતોમાં સ્ટાફ અથવા જજને કોરોના પોઝિટિવ આવે ત્યારે આખી અદાલતની કાર્યવાહી સ્થગિત કરવાને બદલે અન્ય જજને કે કર્મચારીઓને ચાર્જ આપી અદાલતની કાર્યવાહી સંપૂર્ણ રીતે ચાલુ રહેવી જોઇએ. તેમજ તમામ જજીસ સહિતના સ્ટાફને કોરોના વેક્સિન આપીને કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ. એકાદ વર્ષ ઠપ્પ થયેલી ન્યાય વ્યવસ્થા માંડ ચાલુ થઇ છે તેવા સંજોગોમાં અદાલતોમાં પડેલા પુષ્કળ પેન્ડિંગ કેસોનો નિકાલ કરીને પક્ષકારો અને વકિલોના હિતમાં કાર્યવાહી ચાલુ રાખી કેસોનો નિકાલ કરવો જોઇએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS