આકાશવાણી ચોક પાસે રાત્રીના હોટલ સંચાલક પર બે શખસોનો બે વખત હુમલો

  • August 14, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોટલના પાર્ટનરને ગાડી ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હોય યુવાન સમાધાન માટે જતા મારમાર્યો: યુવક બહેનના ઘરે જતા રસ્તામાં રોકી ફરી હુમલો કર્યો



શહેરના આકાશવાણી ચોક પાસે રાત્રીના અહીં નજીકમાં જ હોટલ ધરાવનાર હોટલ સંચાલક પર બે શખસોએ હુમલો કર્યો હતો. બાદમાં આ યુવાન બહેનના ઘરે જતો હતો ત્યારે રૈયાધાર ડ્રીમ સિટી પાસે તેને ફરી મારમાર્યો હતો. યુવાનના પાર્ટનરને આરોપી સાથે ગાડી ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હોય જેમાં યુવાન સમાધાનમાં જતા તેને માર પડ્યો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસે અજાણ્યા બાઇક ચાલક સહિત બે શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.




બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ પાસે મોમાઈ હોટલ ચલાવતા મૂળ જૂનાગઢના વતની મહીમનભાઈ દીપકભાઈ આચાર્ય(ઉ.વ 32) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક અને તેની સાથે આવેલા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે આકાશવાણી ચોક પાસે આવેલી પોતાની મોમાઈ હોટલે પાર્ટનર જનકભાઈ સાથે બેઠો હતો. ત્યારે જનકભાઈના મોબાઇલમાં તેના નાનાભાઈ અને હોટલમાં પાર્ટનર જયદીપનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું કાર લઇ હોટલેથી ઘરે જતો હતો ત્યારે ઓવરટેક કરવા બાબતે ફોન વગાડતા બે શખસોએ ચાલુ ગાડીએ પાટા મારી ઝઘડો કર્યો છે. જેથી ફરિયાદી તથા જનકભાઈ અહીં વાહન લઈને જતા એસ.એન.કે ચોક પાસે બંને શખસો બાઈકમાંથી નીચે ઉતરી જયદીપભાઇ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરતા હતા તેમજ જનકભાઈ વચ્ચે પડતા આ બંને શખસો વધુ ઉશ્કેરાયા હતા અને તેમને તથા ફરિયાદીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.



દરમિયાન જયદીપએ પોલીસને જાણ કરી દેતા જયદીપભાઇ અને જનકભાઈ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા જ્યારે ફરિયાદી મહિમનભાઈ તેમના હોટલના કારીગર સાગરભાઇ સાથે બાઈકમાં બેસી સીટી કોર્ટયાર્ડ પાસે રહેતા તેમની બહેનના ઘરે જવા માટે નીકળ્યા હતા. રૈયાધાર ડ્રીમ સિટી પાસે તેઓ પહોંચતા આ બંને શખ્સો અહીંથી પસાર થતાં તેમણે તેમનું વાહન અટકાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે બાઈક ના રોકતા ચાલુવાહને તેમને ધોકો મારી દેતા ફરિયાદી તથા તેમનો કારીગર નીચે પડી ગયા હતા. બાદમાં આ શખસે છરી કાઢી મારવા જાતા ફરિયાદીને હાથમાં છરી વાગી ગઈ હતી જેથી તેમને ઈજા પહોંચી હતી. ત્યારબાદ આ બંને શખસો નાસી ગયા હતા હુમલામાં ઘવાયેલા મહિમનભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application