'બજેટમાં કેટલીક સારી બાબતો છે, પરંતુ...', કોંગ્રેસ નેતા શશિ થરૂરે બજેટમાં ગણાવી ખામીઓ

  • February 02, 2023 12:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન તેમણે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. વિપક્ષના વરિષ્ઠ નેતાઓએ તેમના બજેટ ભાષણ પર તેમની પ્રતિક્રિયા આપી. કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે બજેટમાં કેટલીક સારી બાબતો હતી અને હું તેને સંપૂર્ણપણે નકારાત્મક બજેટ નહીં કહીશ.

બજેટ ભાષણ સમાપ્ત થયા બાદ સંસદમાંથી બહાર આવતા શશિ થરૂરે કહ્યું કે બજેટમાં કેટલીક સારી બાબતો છે, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક બજેટ નહીં કહીશ, પરંતુ તેના પર ઘણા પ્રશ્નો ઉભા થાય છે. શશિ થરૂરે કહ્યું કે બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નથી. મજૂરો માટે સરકાર શું કરવા જઈ રહી છે? બેરોજગારી, મોંઘવારી વિશે પણ વાત કરવામાં આવી નથી.

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે બજેટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે બજેટનો મોટો હિસ્સો રાષ્ટ્રપતિના સંબોધન અને આર્થિક સર્વેક્ષણના અહેવાલનું પુનરાવર્તન છે. પરંતુ કોઈપણ પ્રકારનો ટેક્સ કાપ આવકાર્ય છે, લોકોના હાથમાં પૈસા મુકવા એ અર્થતંત્રને વેગ આપવાનો ઘણો સારો રસ્તો છે.
​​​​​​​

બીજી તરફ સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આ સરકારનું ચૂંટણી બજેટ છે, આ બજેટમાં ખેડૂતો માટે કંઈ ખાસ નથી. ખેડૂતોના MSP વિશે વાત કરવામાં આવી નથી. રેલવેની સદંતર અવગણના કરવામાં આવી છે. અડધાથી વધુ વસ્તી ગામડાઓમાં રહે છે પરંતુ તેમના માટે કંઈ કરવામાં આવ્યું નથી. આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે.

આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે મેં નાણામંત્રીને ઘણી વખત કહ્યું છે કે જ્યારે પણ બજેટ બનાવવામાં આવે ત્યારે તેમણે કલમ 39 પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, આંખો બંધ કરીને બંધારણના વખાણ કરીને બજેટ તૈયાર કરવામાં આવશે તો કંઈ પ્રાપ્ત થશે નહીં. મનોજ ઝાએ આરોપ લગાવ્યો કે નાણાપ્રધાને રોજગાર માટે ગોળ ગોળ વાતો કરી. તેમણે કહ્યું કે આ બજેટ ખાસ લોકો દ્વારા ખાસ લોકો માટે તૈયાર કરવામાં આવેલું વિશેષ બજેટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application