જુઠની જીત ! રણજીત બિલ્ડકોનએ કેકેવી બ્રિજ ન સોંપ્યો

  • July 11, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટનું સંચાલન ખરેખર કોના હાથમાં છે ? કોણ નક્કી કરે છે ક્યારે શું થશે? સંકલનનો શૂન્યાવકાશ

ઇચ્છાધારી ઇજનેરો મ્યુનિ.કમિશનરને ઉલ્ટા ચશ્માં પહેરાવે છે!: મ્યુનિ.કમિશનર આનંદ પટેલને તા.૧૦મી જુલાઇએ કામ પૂર્ણ થઇ જશે તેવી આપેલી ખાતરી ખોટી: ખરેખર લેખિતમાં કોઈ ખાતરી અપાઇ જ નહીં હોવાનો ધડાકો: મેયર, સ્ટે.ચેરમેન, મ્યુનિ.કમિશનર, સિટી ઇજનેરે બ્રિજ લોકાર્પણની કરેલી જાહેરાત હળાહળ જુઠી




રાજકોટ શહેરનું સંચાલન ખરેખર કોના હાથમાં છે અને કોણ નક્કી કરે છે કે ક્યારે શું થશે તે કંઇ નક્કી જ ન હોય તેવી સ્થિતિ વચ્ચે શહેરમાં સંકલનનો શૂન્યવકાશ જોવા મળી રહ્યો છે. મોટી મોટી જાહેરાતો અને મોટી મોટી વાતો થાય છે પરંતુ તેની અમલવારી થતી જોવા મળતી નથી. શાસકોની સંગઠન પાંખ અને સત્તા પાંખ વચ્ચે પણ જાણે સંકલનનો શૂન્યવકાશ હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેનું નજરે દેખ્યું ઉદાહરણ છે કેકેવી મલ્ટી લેવલ ઓવરબ્રિજ.



કેકેવી બ્રિજ મામલે જુઠ પે જૂઠ અને તારીખ પે તારીખનો લાંબો સિલસિલો ચલાવ્યા બાદ કોન્ટ્રાકટર એજન્સી રણજીત બિલ્ડકોનએ આજની તારીખે મતલબ કે ૧૧-૭-૨૦૨૩ના રોજ પણ કેકેવી બ્રિજ મહાપાલિકાને સોંપ્યો નથી અને કામ હજુ પણ ચાલે છે. બીજી બાજુ મહાપાલિકાના ઇચ્છાધારી ઇજનેરો મ્યુનિ.કમિશનરને ઉલ્ટા ચશ્માં પહેરાવી રહ્યા છે ! મ્યુનિ.કમિશનર આનંદ પટેલને તા.૧૦મી જુલાઇએ કામ પૂર્ણ થઇ જશે તેવી આપેલી ખાતરી ખોટી પુરવાર થઇ છે એટલું જ નહીં અલબત્ત ખરેખર લેખિતમાં કોઈ ખાતરી અપાઇ જ નહીં હોવાનો નવો ધડાકો થયો છે. મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા, શાસક દંડક, બાંધકામ કમિટિ ચેરમેન, મ્યુનિ.કમિશનર અને સિટી ઇજનેરે બ્રિજ લોકાર્પણની કરેલી જાહેરાત હળાહળ જુઠી પુરવાર થઇ છે.



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાવડ રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે મુકેલવા માટે ત્યાં આગળ શહેરનો સૌપ્રથમ મલ્ટી લેવલ ઓવરબ્રિજ રૂ.૧૨૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે જેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી તારીખ ૧૦ જુલાઇ સુધીમાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા બ્રિજની મહાપાલિકા તંત્રને સોંપણી કરી આપશે તેવી લેખિતમાં ખાતરી આપવામાં આવી છે તેવું તા.૬ જુલાઈના રોજ મેયર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જે બાબત જુઠી સાબિત થઈ છે અને એજન્સીએ આજે ૧૧ જુલાઈએ પણ મહાપાલિકાને બ્રિજની સોંપણી કરી નથી તે હકકિત છે.



ન્યુ રાજકોટના ત્રણ લાખ વાહનચાલકો દરરોજ કેકેવી ચોકમાંથી પસાર થાય છે તેમની હાલાકીનો વિચાર કરીને પણ બ્રિજ વહેલામાં વહેલી તકે ખુલો મુકાય તે સમયની માંગ છે.



