દ્વારકાની દંડવત યાત્રાએ નીકળેલા વૃઘ્ધની ગાડીમાંથી રોકડની ચોરી
બેડ પાસે પાર્ક કરેલી ત્રણ પૈડાવાળી સાયકલની પાછળથી કોઇ ઉઠાંતરી કરી ગયું : અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરતા પોલીસની તપાસ
રાજસ્થાનથી દ્વારકા સુધી અનોખી દંડવત યાત્રા કરનાર વૃઘ્ધની બેડ પાટીયા પાસે પાર્ક કરેલી ત્રણ પૈડાવાળી સાયકલમાં રોકડ અને સામાન સહિતનો થેલો રાખ્યો હોય દરમ્યાનમાં કોઇ રોકડ રકમ ચોરી કરી ગયા છે. આ મામલો સામે આવતા અજાણ્યા શખ્સો વિરુઘ્ધ સિકકા પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.
રાજસ્થાનના બાલોતરા જીલ્લાના અસાડા ગામના વતની સકારામજી મંગનાજી ચૌહાણ (ઉ.વ.૭૬) નામના યાત્રી તેમની ૩ પૈડાવાળી સાયકલ ગત તા. ૨૬ના સવારના સુમારે જામનગર નજીક બેડ પાટીયા પાસે રામ મંદિરની બાજુમાં મઢુલી સામે પાર્ક કરી હતી.
તેમા એક થેલો રાખ્યો હતો જેમાં કપડા, સાલ, કાગળો અને પાછળ પતરાની પેટીમાંથી ભેટ-સોગાદમાં મળેલ વસ્તુઓ આશરે ૫૦ થી ૬૦ હજાર રોકડા કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરીને લઇ ગયાનું બહાર આવતા આ મામલે વૃઘ્ધ યાત્રી સકારામજી દ્વારા ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ૩ ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના આ બનાવથી લોકોમાં કચવાટની લાગણી જન્મી છે અને વૃઘ્ધ યાત્રીના સામાન તથા રોકડની ચોરી કરનાર સામે રોષની લાગણી જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે સકારામ બાપા ૩ પૈડાવાળી સાયકલ સાથે દ્વારકાની કઠીન કહી શકાય એવી દંડવત પ્રણામ કરતા કરતા યાત્રાએ નીકળ્યા છે તેઓ દરરોજનું આશરે ૫ કીમી જેટલુ અંતર કાપે છે પહેલા હાથથી સાયકલને આગળ ધકકો મારી પછી પાછળ જમીન પર સુઇ દંડવત પ્રણામ કરી અને તેઓ આ યાત્રા કરી રહયા છે.