એક જ ક્લિક પર જાણી શકાશે ટ્રાફિકજામ, રોડ બંધના ચોક્કસ અપડેટ : સૌપ્રથમ રાજકોટમાં ટ્રાફિક એપ કરાઈ લોન્ચ

  • January 11, 2023 12:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે આપણને જ્યારે પણ ટ્રાફિકની અપડેટ મેળવવાની જરૂર પડે છે ત્યારે સીધા જ ગૂગલ મેપની મદદ લઈએ છીએ. ગુગલ મેપમાં માત્ર ટ્રાફિક અપડેટ જ નહીં પરંતુ રૂટ, સમયની સંપૂર્ણ માહિતી પણ ઉપલબ્ધ છે. હવે લોકો તેના પર નિર્ભર બની રહ્યા છે. પણ હવે ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં ટ્રાફિક એપ લોન્ચ કરવામાં કરવામાં આવી છે. રાજકોટ ગુજરાતનું સૌપ્રથમ શહેર બન્યું છે જ્‍યાં વાહનચાલકો મેપલ્સ મોબાઇલ એપ્‍લીકેશન દ્વારા ટ્રાફિક અડચણોના સમયસર પળેપળના અપડેટ આંગણીના ટેરવે મેળવી શકશે. સેવાનો લાભ મેળવનારા દેશના કેટલાક શહેરોમાં રાજકોટની પસંદગી કરાઇ છે. રાજકોટ ટ્રાફિક પોલીસએ આ એપ બનાવનાર મેપ માય ઇન્ડિયા સાથે આજે એમઓયુ કર્યા છે.  

આધુનિક સમયમાં મોબાઇલ મેપ કોઇ અસામાન્‍ય વસ્‍તુ નથી પણ વાહન ચાલકો તેના દ્વારા રોડની એકયુરેટ સ્‍થિતિ જેમકે વીઆઇપીના કારણે રોડ ટેમ્‍પરરી બંધ કરાયો હોય, ટ્રાફિકજામ હોય, ક્યાંક ખાડા ખોદવામાં આવ્યા હોય વગેરે બાબતો નથી જાણી શકતા. પણ આ એપ દ્વારા વાહન ચાલકો રોડ પર ચાલી રહેલ કામ, ડાયવર્ઝન જેવી માહિતી પણ વધુ ચોક્કસ રીતે જાણી શકશે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડાયવર્ઝન, ટ્રાફિકજામ, રોડનું ખોદાણ, રોડ પરના સ્‍પીડબ્રેકર, રોડ પરના ખાડા, રોડ બંધ હોવાની સ્‍થિતિમાં સારામાં સારો વૈકલ્‍પિક માર્ગ, વીઆઇપીનો કાફલો પસાર થવો વગેરે માહિતીઓ એપ બનાવનારાને રીયલ ટાઇમ અપડેટ આપશે. જે એપ વાપરનારાઓને મળતી રહેશે. માહિતી અપડેટ કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક નોડલ ઓફિસર ડેપ્‍યુટ કરવામાં આવ્યા છે, જે ફિલ્‍ડ સ્‍ટાફ પાસેથી ટ્રાફિક અને રોડની માહિતી એકઠી કરશે અને એપને પહોંચાડતા રહેશે જેનાથી યુઝર વાહનચાલકોને મદદ મળશે. એટલું જ નહીં પોલિસ વાહન ચાલકોને માહિતી આપવા આમંત્રણ આપશે. જોકે તેની ખરાઇ કર્યા પછી આ માહિતી એપ પર જોઇ શકાશે. ટ્રાફિક પોલીસ અધિકારીઓનો દાવો છે કે અમે દરેક રોડ માટે સ્‍પીડ લીમીટ નક્કી કરેલી છે. જો કોઇ વધારે સ્‍પીડથી વાહન ચલાવશે તો આ એપ્‍લીકેશન ડ્રાઇવરને ચેતવણી આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application