યુનિવર્સિટી કોમન એક્ટ: અબ તેરા ક્યા હોગા કાલીયા ?

  • August 14, 2023 12:25 PM 

ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓ માટે એક સમાન કાયદો એટલે કે કોમન એકટ આવી રહ્યો છે. તેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. આ મુસદો જોયા પછી શિક્ષણ જગત સાથે વર્ષોથી સંકળાયેલા લોકો તેવી કોમેન્ટ કરી રહ્યા છે કે કોમન એક્ટના ડ્રાફ્ટની દાળમાં કાળુ છે કે આખી દાળ કાળી ? યુનિવર્સિટી અને અનેક કોલેજોના કેમ્પસમાં મજાકમાં શોલે ફિલ્મનો જાણીતો ડાયલોગ અબ તેરા ક્યા હોગા કાલીયા ? પણ બોલાઈ રહ્યો છે.
આવા સવાલ ઉઠાવનારની કે ડાયલોગ બોલનારાઓની વાત સાવ નાખી દીધા જેવી તો નથી, કારણકે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ માટે જે કોમન એક્ટનો જે મુસદ્દો તૈયાર કર્યો છે તેના પાના નંબર ૧૬ ના મુદ્દા નંબર ત્રણમાં દર્શાવ્યા પ્રમાણે યુનિવર્સિટી પોતાની રીતે પ્રોપર્ટી ખરીદી શકે, વેચી શકે અને લિઝ પર આપી શકે.આ નિર્ણય યુનિવર્સિટીઓને વધુ સ્વાયત્તા આપવાના નામે થયો છે. પરંતુ સ્થાનિક કક્ષાએ ભવિષ્યમાં તેનો કેટલા મોટા પ્રમાણમાં ગેરલાભ લેશે તે સૌથી મોટું ભયસ્થાન છે. શિક્ષણને લગતા સુધારાના બદલે જમીન મકાનની બાબત કમ સે કમ શિક્ષણ શાસ્ત્રીઓના ગળે ઉતરતી નથી.


આવી બીજી બાબત ડ્રાફટના પાના નંબર ૨૦ માં મુદ્દા નંબર ૧૦ માં એવું દર્શાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી પોતાની અનુકૂળતા મુજબ જગ્યાઓ ઊભી કરી શકશે પરંતુ તેની નિમણૂકની પ્રક્રિયા રાજ્ય સરકારની મંજૂરી પછી જ થઈ શકશે.ગુજરાતની હજારો શાળામાં આચાર્યની જગ્યા ખાલી છે. એવો જ માહોલ હવે કદાચ ઉચ્ચ શિક્ષણમાં ઉભો થાય તેવી ભિતી છે. કારણકે અત્યારે વર્ષોથી ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરાતી નથી. શાળા કક્ષાએ પણ આવો જ માહોલ છે અને હવે ઉચ્ચ શિક્ષણમાં પણ આવું થવાની શક્યતા છે. સરકાર ભરતીની સંપૂર્ણ સતા પોતાની પાસે રાખવા માંગે છે અને તેના કારણે આવી શંકા ઊભી થઈ રહી છે.