મિટિંગ પે મિટિંગ ! મ્યુનિ.કમિશનર આનંદ પટેલને રાજકોટમાં ૧૦૧ દિવસ પૂર્ણ થયા

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ગત તારીખ 5-4-2023ના રોજ રાજકોટના મ્યુનિ.કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો જેને આજે 101 દિવસ પૂર્ણ થયા છે પરંતુ ફક્ત મીટીંગ મીટીંગ ને મીટીંગ સિવાય કમિશનર બ્રાન્ચમાં બીજુ કંઈ જોવા મળતું નથી. દરમિયાન આજે સવારે પણ કેકેવી બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનરનો રૂબરૂ સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓ સૌ પ્રથમ આર આર એલ અને ત્યારબાદ સીટી ઇજનેર અને ડેપ્યુટી ઇજનેરની મીટીંગ માં વ્યસ્ત જોવા મળ્યા હતા.




પ્રોજેકટ હેડ સિટી ઇજનેર ગોહિલએ તા.૬ઠી જુલાઇએ ૧૦૦ ટકા પૂર્ણ થયાનું જાહેર કર્યું 'તુ

રાજકોટ મહાપાલિકાના સિટી ઇજનેર અને કેકેવી મલ્ટી લેવલ બ્રિજના પ્રોજેકટ હેડ કે.એસ.ગોહિલે નીચે મુજબની વિગતો પત્રકારો સમક્ષ જાહેર કરી હતી તેમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ હતો કે બ્રિજની ફિઝિકલ પ્રોગ્રેસ ૧૦૦ ટકા પૂર્ણ થઇ ગઇ છે અને તા.૧૦ જુલાઇએ પ્રોજેકટ પૂર્ણ થઈ જશે અને મહાપાલિકાને તેની સોંપણી કરાશે.

* પ્રોજેક્ટ કોસ્ટ : ૧૨૯.૫૩ કરોડ

*બજેટ હેડ : રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ બ્રિજ

* એજન્સીનુ નામ : રણજીત બિલ્ડકોન પ્રા.લી.

*ફીઝીકલ પ્રોગ્રેસ : ૧૦૦%

*અંદાજે પ્રોજેક્ટ પુર્ણ થવાની તારીખ : ૧૦/૦૭/૨૦૨૩

*બ્રિજની લંબાઈ ૧૧૫૨.૬૭ મીટર

*બ્રિજની પહોળાઇ ૧૫.૫૦ મીટર

*સેન્ટ્રલ સ્પાનની ઊંચાઈ ૧૫.૦૦ મીટર

*બ્રિજનો સ્લોપ : ૧:૩૦

*સ્ટાર્ટ પોઇન્ટ : પ્રિંસેસ સ્કુલ પાસે

*એન્ડ પોઇન્ટ : રા.મ.નપા. સ્વિમિંગ પુલ પાસે

* ફોર લેન સેકન્ડ લેવલ ફ્લાય ઓવરબ્રિજ

* બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા

* બ્રિજની બન્ને તરફ સર્વિસ રોડ તથા ફુટપાથ

* સેન્ટ્રલ સ્પાનમા ૪૫.૦૦ મીટરનો સ્ટિલ ગર્ડર

* સર્વિસ યુટીલીટી ડકટ

* વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ



મેયર વારંવાર ખોટું બોલ્યા: ક્યારેક કહે પીએમ અને ક્યારેક કહે સીએમ લોકાર્પણ કરશે...!!

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવએ કેકેવી બ્રિજ મામલે જાહેર કરેલી તારીખો લોકાર્પણનો સમયગાળો વારંવાર જૂઠ સાબિત થયો છે. મેયર ક્યારેક કહે છે વડાપ્રધાન લોકાર્પણ કરશે, ક્યારેક કહે છે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે પણ વાસ્તવિકતા એ છે કે હજુ બ્રિજનું કામ પૂર્ણ થયુ નથી અને ક્યારે લોકાર્પણ થશે તે નક્કી જ નથી.



ગોહિલ બોલીને ફરી ગયા: એજન્સીએ લેખિત આપ્યું જ નથી, મૌખિક વાત હતી

કેકેવી બ્રિજના પ્રોજેકટ હેડ કે.એસ.ગોહિલ બોલી ને ફરી ગયા છે અગાઉ તેમણે તેમજ મેયર એ બન્ને એ એમ કહ્યું હતું કે તા.૧૦મીએ બ્રિજ સોંપવા એજન્સીએ લેખિત આપ્યું છે પરંતુ આજે ગોહિલએ એમ કહ્યું હતું કે મૌખિક વાત મિટિંગ અંતર્ગત થઈ હતી, કંઈ લેખિત અપાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application