દેવભૂમિ દ્વારકા: ભોગાત ગામના પીળી તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર માટીનું વહન કરતું ટ્રેક્ટર કબ્જે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન હેઠળના ભોગાત ગામના પીળી તળાવ વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદેસર માટી (મોરમ)નું વહન કરતા એક ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં ખનીજચોરીની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે કડક પગલાં ભરવા માટે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નીર્લીપ્ત રાય, દેવભૂમિ દ્વારકાના પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ દેવશીભાઇ કરમુર તથા પોલીસ કોન્સ્ટેબલ સુમાતભાઇ લાખાભાઇ વારોતરીયાને ભોગાત ગામથી પીળી તળાવ વિસ્તારમાંથી ભોગાત ગામ તરફ આવતા રસ્તે એક ટ્રેક્ટર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટ્રેક્ટરના ચાલક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી, પાસ પરમિટ કે કાયદેસરના આધાર પુરાવા નહોતા અને ટ્રેક્ટરની ટ્રોલીમાં અનધિકૃત રીતે માટી (મોરમ) ભરીને તેનું વહન કરવામાં આવી રહ્યું હતું. આથી પોલીસે તુરંત જ વાહન ચાલકને ટ્રેક્ટર અને ટ્રોલી સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા વાહન ચાલકની ઓળખ આનંદભાઇ ભીમાભાઇ લુણા (રહે. ભોગાત ગામ વાડી વિસ્તાર, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા) તરીકે થઈ છે, જેનું ટ્રેક્ટર રજિસ્ટ્રેશન નંબર -જીજે૩૭એમ-૩૪૦૬ તથા ટ્રોલી રજિસ્ટ્રેશન નંબર -જીજે૩૭ટી-૩૯૭૦ છે.