હાલારમાં સર્વત્ર વરસાદ: ખંભાળિયામાં અનરાધાર પાંચ ઈંચ: ઠેર–ઠેર પાણી–પાણી

  • June 19, 2021 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન : પડાણા, ડબાસંગ, મોડપરમાં ૨.૫,  પીપરટોડા, ભણગોર ૨.૨૫, મોટા પાંચદેવડામાં ૨ ઈંચ, મોટા ખડબા, ધ્રોલ, ધ્રાફા, માં ૧.૫, સલાયામાં ૧.૨૫: જામનગર શહેરમાં વરસાદના ઝાપટા

 


મેઘરાજાએ મલકતી ચાલે ગઇકાલે ખંભાળીયાને ધમરોળી નાખ્યુ હતું, માત્ર ત્રણ કલાકમાં સાંબેલાધારે પાંચ ઈંચ વરસાદ પડતા ચારેકોર પાણી પાણી થઇ ગયું હતુ, પ્રથમ વરસાદે જ ખંભાળીયામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, હાલારના કેટલાક ગામડાઓમાં એક થી પાંચ ઈંચ વરસાદ પડયો છે, કેટલાક નદી નાળામાં ભારે પુર આવ્યા છે, મેઘાએ કયાંક ધીમી ધાર અને કયાંક ધોધમાર વરસાદ વરસાવ્યો છે ત્યારે પડાણા, ડબાસગં અને મોડપરમાં અઢી–અઢી ઈંચ જયારે પીપરટોડા, ભણગોર અને મોટાપાંચદેવડામાં બે ઈંચ જયારે મોટા ખડબા, ધ્રોલ અને ધ્રાફામાં દોઢ–દોઢ ઈંચ, સલાયામાં સવા ઈંચ, જયારે લાલપુર, જામજોધપુર, પીઠ, જાલીયા દેવાણી, ધુતારપર, વંથલી, લાખાબાવળ, અલીયાબાડા અને નવાગામમાં એક–એક ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે જામનગર સહિત હાલારમાં જગતના તાતે આ સીઝનનું વાવણીકાર્ય શરૂ કરી દીધું છે.

 


ગઇકાલે બપોર બાદ મેઘરાજાએ ખાસ કરીને દેવભુમી દ્રારકા જીલ્લામાં પધરામણી કરી હતી, લોકોએ મન મુકીને વરસાદનો આનદં માણ્યો હતો, ખંભાળીયામાં અનરાધાર પાંચ ઈંચ વરસાદ પડતા, રામનાથ વિસ્તાર, નગરચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જયારે વિસોત્રી ગામ થોડા કલાકો માટે સંપર્ક વિહોણું બની ગયુ હતું.

 


કન્ટ્રોલરૂમના જણાવ્યા મુજબ પડાણામાં ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો અને આજુબાજુના વિસ્તારોમાં પણ બે થી અઢી ઈંચ વરસાદ પડયાના વાવડ છે, જયારે મોડપરમાં પણ મેઘાએ દે ધનાધન કરીને ૬૬ મીમી વરસાદ વરસાવ્યો હતો જયારે ડબાસંગમાં વિજળીના કડાકા ભડાકા સાથે ૬૪ મીમી વરસાદ વરસ્યો હતો, ગામડાઓમાં પીપરટોડામાં પણ વરસાદી વાતાવરણ વચ્ચે ૫૪ મીમી અને ભણગોરમાં ૫૨ મીમી વરસાદ વરસતા આજુબાજુના ચેકડેમોમાં પાણીની ધીંગી આવક થઇ હતી. ગઇકાલે ધ્રાફા પંથકમાં દોઢ, ધ્રોલમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો જયારે મોટાખડબામાં પણ મેઘાએ દોઢ ઈંચ વરસાદ વરસાવ્યો હતો, જીલ્લાના અનેક ગામોમાં એક થી બે ઈંચ વરસાદ વરસ્યો છે અને ખેડુતોએ વાવણીકાર્ય શરૂ કરી દીધું છે, ધુતારપર, લાખાબાવળ, વંથલી, અલીયા, બાલંભા, પીઠડ, જાલીયા દેવાણી, નવાગામ, લાલપુર, જામજોધપુરમાં એક એક ઈંચ વરસાદ પડયો છે, જયારે ફલ્લા, ધુનડા, પરડવા, દરેડ, ખરેડી, સમાણા, લાખાબાવળ, શેઠવડાળામાં અડધાથી પોણો ઈંચ વરસાદ વરસતા જગતનો તાત ખુશ થઇ ગયો છે.

 


ખંભાળીયા તાલુકાના વિસોત્રી ગામના આજુબાજુના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડતા થોડા સમય માટે વિસોત્રી ગામ વિખુટુ પડી ગયુ હતું અને સંપર્ક તુટી ગયો હતો.  આ વખતે વાવાઝોડાના કારણે એકાદ અઠવાડીયુ વહેલો વરસાદ શરૂ થયો છે, વાવણી જોગ વરસાદ વરસતા જગતનો તાત હવે હરખાઇ ગયો છે, ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણ–ત્રણ દિવસથી જે રીતે અસહ્ય બફારો જોવા મળ્યો હતો તેમા લોકોને થોડી રાહત થઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં મેઘાએ દે ધના ધન કયર્ુુ હતું જયારે જામનગર શહેરમાં ગઇકાલે અને આજે વરસાદી માહોલ છવાયો હતો પરંતુ માત્ર ઝાપટા પડતા રાજમાર્ગેા ભીના થયા હતા.  આજ સવારથી જ હાલારના કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે વહેલી સવારે કયાંક કયાંક ઝાપટા પણ પડયા છે, વરસાદી માહોલ જામ્યો છે, 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS