ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની આવતીકાલે ચૂંટણી: તાજ નસીબ આધારીત હશે

  • March 16, 2021 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે યોજાનાર ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ પાસે સરખું સંખ્યાબળ હોવાથી બન્ને પદો પર નસીબદાર વ્યક્તિ વિજયની વરમાળા પહેરશે ત્યારે જો આવતીકાલ સુધી કાંઈ નવા-જૂની ન થાય તો ચૂંટણી ભારે રસાકસી બનવાની સંભાવના સેવાઈ રહી છે.


આવતીકાલે તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી મીયાણીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતના સભાખંડમાં બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીને લઈ તાલુકાભરમાં ભારે ઉત્તેજના વ્યાપી છે. તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણીઓ ભાજપને આઠ, કોંગ્રેસને આઠ અને બે બાઠકો ઉપર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ત્યારબાદ બન્ને અપક્ષોને ખેંચવામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સફળ થતાં હાલ ભાજપ પાસે નવ તેમજ કોંગ્રેસ પાસે પણ નવ સભ્યોનું સંખ્યાબળ થતા બન્ને પક્ષો પાસે સરખું સંખ્યાબળ થતા આ ચૂંટણીમાં જેના નસીબમાં પ્રમુખપદ બનવાનું હશે તે વિજેતા થશે તેવું જ ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પણ બનશે.


ભાજપમાંથી પ્રમુખપદ માટે મુખ્ય બે દાવેદારો છે તેમાં સંભવિત જેનું નામ છે તે આહિર સમાજમાં સારું નામ ધરાવતા અને સેવંત્રાની પ્રતિષ્ઠાભરી બેઠક ઉપર પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરને હરાવી જાય કિલર બનેલા વિનોદભાઈ હાજાભાઈ ચંદ્રવાડિયા જ્યારે બીજા દાવેદાર વરજાંગ જાળિયા બેઠક ઉપરથી ચૂંટાયેલા વનરાજભાઈ કારાભાઈ સાવલિયા તેમજ રાકેશ હરસુખભાઈ વૈશ્ર્નાણી છે તેમાંથી વિનુભાઈ ચંદ્રવાડિયાની ઉપર મોવડી મંડળ પ્રમુખપદનો કળશ ઢોળે તેવી પુરેપુરી સંભાવના સેવાઈ રહી છે.


જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી તેલંગણાની બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા કડવીબેન રામશીભા, વામરોટિયાને પ્રમુખપદનો તાજ પહેરાવવા કમર કસી રહી છે. કડવીબેનના પતિ રામસીભાઈની નસેનસમાં કોંગ્રેસ ભળેલી છે. અગાઉ પણ તેઓ કોંગ્રેસમાંથી વર્ષોથી સેવા આપી રહ્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ઢાંકની બેઠક ઉપરથી બીજી વખત ચૂંટાયેલા રસીલાબેન શાંતિલાલ પાનસેરિં તેમજ પાનેલી-૧ બેઠક ઉપરથી ચૂંટાયેલા હર્ષાબેન મનોજભાઈ ઝાલાવડિયા અને ધારાસભ્યના નજીક ગણાતા સમઢિયાળાની બેઠક ઉપરથી ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ બાવનજીભાઈ ‚પાપરાને બેસાડવામાં આવે તેવી સંભાવના છે.


હર્ષાબેન ઝાલાવડિયાને ઉપપ્રમુપદે બેસાડવા પાનેલી જિલ્લા પંચાયતના સભ્ય જતીન ભાલોડિયા પણ પોતાની શક્તિ કામે લગાડી છે. આવતીકાલે યોજાનાર પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ પક્ષ આવતી ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આહિર, કડવા પટેલ અને લેઉવા પટેલની જ્ઞાતિના લોકોને સ્થાન આપી સમાવી લેશે પણ પ્રમુખપદ માટે બન્ને પક્ષ આહિર જ્ઞાતિ ઉપર પસંદગી ઉતારશે તેવી ભારોભાર સંભાવના સેવા, રહી છે ત્યારે ભાજપ બન્ને પક્ષો ઉપર પુરુષ ઉમેદવારોને ઉતારશે. જ્યારે કોંગ્રેસ પક્ષ બન્ને પદો પર મહિલાને સ્થાન આપે તેવી શકયતા સેવાઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS