દાણાપીઠમાં રિટેલ વેપાર સંપૂર્ણ બંધ: શહેરીજનોને ધક્કો નહીં ખાવા અપીલ

  • April 07, 2020 03:55 PM 325 views

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૩માં આવેલી શહેરની અનાજ-કરીયાણાની સૌથી મોટી અને ૭૦ જૂની દાણાપીઠ બજારની તમામ ૨૦૦થી વધુ દુકાનોમાં રિટેલ વેપાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આથી શહેરીજનોને અનાજ કરિયાણું ખરીદવા માટે દાણાપીઠ સુધી ધક્કો નહીં ખાવા ધી દાણાપીઠ વેપારી એસોસિયેશન-રાજકોટ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના ફરમાનને અનુલક્ષીને આ કાર્યવાહી કરવામાં આવી હોય દાણાપીઠના વેપારીઓને પણ રિટેલ વેપાર નહીં કરવા કડક તાકીદ કરી દેવાઇ છે.વધુમાં આ અંગે મહાપાલિકા અને દાણાપીઠ બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષો જૂની દાણાપીઠ બજાર ખુબ જ ગીચ હોવાના કારણે સામાન્ય દિવસોમાં પણ ત્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેતી હોય છે.


જ્યારે હાલમાં કોરોના લોકડાઉનની સ્થિતિ વચ્ચે ત્યાં આગળ ગ્રાહકો અનાજ કરિયાણું ખરીદવા માટે આવે તેવા સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે જેના અનુસંધાને દાણાપીઠમાં રિટેલ વેપાર બંધ કરાવવામાં આવ્યો છે પરંતુ તમામ હોલસેલર્સની દુકાનો ખુલી છે અને ત્યાંથી ફક્ત શહેરના અનાજ કરિયાણાના રિટેલ દુકાનદારોને જ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.દાણાપીઠના વેપારી એસોસિએશનના વર્તુળોએ જણાવ્યું હતું કે શહેરના તમામ વિસ્તારોમાં કોરોના લોકડાઉન વચ્ચે અનાજ કરીયાણાની દુકાનો ખુલ્લી છે આથી શહેરીજનો તેમના વિસ્તારમાં આવેલી દુકાનેથી ખરીદી કરે અને દાણાપીઠ સુધી ધક્કો ન ખાય તે જ હિતાવહ રહેશે તેમ છતાં જો કોઈ દાણાપીઠ સુધી આવશે તો રિટેલ વેચાણ બંધ હોય તેમને ચીજ વસ્તુઓ આપવામાં આવશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application