પાના નંબર ૨૧ માં મુદ્દા નંબર ૧૩ માં એવું જણાવ્યું છે કે અધ્યાપકોને પોતાની યુનિવર્સિટી સિવાય અન્ય યુનિવર્સિટીમાં મોકલી શકાશે. આ તો જે તે યુનિવર્સિટીના અધ્યાપક ઉપર લટકતી તલવાર જેવું છે. કોઈ અધ્યાપક સાચી હકીકત લઈ કુલપતિ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરે તો રાજ્ય સરકારની મંજૂરીથી આવા અધ્યાપકને બીજી યુનિવર્સિટીમાં મોકલી દેવાની છૂટ મળી છે. આવું જ પ્રતિ નિયુક્તિ ઉપર અધ્યાપકોને મોકલવાના મામલે જણાવ્યું છે. પાના નંબર ૨૧ ના મુદ્દા નંબર ૧૭ માં એવી વાત કરવામાં આવી છે કે યુનિવર્સિટી અધ્યાપકોની એક યાદી બનાવશે અને આવી યાદીમાંથી ડેપ્યુટેશન ઉપર અધ્યાપકોને કોલેજોમાં પણ મોકલી શકાશે. જો કુલપતિ સાથે મતભેદ ઊભો થાય તેવા કિસ્સામાં સરકારની મંજૂરી વગર અન્ય કોલેજમાં મોકલી શકાશે.
કોલેજોમાં શિસ્તની જવાબદારી પણ યુનિવર્સિટીએ પોતાની હસ્તક લેવાની રહેશે તેવું આ ડ્રાફ્ટના પાના નંબર ૨૩ ના મુદ્દા નંબર ૩૦ માં દર્શાવ્યું છે. કોલેજના આંતરિક વહીવટમાં આ જોગવાઈ હતી યુનિવર્સિટી સીધો હસ્તક્ષેપ કરી શકશે તેવી શંકા અત્યારથી જ કોલેજના સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે. પાના નંબર ૨૪ ના મુદ્દા નંબર ૪૩ માં આનાથી પણ વધુ એક ડગલું આગળ વધીને એવી વાત કરવામાં આવી છે કે સંચાલક મંડળોએ કેવી રીતે વર્તન કરવું ? કેવો વ્યવહાર કરવો ? યુનિવર્સિટી સાથે શું કરવું ? તે અંગેનો ’કોડ ઓફ કન્ડક્ટ’ યુનિવર્સિટી તૈયાર કરશે અને આમ સંચાલક મંડળોએ યુનિવર્સિટી ની કઠપૂતળી મુજબ કામ કરવું પડશે. પાના નંબર ૨૬ ના મુદ્દા નંબર ૫૩ માં એવું જણાવ્યું છે કે એક કોલેજનું સત્તા મંડળ બીજી કોલેજના હતા મંડળને સોંપી શકાશે. જો કોઈ કોલેજ, તેના સંચાલકો, કર્મચારીઓ નાના મોટા ગુનામાં પકડાય તો યુનિવર્સિટી આવા આંકરા નિર્ણયો પણ લઈ શકે છે.


યુનિવર્સિટી પોતાની પાસે રહેલી અસકયામતોને બેંકમાં ગીરવે મૂકી તેના પર લોન લઈ શકશે તેવી જોગવાઈ ડ્રાફ્ટના પાના નંબર ૨૫ ના મુદ્દા નંબર ૫૧ માં જણાવ્યું છે. જો કોઈ બદ ઈરાદા વાળી વ્યક્તિ મુખ્ય સ્થાન પર આવી જાય તો આવી જોગવાઈનો મોટા પ્રમાણમાં ગેરલાભ લઈ શકાય તેમ છે.આવા તો ઘણા બધા મુદ્દાઓ યુનિવર્સિટી કોમન એકટના ડ્રાફ્ટમાં જોવા મળે છે ડ્રાફ્ટમાં જે કંઈ છે તે બધું મૂળ સ્વરૂપમાં જ કોમન એક્ટમાં જોવા મળે તે જરૂરી નથી અને બીજી બાજુ કદાચ આખેઆખો મુસદ્દો કાયદો પણ બની જાય. નવી શિક્ષણનીતિ જાહેર થઈ ત્યારે તેમાં કોલેજના સંચાલકો અધ્યાપકો અને યુનિવર્સિટીના કુલપતિ સહિતના પદાધિકારીઓ અધિકારીઓમાંથી બહુ ઓછા લોકોએ તેમાં રસ લીધો હતો. પરંતુ હવે ક્યારે કોલેજોની સ્વાયત્તતા પરના અને અન્ય પ્રકારના અનેક નિયંત્રણો મોટા પ્રમાણમાં આવી રહ્યા હોવાની જાણ થતા પોતાના પગ નીચે હવે રેલો આવશે તેવું જણાતા શિક્ષણ જગતમાં આ સૂચિત ડ્રાફ્ટનો ભારે વિરોધ થઈ રહ્યો છે.


માત્ર કોલેજના સંચાલકો, અધ્યાપકો માટે કડક જોગવાઈ છે તેવું નથી. પરંતુ કુલપતિના મામલે પણ કોમન એક્ટના નવા ડ્રાફટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે એક વ્યક્તિ એક જ વખત કુલપતિ બની શકશે. એક વખત કુલપતિ બની ગયા પછી અન્ય કોઈ યુનિવર્સિટીમાં પણ કુલપતિ થઈ શકશે નહીં તેવી જોગવાઈ આ ડ્રાફ્ટના પાના નંબર ૩૭ ના મુદ્દા નંબર છ માં જણાવવામાં આવી છે. આવી જ રીતે કુલ સચિવની લાયકાત, અનુભવ, યોગ્યતા આ બધું જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની જોગવાઈ પ્રમાણે હોવું જોઈએ તેવું પાના નંબર ૪૨ ના મુદ્દા નંબર પાંચમાં જણાવ્યું છે. આ વાત બરાબર છે પરંતુ તેમાં વધારાનીએ જોગવાઈ સૂચવવામાં આવી છે કે આ બધું હોવા છતાં રાજ્ય સરકારની એપ્રુવલ જરૂરી છે.સૌથી મોટી અને ચોકાવનારી વાત તો આ ડ્રાફ્ટના પાના નંબર ૪૨ ના મુદ્દા નંબર ૧૩ માં કરવામાં આવી છે અને તે મુજબ યુનિવર્સિટીના અધિકારીઓ જુદી-જુદી ઓથોરિટીના સભ્યો, કર્મચારીઓ, અધ્યાપકો આ બધાને ઇન્ડિયન પેનલ કોડ સેક્શન ૨૧ મુજબ પબ્લિક સર્વન્ટની વ્યાખ્યામાં ગણ્યા છે. તેના બદલે તેમને સ્વાયત રીતે યુનિવર્સિટીના કર્મચારીઓ છે તેમ ગણવા ભલામણ કરવામાં આવી છે.
​​​​​​​
પાના નંબર ૪૪ ના મુદ્દા નંબર પાંચમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ નું બંધારણ આપવામાં આવ્યું છે. આ બંધારણમાં કેટલાક સભ્યોની મુદત અઢી વર્ષની તો કેટલાક સભ્યોની મુદત એક વર્ષની નક્કી કરવામાં આવી છે. એક વર્ષની મુદત ઘણી ઓછી ગણવામાં આવે છે આટલા ટૂંકા સમય ગાળામાં કોઈ અધ્યાપક યુનિવર્સિટીને પોતાની વાત યોગ્ય રીતે મૂકી શકતો હોતો નથી. આ અધ્યાપકો,આચાર્યો કે જે કોઈ નિયુક્ત થાય તેને પુરા અઢી વર્ષ માટે મૂકવા જોઈએ. એક વર્ષનું રોટેશનએ યુનિવર્સિટીની સત્તા ઉપર કોઈ બહારના લોકોને શું ચાલી રહ્યું છે તેની ખબર પણ ન પડે. માત્ર કુલપતિ કે તેની હા માં હા પાડવા માટે આ જોગવાઈ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. બધી જ નિમણૂકો કુલપતિ દ્વારા કરવામાં આવે તો યુનિવર્સિટીમાં લોકશાહી જેવું કશું રહેશે નહીં. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જે સભ્યો છે તેમાં કેટલાક સભ્યો ચૂંટાઈને આવી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત થયો છે. અનામતના મુદ્દે પણ આ પ્રાવધાનમાં કોઈ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. માત્ર એટલું કહેવાયું છે કે અમુક સભ્યો અનામત કેટેગરીમાંથી પણ મૂકવા જોઈએ. હકીકતે યુજીસીની જે માર્ગદર્શિકા છે તે મુજબ યુનિવર્સિટીના સત્તા મંડળોમાં જે તે રાજ્યને અનુરૂપ અનામતની નીતિનું પાલન થવું જોઈએ. કુલ સભ્યો કોઈપણ સત્તા મંડળના હોય તેના ૫૧% જેટલા સભ્યો બીનઅનામતમાંથી અને બાકી ૭%, ૧૫% અને ૨૭% જે રીતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના હોય છે તેવી વ્યવસ્થા ઉભી થવી જોઈએ. આ જ સભ્યો પૈકી ૩૩% મહિલા સભ્યો હોય તે પણ જરૂરી છે. પરંતુ ડ્રાફ્ટમાં આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application