ઘોઘારોડ પર ફ્લેટના દાદરા તૂટી પડ્યા, યુવા અગ્રણીનો થયો ચમત્કારિક બચાવ

  • May 05, 2021 12:02 AM 

શુભ સંકેત ફ્લેટના જર્જરિત દાદરા તૂટી પડતા 7 પરિવારો મુશ્કેલીમાં મુકાયા, રહીશોને બહાર કાઢવા ફાયર બ્રિગેડ મદદે દોડ્યું

 



શહેરના ઘોઘારોડ પર નૂતન ભારતી સોસાયટીમાં આવેલ એક ફ્લેટના બે દાદરા ગત રાત્રે આકસ્મિક રીતે તૂટી પડ્યા હતા. ઘટના સમયે રાજકીય યુવા અગ્રણી દાદરા ચડીને ઘરે જઈ રહ્યા હતા. આથી તેઓ પણ કાટમાળ સાથે ફસડાયા હતા. સદનસીબે તેઓને કોઈ ગંભીર ઇજાઓ નથી થઈ અને ચમત્કારિક બચાવ થયો છે. જ્યારે ફ્લેટમાં રહેતા 7 પરિવારના સભ્યોને બહાર કાઢવા સવારે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.

 


 ઘોઘારોડ પર ફાતિમા કોન્વેન્ટ સ્કૂલની સામેની બાજુ નુતન ભારતી સોસાયટીમાં શુભ સંકેત ફ્લેટ આવેલો છે જેમાં 14 પૈકી 7 બ્લોકમાં હાલ રહેણાંક છે. અન્ય બ્લોક બંધ છે. ગત રાત્રીના લગભગ 9.30 વાગ્યાના સુમારે ફ્લેટનો બીજા અને ત્રીજા માળનો દાદરો એકાએક તૂટી પડ્યો હતો. આ સમયે મંત્રી વિભાવરીબેન દવેના વિશ્વાસુ અને નજીકના ટેકેદાર યોગેશ ડોડીયા દાદરો ચડી રહ્યા હતા ત્યારે જ આ બનાવ બનતા તેઓ કાટમાળ સાથે નીચે ફસડાયા હતા. જોકે, સદનસીબે યોગેશભાઈને કોઈ ગંભીર પ્રકારની ઇજાઓ થઈ નથી. તેમણે તુરંત સ્વસ્થ થઈ રાહત કાર્ય હાથ ધરી દીધું હતું.

 


આ ફ્લેટમાં યોગેશ ડોડીયા સહિત 7 પરિવારો રહે છે. રાત્રે ઘટના બાદ સૌએ ફ્લેટમાં જ સુઈ રહેવાનું નક્કી કર્યું હતું. જ્યારે આજે સવારે આયોજન પૂર્વક વ્યવસ્થિત રીતે રહીશોને ફ્લેટમાંથી બહાર લઈ આવવા કાર્ય હાથ ધરાયુ હતું અને ફાયર બ્રિગેડને જાણ કરાતા મદદે દોડી ગયું હતું.

 


‘આજકાલ’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં યોગેશ ડોડીયાએ  જણાવ્યું હતું કે, ફ્લેટના દાદરનો એક પોપડો ઘટના બન્યાની કલાકો પહેલા પડ્યો હતો. પોતે અજાણ હતા અને રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે દાદરા તૂટી પડ્યા હતા પરંતુ ઈશ્વર કૃપાથી પોતે બચી ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ફ્લેટનું રીનોવેશન વિચારાધીન છે ત્યાં જ ગતરાત્રે અચાનક આ ઘટના બની છે.

 

 

મંત્રી વિભાવરીબેન ઘટના સ્થળએે પહોંચ્યા

ઘોઘા રોડ પર શુભસંકેત ફલેટના બે માળના ચાર દાદરા તૂટી પડવાની ઘટનાના પગલે મંત્રી વિભાવરીબેન દવે આજે સવારે સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા રેસક્યુ કામગીરી હાથ ધરાઈ ત્યારે વિભાવરીબેન દવેએ પણ સ્થળ પર પહોંચી પોતે અસરગ્રસ્ત રહિશોની સાથે હોવાનો દિલાસો આપ્યો હતો. જો કે આ સમયે મંત્રીજીનું ફોટો સેશન ચચર્સ્પિદ બન્યુ હતું!!

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS