સિવિલમાં દાખલ થવું છે રૂા.૯૦૦૦ આપો: આઉટસોર્સના બે સ્ટાફનું કૌભાંડ

  • April 22, 2021 05:27 AM 

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સોના થપ્પા લાગી જાય છે અને રોજ ૧૦૦થી વધુ એમ્બ્યુલન્સો દર્દીઓને લઈને કલાકો સુધી કતારમાં ઉભી રહે છે ત્યારે બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના એમ.જે. સોલંકી આઉટસોર્સ કંપનીના બે કર્મચારીઓએ રૂા.૯ હજાર આપી તાત્કાલીક દર્દીને સારવારમાં દાખલ કરવાનું કૌભાંડ આચર્યું હોય અને આ કૌભાંડમાં હોસ્પિટલના સ્ટાફની મિલીભગતથી ચાલતું હોય જેનો એક વીડિયો આજે વાયરલ થયા બાદ આ પ્રકરણ અંગે કલેકટર અને પોલીસ કમિશનર દ્રારા આકરાં પગલાં લેવા આદેશ આપ્યો છે ત્યારે જિલ્લા વહીવટીતત્રં અને પોલીસે તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ અને પ્રનગર પોલીસે આ મુદ્દે આ કૌભાંડમાં સંડોવાયેલા એમ.જે. સોલંકી આઉટસોર્સ કંપનીના જામનગર અને રાજકોટના બે કર્મચારીઓની શોધખોળ શરૂ કરી છે.

 


સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવતા રાજકોટ તેમજ આસપાસના ગામોના દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલ હાઉસફલ થઈ જતા કલાકો સુધી એમ્બ્યુલન્સ વેઈટિંગમાં ઉભી રહે છે. ઘણીવાર દર્દીને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે એમ્બ્યુલન્સમાં જ ઓકિસજન આપવામાં આવે છે. દર્દીઓ ઘરેથી જ ખાટલા લઈને સિવિલમાં આવતા હોવાના ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સથી કામ કરતાં બે કર્મચારીઓએ પૈસા આપીને તાત્કાલીક સારવારમાં વેઈટિંગમાં રહ્યા વગર દાખલ થવાનું કૌભાંડ આચર્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનાના ત્રણેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તત્રં દોડતું થઈ ગયું છે. રાજકોટ કલેકટર રેમ્યા મોહને આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે વાતચીત કરી તાત્કાલીક કાર્યવાહી કરવા આદેશ આપતા ક્રાઈમ બ્રાન્ચ અને પ્રનગર પોલીસને તપાસ સોંપાઈ છે.

 


પ્રાથમિક તપાસમાં વીડિયોમાં દેખાતા બે યુવકોમાં એકનું નામ જગદીશ સોલંકી અને બીજાનું નામ હિતુ મહીડા હોવાનું જાણવા મળ્યું છે. જગદીશ જામનગરનો છે અને હિતુ રાજકોટનો વતની છે. બન્ને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ ધરાવતા એમ.જે. સોલંકી આઉટસોર્સ કંપનીમાં પેશન્ટ એટન્ડન્ટ અને સર્વન્ટ તરીકે નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ. આર.એસ. ત્રિવેદીએ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. વીડિયોમાં દેખાતા બન્ને યુવકોએ ફોન ઉપર વાત કરીને ૯ હજાર રૂપિયા આપીને વેઈટિંગમાં ઉભા રહ્યા વગર સીધા જ દર્દીને સારવારમાં દાખલ કરવાની ગોઠવણ કરી દીધી હતી. આ બન્નેનો વીડિયો વાયરલ થયા બાદ બન્ને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ પ્રકરણમાં હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની સંડોવણીની ધ્ઢ શંકા વ્યકત કરવામાં આવી રહી છે. કારણ કે માત્ર આઉટસોર્સના કર્મચારીઓ કોઈપણ જાતની મિલીભગત વગર આવું કૌભાંડ આચરી શકે નહીં. બેડ તાત્કાલીક ખાલી કરાવીને દર્દીને દાખલ કરવા માટે એમ.જે. સોલંકીના જગદીશ અને હિતુ મહિડાએ કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા છે તે હવે બન્નેની ધરપકડ બાદ આ કૌભાંડ બહાર આવે તેવી શકયતા છે. ગરીબ દર્દીઓ સારવાર માટે કલાકો સુધી હોસ્પિટલની બહાર કણસતા રહે છે ત્યારે ૯ હજાર રૂપિયામાં તાત્કાલીક બેડ અપાવી દેનાર આ બન્ને આઉટસોર્સના કર્મચારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસમાં જેની જેની સંડોવણી ખૂલશે તે તમામ સામે આકરાં પગલાં ભરાશે.

 

 

રેમડેસિવિરમાં અગાઉ વિવાદમાં આવેલી એમ.જે.સોલંકી કંપની વધુ એક વખત ચર્ચામાં
સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સથી કર્મચારીઓ સપ્લાય કરતી એમ.જે. સોલંકી કંપની વધુ એક વખત વિવાદમાં આવી છે. અગાઉ સિવિલ હોસ્પિટલમાંથી રેમડેસિવીર ઈન્જેકશનની ચોરી કરીને બારોબાર વેચી દેવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે એમ.જે. સોલંકી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીની ધરપકડ કરી હતી. જે તે વખતે આ પ્રકરણમાં સિવિલ હોસ્પિટલના સ્થાનિક માણસોની સંડોવણી અંગે પણ શંકા વ્યકત કરવામાં આવી હતી પરંતુ કોઈ મહત્વની માહિતી મળી ન હતી ત્યારે આ વખતે વધુ એક વખત એમ.જે. સોલંકી કંપની વિવાદમાં આવી છે ત્યારે આ પ્રકરણમાં કલેકટર દ્રારા એમ.જે. સોલંકી કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? તે અંગે ચર્ચા થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS