કાલાવાડ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4 વિધાર્થીના મોત

  • August 03, 2021 05:41 PM 

રાજકોટ નજીક કાલાવડ રોડ પર વાજડી ગામ પાસે આજે બપોરના સમયે એસટી બસ અને રોંગ સાઈડમાં ધસી આવેલી જીજે૩કેસી ૮૪૭૫ નંબરની કાર ધડાકાભેર બસ સાથે અથડાતા કારસવાર ત્રણ વિધાર્થીના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જયારે બે વ્યકિત ગંભીર રીતે ઘવાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. લોધીકા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ટ્રાફિકજામ થઈ ગયો હતો. એકાદ કલાકની જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કરાવાયો હતો.

 


બનાવની પોલીસના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ રાજકોટની પારૂલ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતા નિશાંત નીતિનભાઈ દાવડા ઉ.વ.૨૪, ફોરમ હર્ષદભાઈ ધ્રાંગધરિયા ઉ.વ.૨૧, આદર્શભારથી પ્રવીણભારથી ગૌસ્વામી ઉ.વ.૨૩ તેમજ હાલ કોર્પેારેશનમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી સિમરન ગિલાણી તથા કૃપાલી ચેતનભાઈ ગજર ઉ.વ.૨૨ પાંચેય રાજકોટના કાલાવાડ રોડ સ્થિત ખીરસરા ગામે આરોગ્ય કેન્દ્રની મુલાકાતે જીજે૩કેસી ૮૪૭૫ નંબરની કારમાં ગયા હતા ત્યાં વિઝીટ કર્યા બાદ રાજકોટ પરત ફરી રહ્યા હતા.

 


કાર નિશાંત દાવડા ચલાવી રહ્યો હતો. કાલાવાડ રોડ પર વાજડી પાસે રોંગ સાઈડમાં ધસી આવેલી કાર ધડાકાભેર રાજકોટ–રણુજા રૂટની એસટી બસના મોહરા સાથે અથડાઈ હતી. કાર એટલી સ્પીડમાં હતી કે કારનો બોનેટનો ભાગ બસને ડાબી સાઈડનો અડધો ભાગ ચીરીને અંદર ઘુસી ગયો હતો. ગમખ્વાર અકસ્માતના પગલે ઘટના સ્થળે જ કારચાલક નિશાંત, ફોરમ અને આદર્શ ગૌસ્વામીના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા. જયારે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સિમરન અને કૃપાલીને સિવિલમાં ખસેડાયા હતા.

 


અકસ્માતના પગલે બસમાં રહેલા મુસાફરો પૈકી જીવીબેન બેચરભાઈ તથા યુસુફ તૈયબઅલી સાદિકોટ  રહે.કાલાવાડને પણ ઈજા થતા સારવારમાં સિવિલમાં લઈ જવાયા હતા. અકસ્માતના પગલે બનાવ સ્થળે લોધીકાના ઈન્ચાર્જ પીઆઈ કે.કે.જાડેજા, પીએસઆઈ કે.એ.જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ બસ રાજકોટથી રણુજા તરફ જઈ રહી હતી અને સાઈડમાં ઉભી હતી એ સમયે જ ખીરસરા તરફથી આવી રહેલી કાર અચાનક ડિવાઈડર ફલાંગીને રોંગ સાઈડમાં આવી બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ પડી હતી.

 


અકસ્માત સર્જાતા રાહદારીઓ અને વાહનચાલકોના ટોળા ઉમટી પડયા હતા એક સાઈડ ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે એકાદ કલાકની જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કર્યેા હતો.

 

 

મૃતક તથા ઈજાગ્રસ્ત બી.એચ.એમ.એસ.ના છેલ્લા વર્ષમાં હતા: પરિવારમાં અરેરાટી
ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર નિશાંત મુળ ગોંડલના વતની છે અને અહીં હોસ્ટેલમાં રહેતો હતો જયારે આદર્શ ગોંડલના રામોદના નવાગામનો વતની અને રાજકોટમાં આનંદનગર કોલોનીમાં રહેતો હતો જયારે ફોરમ ભારતીનગરમાં રહેતી હતી અન્ય બે ઈજાગ્રસ્તો છાત્રા કૃપાલી તથા સિમરન ઉમેદભાઈ ગીલાણી રાજકોટમાં આમ્રપાલી પાસે રહે છે. આ પાંચેય પારૂલ યુનિવર્સિટીમાં બીએચએમએસનો તબીબી અભ્યાસ કરે છે અને આ છેલ્લુ સેમેસ્ટર હતું. જીવ ગુમાવનાર ફોરમ એક ભાઈ એક બહેનમાં નાની હતી જયારે આદર્શનભારથી બે ભાઈ એક બહેનમાં વચેટ હતો.

 

 


કાર રોંગ સાઈડમાં ફુલ સ્પીડે ધસી આવી: નજરે જોનારાના શ્ર્વાસ પણ અધ્ધર થઈ ગયા
કાર ઓવરસ્પીડમાં હતી અને પોલીસના અનુમાન મુજબ કદાચિત કારચાલકે ઓવરટેઈક કરવા જતાં અથવા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને ફલાંગીને રોંગ સાઈડમાં દોડી આવી હતી. આ દ્રશ્ય જોઈને નજીકમાં ઉભેલા લોકોના શ્ર્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. કાર એટલી ઝડપે બસ સાથે અથડાઈ કે જે ધડાકો થતા નજીકના રહેવાસી ધંધાર્થીઓ પણ બેબાકળા થઈ ગયા હતા.

 

 


જેસીબીની મદદથી કારના પતરા ચીરવા પડયા
કાર બસના આગળના ભાગે અડધાથી વધુ ઘુસી ગઈ હતી. અંદર ફસાયેલા બે યુવકના મૃતદેહ બહાર કાઢવા માટે તેમજ કારને રસ્તા પરથી સાઈડમાં ખસેડવા જેસીબીની મદદ લેવાઈ હતી કારના પતરા ચીરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS