રાજકોટમાં આધેડની હત્યામાં સાવ નજીવું કારણ, દૂર ન જતાં પતાવી દીધા

  • September 06, 2021 06:10 PM 

જૂની મેંગણીના આધેડની હત્યામાં પકડાયેલા શખસની કેફિયત
ફટપાથ પર સૂતો હતો, દૂર જવાનું કહેતા ઝઘડો કર્યેા જેથી ઉશ્કેરાઈ પથ્થર ઝીંકી દીધો, પોલીસે રાહદારીની મદદથી આરોપીને પકડયો


રાજકોટના ૧૫૦ ફટ રિંગરોડ પર ખોડિયારનગરમાં રહેતા અને રખડતું ભટકતું જીવન ગાળતા કોટડાસાંગાણીના જૂની મેંગણી ગામના દિનેશ ઉર્ફે જનો પોપટભાઈ અરમાણી ઉ.વ.૪૫ નામના આધેડની શનિવારે રાત્રે પથ્થરનો ઘા ઝીંકી માથુ, ચહેરો છુંદી કરાયેલી હત્યામાં પોલીસે ત્વરિત જ આરોપી જયંતિ ઉર્ફે નટુ ભીખુભાઈ જોટાણિયાને અન્ય એક રાહદારીની મદદથી મિનિટોમાં જ દબોચી લીધો હતો. પોલીસ સમક્ષ આરોપીએ એવી કેફિયત આપી હતી કે મૃતક ફટપાથ પર વચ્ચે સૂતો હતો જેથી થોડો દૂર સૂવા કહ્યું હતું જેમાં ઝઘડો કરવા લાગતા ઉશ્કેરાઈ નજીકમાં પડેલો પથ્થર ઝીંકી દીધો હતો. પોલીસના સૂત્રોની વિગતો મુજબ મૃતક દિનેશ પરિવારથી અલગ રહેતો હતો અને રખડુ જિંદગી હતી, બે દિવસ પહેલા શનિવારે રાત્રે ઘરથી થોડે દૂર ૧૫૦ ફટ રિંગરોડ આંબેડકર સર્કલ નજીક ફટપાથ પર વચ્ચે સૂતો હતો એ સમયે ત્યાંથી આરોપી જયંતી પગપાળા નીકળ્યો હતો. દિનેશ વચ્ચોવચ્ચ સૂતો હોવાથી ઉભા થઈ થોડે દૂર સૂવા જયંતીએ ટકોર કરી હતી જેને લઈને બન્ને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા જયંતીએ દિનેશને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બનાવ બાદ કશુ બન્યુ ન હોય તેમ જયંતી પગપાળા ચાલી નીકળ્યો હતો.

 


ઘટના સંદર્ભે પીઆઈ ભૂક્કણ, પીએસઆઈ વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. કંટ્રોલ રૂમને કોઈએ બનાવની જાણ કરી હતી. તે દરમિયાન ફોન નંબર મેળવી પોલીસે તેનો સંપર્ક કર્યેા હતો. હત્યા કરનાર ઈસમ પગપાળા જતો હોવાનું જાણવા મળતા રાહદારી વ્યકિતને ફોન ચાલુ રાકી આરોપીનો પીછો કરવા પોલીસે કહ્યું હતું અને પોલીસ આરોપી સુધી પહોંચે ત્યાં સુધી રાહદારી વ્યકિત પોલીસને લોકેશન આપતો રહ્યો હતો અને પોલીસે હત્યા કરનાર અજાણ્યો ઈસમ નાસી છૂટે એ પહેલા જ રાહદારીની મદદ લઈને દબોચી લીધો હતો. હત્યા સંદર્ભે મૃતકના ભાણેજ કાંતિ રવજીભાઈ મકવાણાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડની કાર્યવાહી કરી હતી. ખરેખર દૂર સૂવા બાબતે જ હત્યા કરી કે કોઈ જૂની અદાલત? એ અંગે આરોપીની પૂછતાછ સાથે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.  

 

 

આરોપીને પકડવામાં મદદરૂપ જાગૃત યુવકનું કરાયું સન્માન
આધેડની હત્યા કરી આરોપી જયંતી પગપાળા ચાલતો થયો હતો જેની પર જાગૃત નાગરિક મહેન્દ્રગિરિ પ્રભાતગિરિ ગોસ્વામી દ્રારા પીછો કરીને આરોપીને પકડાવવામાં પોલીસને મદદરૂપ થતાં આજે પોલીસ કમિશનર દ્રારા મહેન્દ્રગિરિનું સન્માન કરાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS