વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને જાહેર જગ્યા પર કોવીડ કેર સેન્ટરની તાતી જરૂરિયાત

  • April 13, 2021 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચિંતા: જ્યાં વેન્ટિલેટર, ઓક્સિજન કે આઈસીસીયુ નથી ત્યાં ફાયરની સંભાવનાઓ ઓછીરાજ્યમાં એકાએક કોવિડના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અકલ્પ્નીય જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ કરીને આ જરૂરિયાતને પહોંચી વળવા પ્રયત્નશીલ છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ કે એ-સિમ્પટોમેટિક દર્દીઓ આઈસોલેશનમાં રહે તો તેમના પરિવારજનો અને અન્ય વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આવા સંજોગોમાં આવા દર્દીઓને પ્રાઈવેટ નર્સિંગ હોમ, કોમ્યુનિટી હોલ કે કોવિડ કેર સેન્ટર જેવી વ્યવસ્થામાં રાખી શકાય. અને જ્યાં વેન્ટિલેટર કે આઈ સી યુ.ની આવશ્યકતા નથી એવા સારવારના સ્થળો તાત્કાલિક વધારવાની આવશ્યકતા છે.

 


 તાજેતરમાં રાજકોટ ખાતે આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતાં દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખતાં આપણે રોજેરોજ હોસ્પિટલો અને પથારીઓની સુવિધામાં વધારો કરવો જ પડશે. જ્યાં હોસ્પિટલો પણ ભરાઈ ગઈ છે અને રોજ વધુને વધુ દર્દીઓ આવી રહ્યા છે ત્યાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે એવી વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે ઊભી કરવી પડશે.

 


 આવી વ્યવસ્થાઓ માટે સામાજિક સંગઠનો આગળ આવે. જ્ઞાતિના આગેવાનો નેતૃત્વ કરે અને જ્યાં પ્રાથમિક સુવિધાઓ હોય અને તબીબો આવીને કોરોનાના દર્દીઓની સારવાર કરી શકે એવી સગવડ હોય ત્યાં તાબડતોબ કેર સેન્ટર ઉભા કરવા જોઈએ. નર્સિંગ હોમ પણ આવી સેવા માટે આગળ આવે અને કોમ્યુનિટી હોલ જેવા સ્થળોએ પણ આવી વ્યવસ્થાઓ ઊભી કરાય તે વર્તમાન સમયની માંગ છે.

 


કોરોનાના એવા દર્દીઓ કે, જેમને ઓક્સિજનની આવશ્યકતા છે કે વેન્ટીલેટરની આવશ્યકતા છે કે આઇસીસીયુમાં સારવાર આપવી પડે તેમ છે એવા દર્દીઓને આવા સ્થળોએથી તાત્કાલિક લઈને કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ હોસ્પિટલમાં ખસેડી શકાય.

 


ગુજરાતના પ્રવર્તમાન જીડીસીઆર પ્રમાણે અલગ-અલગ ઊંચાઈ ધરાવતા મકાનો માટે ફાયર અને પાર્કિંગ વ્યવસ્થાના અલગ-અલગ નિયમો અને જોગવાઈઓ છે અને આ નિયમો અને જોગવાઇઓનું ચુસ્ત પાલન કરાઈ જ રહ્યું છે. આ નિયમોમાંથી કોઇ જ બાકાત નથી, પરંતુ કોવિડના એવા દર્દીઓ કે જેમને ઓક્સિજનની કે વેન્ટિલેટરની કે આઈસીસીયુની આવશ્યકતા જણાતી નથી તેવા દર્દીઓને માત્ર અન્ય લોકોથી આઈસોલેટ કરવા માટે જ નર્સિંગ હોમ, કોમ્યુનિટી હોલ કે કોવિડ કેર સેન્ટર જેવી જગ્યાઓની જરૂર છે.

 


દર્દીઓને તાત્કાલિક ડોક્ટરની નિગરાની હેઠળ રાખી શકાય અને કોરોનાના દર્દીઓથી તેમના પરિવારજનો અને અન્ય લોકો સંક્રમિત થતા અટકે તેવા ઉમદા હેતુથી જ આવી વ્યવસ્થાઓ તાબડતોબ યુદ્ધના ધોરણે ઉભી કરવાની જરૂરિયાત ઊભી થઇ છે.

 


સમાજના આગેવાનો કોમ્યુનિટી સેન્ટરો કે પ્રાઇવેટ નર્સિંગ હોમના સંચાલકોની મદદથી આપણે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવી શકીશું અને કોરોનાના કેસોને નિયંત્રિત કરી શકીશું. જ્યાં ઓક્સિજનની, વેન્ટિલેટર કે આઈસીસીયુની આવશ્યકતા નથી ત્યાં ફાયરની સંભાવના સામાન્ય સંજોગોમાં રહેતી નથી, આમ છતાં પણ ફાયર અને પાર્કિંગના તમામ નિયમો જળવાય, એક પણ વ્યક્તિના જાન સામે જોખમ ઊભું ન થાય અને જીડીસીઆરના નિયમોનું પણ પાલન થાય એવી વ્યવસ્થાઓ ઊભી કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમાજને અનુરોધ કર્યો છે.
અત્યારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે ત્યારે સરકારની હોસ્પિટલોથી લઈને તમામ સંશાધનો ઓછા પડી રહ્યા છે ત્યારે સમાજની મદદથી નવી વ્યવસ્થાઓ રાતોરાત ઊભી થાય એ જરૂરી છે. આવા સંજોગોમાં ફાયર અને પાર્કિંગની ચિંતા કરીને કોરોનાના દર્દીઓ માટે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવી અનિવાર્ય છે અને રાજ્ય સરકાર આ દિશામાં સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS