જામનગર નજીક રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
૨૩૦ લીટર દારૂ અને રીક્ષા સહિત ૧.૯૬ લાખનો મુદામાલ કબ્જે : કાલાવડમાં શરાબના ચપટા સાથે વેપારી ઝબ્બે : સપ્લાયરની સંડોવણી : પીપળી વિસ્તારમાં દેશી દારૂ અંગે પોલીસનો દરોડો
જામનગર નજીક ચેલા એસઆરપી કેમ્પ જવાના રસ્તા બાજુ પોલીસે બાતમીના આધારે રીક્ષાને આંતરીને તલાશી લેતા તેમાથી ૨૩૦ લીટર દેશી દારુ મળી આવતા બે શખ્સોને પકડી લીધા હતા, સપ્લાયરની સંડોવણી ખુલી હતી, જયારે કાલાવડના બસ સ્ટેન્ડ સામે દારૂનુ ચપલુ લઇને નીકળેલા શખ્સને પકડી લેવાયો હતો જેમાં સપ્લાયરની સંડોવણી ખુલી હતી, લાલપુરના પીપળી ગામમાં દેશી દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.
લાલપુરના પીપળી ગામ જુનો વાસમાં રહેતા નયન સુખા મકવાણા અને પીપળી ગામના પંકજ ડાયા મકવાણા આ બંને શખ્સો સીએનજી ઓટો રીક્ષામાં દેશી દારુની હેરાફેરી કરતા હોય આથી પંચ-બી પોલીસે બાતમીના આધારે ચેલાથી આગળ એસઆરપી કેમ્પ જવાના રસ્તાની બાજુના માર્ગ પર દરોડો પાડીને રીક્ષામાંથી દેશી દારુ ૨૩૦ લીટર, દોઢ લાખની કીંમતની રીક્ષા મળી કુલ ૧.૯૬ લાખના મુદામાલ સાથે બંનેને દબોચી લીધા હતા. જયારે પીપળી ગામના દેવા ગઢવી નામના સપ્લાયરનું નામ ખુલ્યુ હતું. ત્રણેયની સામે પ્રોહીબીશન મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત લાલપુરના પીપળી ગામ ચારણનેશ વિસ્તારમાં સુમીબેન લખમણ ગોદાણીના ઝુપડા પાસે સ્થાનીક પોલીસે દરોડો પાડી દેશી દારુ બનાવવાનો ૧૦ લીટર આથો જપ્ત કર્યો હતો.
કાલાવડના ભગવતીપરામાં રહેતા અમિત જયેશ મુંગરા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના એક ચપટા સાથે બસ સ્ટેન્ડ સામેના રોડ પરથી સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો. દારૂ સપ્લાય કરનાર વીરવાવ ગામના પ્રવિણ મનજી વઘેરાનું નામ ખુલ્યુ હતું જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
અન્ય એક દરોડામાં જામનગરના રામેશ્ર્વરનગર પટેલ વાડી વિસ્તારમાં રહેતા મુળ મોટા ભડીયા ગામના ભાવેશસિંહ ગતુભા જાડેજા નામના શખ્સના ભોગવટાના મકાનના ફળીયામાં સીટી-બી પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારુની ૬ બોટલ કબ્જે કરી હતી, આરોપી ફરાર થઇ ગયો હતો.