જામનગરમાં કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટકાયત
૪૩ બોટલ, કાર, ૨ મોબાઇલ મળી ૩.૬૨ લાખનો મુદામાલ કબ્જે : એક શખ્સની સંડોવણી
જામનગર શહેરમાં કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૩,૬૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ એ. જાડેજા, અજયસિંહ એમ. ઝાલા, કલ્પેશભાઈ આર. અઘારા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રીપાલસિંહ પી. સોઢાને મળેલી બાતમીના આધારે રાજપાર્કના ઢાળિયા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ભાવેશસિંહ ગતુભા જાડેજા અને હનીફ યુસુફભાઈ સફીયાના કબજાની મારુતિ સુઝુકી રિટ્ઝ કાર નં. જીજે-૦૪-બીઈ-૦૮૩૧માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે રાખેલો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂની ૪૩ બોટલ કિંમત રૂ. ૫૫,૯૦૦, બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૭,૦૦૦ તથા કાર કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૩,૬૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસ દરમિયાન ઝડપાયેલા દારૂનો જથ્થો અલ્તાફ શેખ ઉર્ફે બંટી, રહે. તાર મામદ સોસાયટી, જામનગર દ્વારા આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. હાલ તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.