હર્ષદની દરીયાઇ પટ્ટી પર ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ

  • March 13, 2023 11:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તથા રેવન્યુ તંત્રના સંયુક્ત ઓપરેશનમાં કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાં અનઅધિકૃત દબાણ હટાવની ઝુંબેશ શનિવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે રવિવારે બીજા દિવસે વધુ ૨૩૯ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ લાખ ચોરસ ફૂટથી વધુ ખુલ્લી કરવામાં આવેલી સરકારી જગ્યાની અંદાજિત કિંમત રૂ. બે કરોડ આંકવામાં આવી છે. આ ઓપરેશન ડિમોલિશન આજે સોમવારે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઐતિહાસિક ધર્મસ્થળ એવા બેટ દ્વારકામાં પાંચ માસ પૂર્વે કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશન બાદ આવા જ એક મહત્વના ધર્મસ્થળ હર્ષદ (ગાંધવી) ખાતેની દરિયાઈ પટ્ટીમાં અનેક તત્વો દ્વારા મોટા પાયે સરકારી જમીન વણાંકી લીધી હોવાનું સરકારી તંત્રને આવતા આના અનુસંધાને થોડા સમય પૂર્વે આ તમામ દબાણકર્તાઓને વિધિવત રીતે નોટિસ અપાયા બાદ આ વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાવાની પૂરી શક્યતા જણાતા અનેક આસામીઓ પોતાના બિસ્તરા-પોટલા લઈ અને નીકળી ગયા હતા.


દેવભૂમિ દ્વારકા રેવન્યુ તંત્ર દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પછી શનિવારે બપોરથી હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનના પ્રથમ દિવસે રૂપિયા બે કરોડ જેટલી કિંમતના ૩.૭૦ લાખ ચોરસ ફૂટના ૧૦૨ દબાણ હટાવાયા હતા. જેમાં ૬૫ રહેણાંક, ૩૩ કોમર્શિયલ તથા ૪ ધાર્મિક સ્થળો પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા. આ દબાણ હટાવ ઝુંબેશ ગઈકાલે રવિવારે પણ સવારથી ચાલી રહી હતી.






દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા હાર્દિક પ્રજાપતિ, એલસીબી, એસઓજી ઉપરાંત વિશાળ પોલીસ કાફલાની ટીમએ ગાંધવી વિસ્તારમાં જેસીબી, હિટાચી સહિતના મશીનો વડે અનઅધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.


દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તેમજ કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રીંડાણીની ઉપસ્થિતિમાં ગઈકાલે રવિવારે પણ સવારથી સાંજ સુધી ચાલેલા આ ઓપરેશન ડિમોલિશનમાં કુલ ૧૩૭ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં ૧૨૧ રહેણાંક તેમજ ૧૬ કોમર્શિયલ દબાણનો સમાવેશ થાય છે. આશરે ૫.૧૦ લાખ ચોરસ ફુટ જેટલી ખુલ્લી કરવામાં આવેલી આ સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત ૧.૯૮ કરોડ ગણવામાં આવી છે.


હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા વ્યાપક દબાણને દૂર કરવાની કામગીરી પોલીસ તંત્ર તથા રેવન્યુ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવનું ગઈકાલે રવિવારે સાંજે અહીં આગમન થયું હતું. તેમણે ડિમોલિશનવારી જગ્યા તેમજ કામગીરીની સમીક્ષા કરી, ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.


દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ઉપરાંત ગત સાંજે દેવભૂમિ દ્વારકામાં આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના બંદોબસ્ત સહિતની જવાબદારી તેમજ વ્યવસ્થા સંભાળી હતી. જેના અનુસંધાને બે દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.


ઓપરેશન ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ સ્થળે વીજ કર્મચારીઓ, મેડિકલ ટીમ વિગેરે પણ ખડે પગે રહી હતી. અહીં રાજકોટ રેન્જના મોરબી, રાજકોટ, જામનગર વિગેરે જિલ્લાની પોલીસના જવાનોની સેવા લેવામાં આવી હતી.


સરકારી અંદાજ મુજબ આશરે સાડા નવ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં દબાણ હોવાથી આ અંગેની નોટીશો અપાયા બાદ બે દિવસમાં કુલ આશરે ૯ લાખ ચોરસ ફૂટ બાંધકામ (દબાણ) દૂર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ જોતા હજુ પણ આ દબાણ હટાવ ઝુંબેશ જારી રહેશે તેમ પણ કહી શકાય.


અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર- ૨૦૨૨ માસમાં બેટ દ્વારકામાં કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં કોમર્શિયલ સહિતના આશરે ૨૬૨ જેટલા સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન ડિમોલિશનમાં આશરે રૂપિયા સાડા સાત કરોડની કિંમત ધરાવતી સાડા ત્રણ લાખ ચોરસ ફુટ જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application