ત્યકતાને ધરાર પ્રેમીની ફોટો વાયરલ કરવા, દીકરીને મારી નાખવા ધમકી

  • July 07, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ મિત્રતા હોય પરંતુ આરોપી સામે પોલીસ કેસ થતા સંબંધો તોડી નાખ્યા હતા: સંબંધ રાખવા માટે મીતાણાના શખસ અને તેના ભાઈએ ધમકી આપી



રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતી 26 વર્ષિયત ત્યકતાએ મોરબીમાં રહેતા શખસ અને તેના સગાભાઈ સામે પજવણી- ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યકતાને અગાઉ આરોપી સાથે મિત્રતા હોય પરંતુ આરોપી સામે પોલીસ કેસ થયાની જાણ થતા સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ આરોપી પોતાની સાથે સંબંધ રાખવા અને જો સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની તથા તેણીની દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.




બનાવની જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર રોડ પર શ્રમજીવી સોસાયટી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય ત્યકતાએ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીના મીતાણામાં રહેતા ઉર્વેશ રમેશભાઈ ગજેરા અને તેના સગાભાઈ નિખિલ ગજેરાના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં તેની માતા સાથે રહે છે અને ઘરે ઈમિટેશનનું કામ કરે છે તેની મોટી બહેનના લગ્ન થઈ ચૂક્યા છે આજથી પાંચેક વર્ષ પૂર્વે ફરિયાદીના પિતા સ્ટેશનરીનું કામ કરતા ત્યારે ઉર્વેશ સાથે પરિચય થયો હતો અને ઉર્વેશ એ સમયે સારા નરસા પ્રસંગોમાં ઘરે આવતો જતો હતો તેમજ ફરિયાદીની બહેનને ઉર્વેશ રાખડી બાંધતો હતો.




દરમિયાન ફરિયાદી અને ઉર્વેશ વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને બંને ફોનમાં વાત કરતા તથા મળતા પણ હતા. તેવામાં ફરિયાદીના લગ્ન નવાગામ ખાતે રહેતા યુવાન સાથે થઈ ગયા હતા જે લગ્નજીવન થકી સંતાનમાં એક દીકરી છે. પરંતુ બાદમાં પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતાં ત્રણેક વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતા.ત્યારબાદથી ઉર્વેશ ફરિયાદી સાથે વાતચીત કરતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ થયા હતાં.




દરમિયાન ઉર્વેશ પર પોલીસ કેસ થતા ફરિયાદીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને વાતચીત પણ કરવાનું બંધ કરી દીધુ હતું. ઉર્વેશ સંબંધ રાખવા માટે પજવણી કરવા લાગ્યો હતો અને અવારનવાર ફોન કરી સમાજમાં બદનામ કરવા ઉર્વેશ તેની પાસે રહેલા ફરિયાદી સાથેના ફોટા વાઇરલ કરી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો. તેમ જ ફરિયાદીને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપતો હતો.



દરમિયાન એક દિવસ ઉર્વેશના ભાઈ નિખીલે ફોન કર્યો હતો અને તેણે પણ ફરિયાદીને ગાળો આપી હતી જેથી અંતે કંટાળી જઇ ત્યકતાએ આ મામલે થોરાળા પોલીસમાં મથકમાં ફરિયાદ કરતા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ 354 એ 504, 506(2), 509, 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application