જામનગરમાં કેરી પકાવવા કાર્બાઇડનો ચાલતો બેફામ ઉપયોગ
જામ્યુકોનું અકળ મૌન: ૪૦ થી વધુ કેરીના મોટા ગોડાઉન છે ત્યારે કાર્બાઇડ પડીકી, ઇન્જેકશન અને સ્પ્રે વડે કેરી પકાવાતી હોવાનું ખૂલ્યું: રૂ. ર૦ ની કિલો કેરી બહારથી લાવીને કાર્બાઇડથી પકાવી રૂ. ૮૦ માં વેચતા હોવાની ફરિયાદ: ફૂડ શાખાના અધિકારીઓ પણ શંકાના દાયરામાં !!: નવા મ્યુ. કમિશ્નરે તપાસ કરાવવાની જરૂર
જામનગરમાં કેરીના શોખીનો માટે માઠા સમાચાર પણ કહી શકાય, કારણ કે મોટાભાગના કેરીના ગોડાઉનમાં કાર્બાઇડની પડીકી, ઇન્જેકશન અને સ્પ્રેનો ઉપયોગ કરીને કાચી કેરીને પાકી બનાવાતી હોવાની વાત બહાર આવી છે, ૪૦ થી વધુ ગોડાઉનમાં આ પ્રકારની પ્રક્રિયા થઇ રહી છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખાના અધિકારીઓ કોણ જાણે કેમ લાચાર અને તપાસ કરતા નથી ? કેટલીક વખત સડેલી કેરીનો નાશ કરવામાં આવે છે, પરંતુ જે રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, તે જોતાં આ અંગે મ્યુ. કમિશ્નર દિપેશ કેડીયાએ આ અંગે ખાનગી રાહે તપાસ કરીને આવા ગોડાઉનો ચેક કરાવવા જોઇએ, તેવી ચર્ચાએ જોર પક્ડયું છે.
શહેરમાં બર્ધન ચોક, કડીયાવાડ, શાક માર્કેટ, સેતાવાડ, રણજીતનગર, સાધના કોલોની, ઇવા પાર્ક, લાલપુર બાયપાસ રોડ સહિતના અનેક વિસ્તારોમાં નાના મોટા કેરીના ગોડાઉનો આવેલા છે, વલસાડ, જુનાગઢ, સેલવાસ સહિતના અન્ય સ્થળોએથી કેરીના ટ્રક મંગાવવામાં આવે છે, આ ટ્રકમાં કાચી કેરી આવે છે તે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને ઉમેરતા કિલોના રૂ. ૧૮ થી ર૦ માં વેપારીને પડે છે અને ત્યારબાદ સ્પ્રે નાખી અને પડીકી મુકીને માત્ર ૩ થી ૪ કલાકમાં પાકી કેરી કરી દેવામાં આવે છે, આ પ્રકારનું કૌભાંડ દર વર્ષે ચાલે છે, જામનગર મહાપાલિકાના ફુડ શાખાના અધિકારીઓને ખબર નથી તેવો પ્રશ્ર્ન પણ જાગ્યો છે, ૭૦ થી ૭પ ટકા કેરી આ રીતે પાકતી હોવાનું ખુલ્યું છે.
કાર્બાઇડ ઇન્જેકશન કે સ્પ્રેથી જો કેરી પકાવાય તો શરીરને ખુબ જ નુકશાન થાય છે અને ડોકટર કહે છે કે લીવર અને કીડનીમાં પણ આની અસર થાય છે, એટલે આ પ્રકારની કેરી ખાવા માટે હિતાવહ નથી. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા હવે ધીમે ધીમે દરોડા પાડવાનું શરૂ કર્યું છે, પરંતુ ૧પ દિવસમાં હજારો કિલો કેરી કાર્બાઇડથી પકાવીને વ્હેંચી દેવામાં આવે છે, આરોગ્યને નુકશાન કરતા આવા વેપારીઓ સામે શા માટે કડક પગલા લેવામાં આવતા નથી ?
નવા આવેલા મ્યુ. કમિશ્નર દિપેશ કેડીયા કડક અધિકારીની છાપ ધરાવે છે, હજુ તેને ચાર્જ સંભાળ્યાને અઠવાડીયું થયું છે ત્યારે કેરીની સીઝન છે ત્યારે જ આ પ્રકારના ગોડાઉનો ચેક કરવા જોઇએ, જો તે કાર્બાઇડ કે ઇન્જેકશન નીકળે તો આવા ગોડાઉનો સીલ કરી દેવા જોઇએ, પરંતુ શહેરમાં આ સીઝનમાં આવા કૌભાંડ કરતા વેપારીઓના ગોડાઉન ક્યારેય સીલ કરવામાં આવતા નથી તે પણ હકીકત છે.
શહેરમાં સ્પ્રે નાખીને પણ કેરી પકાવવામાં આવે છે, ૮ થી ૧૦ કલાકમાં આ કેરી પાકી ગયા બાદ તાત્કાલિક વેંચાણમાં મુકી દેવી પડે છે, નહીંતર આ કેરી બે-ત્રણ દિવસમાં જ બગડી જાય છે, રેંકડીઓ ધારકો કે અન્ય વેપારીઓને રૂ. પ૦ થી પપ માં કિલો લેખે કાર્બાઇડવાળી કેરી આપી દેવામાં આવે છે અને વેપારીઓ વચલો ભાગ નફાનો ખાય છે,
જામનગર શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી મોટા મોટા ગોડાઉનમાં આ પ્રકારની નઠારી પ્રવૃતિ ચાલે છે, લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવે છે, ત્યારે આવા વેપારીઓ સામે કડક પગલા લેવાનો સમય આવી ગયો છે એટલું જ નહીં ફૂડ શાખાના અધિકારીઓ શા માટે અવારનવાર કેરીના ગોડાઉન પર દરોડા પાડતા નથી એ પ્રશ્ર્ન રહસ્યમય છે, અવારનવાર કૌભાંડો બહાર આવે છે અને ખુલ્લેઆમ ઇન્જેકશન અને કાર્બાઇડથી કેરી પકાવવામાં આવે છે ત્યારે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે.