કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા
જામનગર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા કાલાવડ શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા. આ અણધાર્યા માવઠાના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી, પરંતુ બીજી તરફ આ કમોસમી વરસાદે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે.
કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે નવાગામ, મોટા વડાળા, ખડધોરા, જસાપર, ટોડા, નિકાવા, ભગત ખીજડીયા અને મોટા પાંચદેવડા, નવાગામ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક પવન સાથે જોરદાર ઝાપટાં પડ્યા હોવાના અહેવાલો સાંપડ્યા છે. ગરમીની ઋતુમાં અચાનક ત્રાટકેલા આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા અને માર્ગો ભીના થઈ ગયા હતા.
આ માવઠાના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. હાલના દિવસોમાં ખેતરોમાં ઉનાળુ પાકની સિઝન ચાલી રહી છે, જેમાં તલ, મગ, બાજરી અને શાકભાજી જેવા પાકો કાં તો તૈયાર થઈ ગયા છે અથવા લણણીની પ્રક્રિયામાં છે. આવા સમયે પડેલા કમોસમી વરસાદના કારણે પાક પલળી જવાથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ પણ પલળી ન જાય તે માટે વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું છે.