કેકેવી બ્રિજ ઉપર ટ્રાફિક જામ: બન્ને છેડે ડિવાઇડર બંધ કરો

  • July 28, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિજના લોકાર્પણ બાદ હવે ટ્રાફિક જામનું નવું સરનામું: જયમલ પરમાર માર્ગ અને આત્મીય કોલેજનો દરવાજો

કોટેચા ચોક તરફથી જતા જયમલ પરમાર માર્ગ પાસેના બ્રિજના સ્ટાર્ટ પોઇન્ટ અને આત્મીય કોલેજ પાસેના બ્રિજના એન્ડ પોઇન્ટ ઉપર બંને છેડે ટ્રાફિક જામ થવા લાગ્યો: બન્ને છેડે ટ્રાફિક જામના લીધે બ્રિજની ઉપર પણ વાહનોની લાંબી લાઇન: મહાપાલિકા-ટ્રાફિક પોલીસ તાકિદે નિર્ણય લ્યે તે જરૂરી




કેકેવી ચોકમાં ૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત મલ્ટી લેવલ ઓવરબ્રિજ ખુલો મુકતા દરરોજ બે લાખ વાહનચાલકોને રાહત થશે તેવી આશા હતી પરંતુ હવે આ મલ્ટી લેવલ બ્રિજ ઉપર પણ ટ્રાફિક થવા લાગ્યો છે અને બ્રિજના સ્ટાર્ટ પોઇન્ટ અને એન્ડ પોઇન્ટ ઉપર પણ ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.



ગઇકાલે લોકાર્પણ બાદ તો લોકો બ્રિજ નિહાળવા ઉમટ્યા હતા તેને લીધે ટ્રાફિક જામ થયો હતો પરંતુ આજે સવારે અને બપોરે પણ ટ્રાફિક જામ થતા આ બાબત ચિંતાજનક છે. આ માટે બ્રિજ જ્યાંથી શરૂ થાય છે ત્યાં જયમલ પરમાર માર્ગ પાસેનું રોડ ડિવાઇડર અને બ્રિજ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં આત્મીય કોલેજ પાસેનું રોડ ડિવાઇડર બંધ કરાય તો જ બ્રિજના બન્ને છેડે સર્જાતો ટ્રાફિક જામ બંધ થાય તેમ છે. અથવા તો આ માટે મહાપાલિકા અને ટ્રાફિક પોલીસ વિભાગએ સંયુક્ત વિચારણા કરી કોઈ નિર્ણય પર આવીને તેની તુરંત અમલવારી કરશે તો જ આ સમસ્યા ઉકેલાશે નહીં તો બ્રિજ બનાવ્યાનો હેતુ સરશે નહીં.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કેકેવી ચોક ઓવરબ્રિજની લંબાઇ ૧૧૫૨.૬૭ મીટર અને પહોળાઇ ૧૫.૫૦ મીટર છે તેમ છતાં બ્રિજની ઉપર બનાવેલા આ મલ્ટી લેવલ બ્રિજ ઉપર ટ્રાફિક જામ થવા લાગ્યો છે. બ્રિજ ખુલો મુકતા કાલાવડ રોડ ઉપર કેકેવી ચોકમાંથી દરરોજ આવન જાવન કરતા અંદાજે રોજિંદા બે લાખ જેટલા વાહનો ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવી આશા હતી પરંતુ હવે કેકેવી ચોકના બદલે જયમલ પરમાર માર્ગ પાસેના રોડ ડિવાઇડર અને સામે છેડે આત્મીય કોલેજ પાસેના રોડ ડિવાઇડર પાસે ટ્રાફિક જામ થવા લાગ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application