કોરોનાના સંક્રમણને ખાળવા તંત્ર ઉંધા માથે: બેડની સંખ્યા વધારવા નિર્ણય

  • April 08, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સંક્રમણને અટકાવવા તેમ જ દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે તંત્ર ઉંધા માથે થઇ ગયું છે અને બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. આજે રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા અને જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક કલેકટર પી.બી.પંડ્યા વગેરેએ ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હોદેદારો સાથે બેઠક યોજી હતી અને શહેરની હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા અંગે ચચર્િ કરી હતી. આ બેઠકનું સાનુકુળ પરિણામ પણ આવ્યું છે અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા નિર્ણય લેવાયો છે. આ અંગેની જાહેરાત સાંજ સુધીમાં કરી દેવામાં આવશે.

 


આ મામલે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને મહત્વનું નિવેદન આપ્યું છે. હાલમાં કોરોનાના કેસમાં વધારો થતાં ઑક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે તેમજ સમરસ હોસ્પિટલ ખાતે 500 ઑક્સિજન બેડ ઊભા કરવામાં આવી રહ્યા છે. હાલ 250 બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. તો સાથે જ કેન્સર હોસ્પિટલ ખાતે 200 ઑક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ નોન કોવિડ દર્દીઓને રેલ્વેમાં સારવાર આપવામાં આવશે. રેલવેમાં ઓપરેશન થીએટર સહિતની સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. ઑક્સિજનના વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઑક્સિજનની ઘટ પડવા દેવામાં નહિ આવે અને ભાવનગરથી 20 વેન્ટિલેટર રાજકોટને મળ્યા હોવાનું પણ કલેકટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

 


દરમિયાન રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ 230 દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર(ડી.સી.એચ.સી.) અને કોવિડ કેર સેન્ટર(સી.સી.સી.). ખાતે સારવાર કરવામાં આવી રહી છે તેવું સત્તાવાર રીતે જણાવાયું છે.

 


રાજય સરકારના અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર(ડી.સી.એચ.સી.) યુનિટ ચલાવવામાં આવી રહયું છે. જયાં ઓકસિજનની જરૂરિયાતવાળા 177 દર્દીઓ અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા 15 દર્દીઓની સમાવેશ ક્ષમતા છે. આ યુનિટ ખાતે પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવે છે. અહીં હાલ 180 દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ રહી છે, તેમ ડો. ઇલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું.

 


જયારે સમરસ હોસ્ટેલ ખાતે કોરોનાની સારવાર માટે બે સરકારી એકમો કાર્યરત કરાયા છે. ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ(ડી.સી.એચ.સી.) અને કોવિડ કેર સેન્ટર(સી.સી.સી.). સમરસ હોસ્ટેલ ખાતે હાલ બે માળ પર મળીને કુલ 124 ઓકસિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે, જે પૈકી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા 50 દર્દીઓને દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસમાં સમરસ હોસ્ટેલ ખાતે વધારાના બે માળ પર અન્ય 112 દર્દીઓ માટે ઓકસિજન સભર બેડની સુવિધા પ્રાપ્ત થઇ શકશે, આથી અહીં કુલ 236 ઓકસિજનવાળા બેડ ઉપલબ્ધ થઇ શકશે, તેમ ડો. મેહુલ પરમારે જણાવ્યું હતું.

 


રાજયના આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા અને રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહયા છે, અને દર્દીઓને તેમના રોગની ગંભીરતા મુજબ જરૂરી સારવાર સરકારી રાહે મળી રહે, તે માટે સતત પ્રયત્નશીલ છે.

 

જિલ્લામાં રસીકરણની કામગીરી પૂરજોશમાં
કોરાના સામે રક્ષણ આપવા અને સંક્રમણને ખાળવા માટે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 1.57 લાખ લોકોને રસી મુકવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વિવિધ સાઇટ પર કેમ્પો કરીને રસીકરણ કરવામાં આવે છે. કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ ત્રીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના તથા હાલ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી ખૂબજ ઝડપથી કામગીરી કરવામાં આવી છે. ગઇકાલ સુધીમાં 7702 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવેલ હતી. અને હજુ વેકસીનની કામગીરી ચાલુ છે. તથા અત્યાર સુધીમાં 45 વર્ષ થી વધુ ઉંમરના કુલ 1,57,688 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS