જામનગર મહાપાલીકામાં શૌચાલયનું કામ ગોકળ ગાયની ગતિએ, કર્મીઓ અને અરજદારો હેરાન
બે મહીનાથી કામ ચાલી રહ્યું હોય યુઘ્ધના ધોરણે પૂર્ણ કરવા પ્રબળ માંગણી
ફરજીયાત એકથી બીજા માળે ઘક્કાથી પારવાર હાલાકીથી કર્મચારીઓમાં ભારે રોષ
જામનગર મહાનગરપાલીકામાં શૌચાલયનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોય કર્મચારીઓ અને અરજદારો હેરાન થઇ ગયા છે. બે મહીનાથી આ કામગીરી ચાલી રહી હોય ફરજીયાત એકથી બીજા માળે ધકકા થતા હોવાથી ભારે હાલાકી પડતા કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આટલું જ નહીં આ કામગીરી યુઘ્ધના ધોરણે પૂર્ણ કરવા માંગણી ઉઠી છે.
જામનગર મહાનગરપાલીકાની જુદી-જુદી શાખાઓમાં અધિકારીઓ અને ઘણાં કર્મચારીઓ ફરજ બજાવે છે. આટલું જ નહીં સંબધિત વિભાગોમાં કામગીરી માટે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો મનપાની કચેરીએ આવે છે. મહાનગરપાલીકાની કચેરીમાં જુદા-જુદા માળ પર જૂના શૌચાલયના સ્થાને નવા શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે સારી અને આવકારદાયક બાબત છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, નવા શૌચાલય બનાવવાની કામગીરી ખૂબજ ધીમી એટલે કે ગોકળગાયની ીગતિએ ચાલી રહી છે. આથી મહાનગરપાલીકામાં ફરજ બજાવતા કર્મચારીઓને એક થી બીજા માળ પર ધકકા થતા હોય ભારે હાલાકી પડતા રોષની લાગણી ફેલાઇ છે. બીજી બાજુ અરજદારોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. અત્રે નોંધનીય છે કે, જે અધિકારીઓ છે તેઓને તો તેઓની ઓફીસમાં શૌચાલયની અલાયદી સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે મહાનગરપાલીકાના જુદા-જુદા માળે બનાવામાં આવી રહેલા નવા શૌચાલયની કામગીરી બે મહીનાથી ચાલી રહી હોય હજુ પણ કયારે પૂર્ણ થશે તે એક સળગતો સવાલ છે. આથી ખુદ મહાનગરપાલીકામાં જો શૌચાલય બનાવવાની કામગીરી કાચબા ગતીએ થતી હોય તો શહેરમાં થતાં વિકાસકાર્યોમાં ઝડપથી કયાંથી થાય તે પ્રશ્ર્ન પણ ઉઠયો છે. હાલ તો શૌચાલયની ધીમી કામગીરીથી મનપામાં ફરજ બજાવતા કર્મચારીઓને એક થી બીજા માળ પર ધકકા થઇ રહ્યા છે. ત્યારે આ કામગીરી યુઘ્ધના ધોરણે પૂર્ણ થાય તેવી પ્રબળ માંગણી કર્મચારીઓ અને અરજદારોમાં ઉઠી છે.