સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી

  • May 16, 2021 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. 

 

 

મુખ્યમંત્રી એ રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. 

 

 

મુખ્યમંત્રી એ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. 

 

 

મુખ્યમંત્રી એ ‘ઝીરો’ કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે રાજ્યમાં સંભવિત વાવાઝોડાથી એકપણ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા જિલ્લા વહીવટીતંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં આ સંભવિત વાવાઝોડાની અસર થશે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સમગ્ર વહીવટીતંત્ર સાબદુ થઈ ગયુ છે અને તેમણે પોતે આ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરીને તેમના જિલ્લાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી છે. 

 

 

“કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરી છે” તેમ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. 

 

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ દર્દીઓ અને સંક્રમિતોને સારવાર મળી રહે તેમાં કોઇ રૂકાવટ ન થાય સાથોસાથ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિનો પણ આપણે મક્કમતાથી સામનો કરી શકીએ તેવું આયોજન આપણે કર્યું છે.  મુખ્યમંત્રી એ કહ્યું કે, રાજ્યની તમામ હોસ્પિટલોમાં ડી.જી. સેટ તૈયાર રાખવાની સૂચનાઓ આપી છે જેથી વીજપુરવઠો ખોરવાય તો પણ કોવિડ-૧૯ના દર્દીઓને સારવારમાં કોઇ તકલીફ પડે નહી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ ઉમેર્યું કે, ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ સુરક્ષીત રહે અને જરૂરી જણાય તો તેમને નજીકના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે તેવું નક્કી કર્યું છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS