સરકારના ઉર્જા વિભાગના 2180 કર્મચારી કોરોનાથી સંક્રમિત, 15 દિવસમાં 71નાં મોત

  • April 27, 2021 09:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના નાગરિકોને વીજળીની સુવિધા આપતા વિભાગમાં વિક્રમી કોરોના સંક્રમણ, રાજ્ય એસટી નિગમમાં પણ કર્મચારીઓ ઝપટમાં આવ્યા છે

 ગુજરાત સરકારની વિવિધ કચેરીઓના કર્મચારીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે છેલ્લા 15 દિવસમાં એકલા ઉર્જા વિભાગના 2180 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે જે પૈકી 71 કર્મચારીઓના મોત થયાં છે.

 

 


ઉર્જા વિભાગની જેમ રાજ્ય એસટી નિગમમાં પણ ડ્રાઇવર અને કંડક્ટરો કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. આ નિગમના ઉચ્ચ અધિકારીઓને પણ યુનિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે એસટીના સ્ટાફના આરોગ્ય અંગે પગલાં લેવાય તે હિતાવહ છે. રાજ્યના નાગરિકો સાથે જેમનું ડિલીંગ છે તેવા વિભાગોમાં કોરોના કેસ વધી રહ્યાં છે. રાજ્યના જિલ્લા કલેક્ટરની કચેરી અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સંસ્થાઓમાં પણ કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે.

 

 


ગુજરાત સરકારે તેની તમામ કચેરીઓમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ કર્યો હોવા છતાં કર્મચારીઓ કોરોના સંક્રમણથી બચી શક્યા નથી. ઉર્જા વિભાગ એટલે કે વીજળી સપ્લાય સાથે સંકળાયેલા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યની ચાર વીજ વિતરણ કંપ્નીઓ પણ ઉર્જા વિભાગના તાબામાં આવે છે. આ કર્મચારીઓ દિન-રાત વીજળીની વ્યવસ્થામાં વ્યસ્ત હોય છે.

 


ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ ગુજરાત સરકારને રજૂઆત કરી છે કે છેલ્લા 15 દિવસમાં આ વિભાગના 2000થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે. આ વિભાગે 71 જેટલા કર્મચારીઓ ગુમાવી દીધા છે અને 270 કર્મચારીઓ હાલ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

 

 


આ સમિતિએ એવો આરોપ મૂક્યો છે કે રાજ્યના આરોગ્ય વિભાગની અસુવિધાના કારણે કર્મચારીઓ જીવ ગુમાવી રહ્યાં છે. વીજળી સાથે સંકળાયેલી બાબત હોવાથી આ કર્મચારીઓ ખડેપગે સુવિધા આપી રહ્યાં છે ત્યારે તેમના જીવ જોખમી બન્યાં છે. હોસ્પિટલમાં બેડની અછત છે. ઓક્સિજન કે ઇન્જેક્શન મળતાં નથી ત્યારે કર્મચારીઓને સમયસર સારવાર નહીં મળતાં તેઓ મોતને ભેટે છે. સરકારે આરોગ્યની સુવિધા વધારીને તેના કર્મચારીઓના જીવ બચાવવા જોઇએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS