જામનગર: વોર્ડ નં.૧૦માંં કમિશ્નરે સ્થળ નિરીક્ષણ કર્યું, લોકોએ ભૂગર્ભ ગટરની ફરિયાદોનો મારો ચલાવ્યો
નગરસેવકો પણ સાથે રહ્યા, તાકીદે ગટર સહીતની સમસ્યાઓ ઉકેલવા સંબધિત અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને સ્થળ પર સૂચના આપી
જામનગરના વોર્ડ નં.૧૦ માં વિવિધ વિસ્તારોનું મનપાના કમિશ્ર્નરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન રહેવાસીઓએ ભૂગર્ભ ગટરની ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. આ તકે વોર્ડના નગરસેવકો પણ સાથે રહ્યા હતાં.
મનપાના કમિશ્ર્નરે તાકીદે ગટર સહીતની સમસ્યાઓ ઉકેલવા સંબધિત અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને સ્થળ પર સૂચનાઓ આપી હતી. જામનગરના વોર્ડ નં.૧૦ માં ભૂગર્ભ ગટર, ગંકદી સહીતની સમસ્યાઓની ફરિયાદો રહેવાસીઓમાં જોરશોરથી ઉઠી હતી. જેના પગલે આજરોજ સવારે મનપાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ અધિકારીઓ સાથે વોર્ડ નં.૧૦ના ભોયવાડો, વાઘેરવાડો સહીતના વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તકે વોર્ડના નગર સેવક સંજય દાઉદીયા, નીલેશ હાડા વગેરે સાથે રહ્યા હતાં. કમિશ્ર્નરની મુલાકાત દરમ્યાન વોર્ડના જુદા-જુદા વિસ્તારોમાં રહેતા લોકોએ ભૂગર્ભ ગટર સંબધિત ફરિયાદોનો રીતસર મારો ચલાવ્યો હતો.જેમાં વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં છાશવારે ભૂગર્ભ ગટર ઉભરાતી હોય માર્ગો પર ગંદા પાણીની રેલમછેલ અને તલાવડા ભરાતા હોવાનું રહેવાસીઓએ જણાવ્યું હતું. તદઉપરાંત ગંદકી, કચરો સહીતની ફરિયાદો પણ કરી હતી. આથી કમિશ્ર્નરે રહેવાસીઓની ભૂગર્ભ ગટર સહીતની ફરિયાદો તાકીદે ઉકેલવા સ્થળ પર સાથે રહેલા મહાનગરપાલીકાના સંબધિત અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને સૂચનાઓ આપી હતી. વોર્ડ નં.૧૦ના જુદા-જુદા વિસ્તારોમાં કમિશ્ર્નરની મુલાકાત દરમ્યાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્ર્નર દેવેન્દ્વસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, મનપાના આસી.કમિશ્ર્નર(વહીવટ) મુકેશ વરણવા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.