એક વાવાઝોડામાંથી નવરા નથી પડ્યા ત્યાં બીજાનો ઝળુંબતો ખતરો

  • May 19, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન પહોંચ્યું: બંગાળની ખાડીમાં તારીખ 23 આસપાસ સર્જાઙ્ગા લો પ્રેસર: નવા વાવાઝોડાનું નામ હશે ‘યાસ’અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ’તે વાવાઝોડાની અસર આજથી પૂરી થઈ છે. આ વાવાઝોડું આજે સવારે 05:00 વાગ્યાની સ્થિતિ મુજબ દક્ષિણ રાજસ્થાન માં પ્રવેશી ચૂક્યું છે. અતિ ભયાનક વાવાઝોડાની કેટેગરીમાં મુકાયેલા આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ’જાન’ને મોટું નુકસાન થયું નથી પરંતુ ’માલ’ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે આ નુકસાન કેટલું છે તેની હજી વિગતો બહાર આવે તે પહેલાં વધુ એક નવા વાવાઝોડાનો ખતરો ઉભો થયો હોવાનું હવામાન ખાતાના જાણકારો જણાવી રહ્યા છે.

 


ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમા વાવાઝોડા બાબતે મહત્વની જવાબદારી સંભાળતા સાધનો નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં આગામી તારીખ 23 આસપાસ નવું લો પ્રેસર સર્જાઇ રહ્યું છે.જો આ લો પ્રેસર વાવાઝોડામાં તબદિલ થશે તો તેનું નામ યાસ (વાય એ એ એસ) રહેશે.

 


બંગાળની ખાડીનું આ લો પ્રેસર સાયક્લોનિક સરક્યુલેશનમાં તબદિલ થયા બાદ વાવાઝોડું ઉદ્ભવશે કે નહીં, તેની દિશા, ગતી સહિતની બાબતો જાણવા મળી શકશે પરંતુ હાલ તુરત તારીખ 23 આસપાસ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાઇ રહ્યું છે તે નિશ્ચિત છે.

 


ભારતના હવામાન ખાતામાં ચક્રવાત વિભાગના પ્રભારી સુનીતા દેવીએ જણાવ્યું કે, આગામી અઠવાડિયે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. હવામાન વિભાગ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે લો પ્રેશર સિસ્ટમ તીવ્ર થવાના સંકેત પણ આપ્યા. દેવીએ કહ્યું કે, દરિયાની સપાટીનું તાપમાન એસએસટી બંગાળની ખાડી ઉપર 31 ડિગ્રી છે. આ સરેરાશથી લગભગ 1-2 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે. તમામ દરિયાઈ અને વાયુમંડળીય પરિસ્થિતિઓ વાવાઝોડાને અનુકૂળ છે.

 


હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ મોટાભાગે વાવાઝોડાઓ બંગાળની ખાડીમાં જ સર્જાતા હોય છે અરબી સમુદ્રમાં પ્રમાણમાં ઓછા વાવાઝોડા સર્જાતા હોય છે. આગામી તારીખ 31 ના રોજ કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે તેવી સત્તાવાર જાહેરાત ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે ગયા વર્ષની સરખામણીએ નૈઋત્યનું ચોમાસુ પાંચ દિવસ વહેલું છે પરંતુ જો તારીખ 23 ના રોજ બંગાળની ખાડીમાં સર્જાનારુ લો પ્રેસર સાયક્લોનિક સ્ટોર્મમાં તબદિલ થશે તો નૈઋત્યના ચોમાસાનો પહેલો રાઉન્ડ ધમાકેદાર બની રહેશે તારીખ 31 પહેલા આ વાવાઝોડાને કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ દેશના અનેક રાજ્યોમાં આવી પહોંચે તેવી પ્રબળ સંભાવના ઉભી થઈ છે.

 


શેરબજારના ઈન્ડેક્સની જેમ મહત્તમ તાપમાન ઊંધા માથે પટકાયુ: 18 ડિગ્રી જેટલો ઘટાડો
રાજ્યમાં સૌથી વધુ ગરમી દ્વારકામાં 32.9 અને સૌથી ઓછી રાજકોટમાં 24.5 ડિગ્રી
વાવાઝોડા અને વરસાદને કારણે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતવાસીઓને ઠંડા પવન અને વરસાદને કારણે તેમાં રાહત મળી હતી રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો તેમાં વાવાઝોડા અને વરસાદના વાતાવરણને કારણે 18 ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો અને ગરમીમાંથી સીધા જ લોકો ટાઢાબોળ પવનવાળા વાતાવરણમાં આવી ગયા હતા. રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 41.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો જે ગઈકાલે ઘટીને 24.5 ડીગ્રી થઇ જવા પામ્યો હતો સમગ્ર રાજ્યમાં રાજકોટ માં સૌથી ઓછું તાપમાન ગઈકાલે રહ્યું હતું દ્વારકામાં મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી નોંધાયું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS