જામનગર પંથકમાં જુદા જુદા અકસ્માતમાં બે ના મોત

  • July 05, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે ફોરવ્હીલ ગાડીના ચાલકે બેદરકારીથી ચલાવીને બાઇકને હડફેટે લેતા ખેતમજુર યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયું છે, જયારે ફલ્લા ગામના સર્કલ પાસે અઠવાડીયા પહેલા રોડ ક્રોસ કરતા બાઇકચાલકને એસટી બસે ઠોકર મારી હતી જેમાં ઇજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજતા બસના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.


મુળ એમપીના અને હાલ વાંકાનેરના ખેરવા ગામ વાડી ખાતે રહેતા ખેતમજુરી કરતા કાલીબેન પાંગલીયા ઉર્ફે પાંગરો વસુનીયા (ઉ.વ.૩૨)એ ગઇકાલે ધ્રોલ પોલીસમાં ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦સીએન-૬૫૯૪ના ચાલક સામે ફરીયાદ કરી હતી.


ફરીયાદીના પતિ પાંગલીયાભાઇ તા. ૩ના રાત્રીના આશરે દસેક વાગ્યાના સુમારે પોતાનું બાઇક નં. જીજે૧૦જે-૫૯૪૮ લઇને રાજકોટ જામનગર હાઇવે પરથી આવતા હોય દરમ્યાન ધ્રોલના જાયવા ગામે જવું હોય આથી પાટીયા પાસેની કટ ઉપર રોડ ક્રોસ કરતા હતા.
આ વેળાએ રાજકોટ તરફથી આવતી ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦સીએન-૬૫૯૪ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ગંભીર અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદીના પતિને મોટરસાયકલ સહિત હડફેટે લઇ કપાળ, શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું.


બીજા બનાવમાં મુળ એમપીના હાલ ફલ્લા સીમ વાડીએ રહેતા ખેતમજુર વસતાભાઇ ભંગડાભાઇ તોમર (ઉ.વ.૩૨) એ ગઇકાલે પંચ-એમાં એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૬૫૦૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. 


વિગત મુજબ ફરીયાદીના ભાઇ ચેનસિંહ ભંગડાભાઇ તોમર પોતાનું નવું મોટરસાયકલ હીરો ડીલક્ષ નં. એમપી૦૯ઝેડબી-૯૭૫૧ લઇને ગત તા. ૨૯ના સમયગાળામાં ફલ્લા ગામ સર્કલ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે જામનગર તરફથી આવતી એસટી બસના ચાલકે ફુલસ્પીડમાં ચલાવી બાઇકને ઠોકર મારી હતી જેમાં બાઇક સહિત યુવાન નીચે પડી જતા માથા, પગમાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હતું. ફરીયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application