ખંભાળીયા: ભોગાત ગામેથી ગેરકાયદે માટી ખનન કરતા ત્રણ વાહનો ઝડપાયા
ત્રણ શખ્સોની અટકાયત કરતી કલ્યાણપુર પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખનીજચોરીની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચના અન્વયે કલ્યાણપુર પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ વેજાણંદભાઇ ગોજીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ભોગાત ગામના ધોરડી વાડી વિસ્તારમાં વોચ ગોઠવીને રેડ પાડી હતી.
તપાસ દરમિયાન ભોગાત ગામથી વિવેકાનંદ શાળાની પાછળ બનતા નવા પ્લોટીંગમાં કોઈપણ પ્રકારની રોયલ્ટી, પાસ પરમીટ કે કાયદેસરના આધાર વગર જેસીબી મશીન વડે બે ટ્રેક્ટરની ટ્રોલીમાં ગેરકાયદેસર રીતે માટી (મોરમ) ભરીને તેનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળેથી બિનઅધિકૃત રીતે ખનન કરી નીકળેલા વાહન ચાલકોને જેસીબી અને બે ટ્રેક્ટર-ટ્રોલી સહિતના વાહનો સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા. આ કામગીરીમાં જેસીબી (નંબર GJ-૦૩-HE-૦૪૩૬) ના ચાલક આરિફ ભીખુભાઇ મલેક, ટ્રેક્ટર (નંબર GJ-૦૮-J-૭૯૧૨) ના ચાલક પ્રદિપ કાનુભા વાઢેર તેમજ અન્ય એક ટ્રેક્ટર (નંબર GJ-૩૭-M-૮૪૪૭) ના ચાલક વિજયભાઇ વીરાભાઇ આંબલી (તમામ રહેવાસી ભોગાત ગામ, તા. કલ્યાણપુર) ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે તમામ વાહનો જપ્ત કરી પકડાયેલા ત્રણેય શખ્સો વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં કલ્યાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. હાથલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. આર. સવસેટા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગોજીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.