શિયાળાની રેકોર્ડ બ્રેક લાંબી સીઝન હવે પૂરી થવાના આરે: ગરમીમાં ક્રમશ: વધારો થશે

  • February 14, 2020 05:08 PM 9 views

મકરસંક્રાંતિથી પવનની દિશા બદલાતાં ઠંડીનું જોર ધીમે ધીમે ઘટતું જાય છે અને ગરમીનો દોર શરૂ થતો હોય છે. પરંતુ આ વખતે ચોમાસાની માફક શિયાળાની સીઝન પણ રેકોર્ડ બ્રેક લાંબી ચાલી છે. જોકે હવે તે અંતિમ તબક્કામાં હોવાનું અને આગામી સપ્તાહથી ગરમીની માત્રામાં ક્રમશ: વધારો થવાની સંભાવના હવામાન ખાતાના જાણકારો નિહાળી રહ્યા છે.હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી તારીખ ૨૧ આસપાસ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં થોડો વરસાદ થવાની શક્યતા છે અને ત્યારે લઘુતમ તથા મહત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઉતરશે અને ગરમીમાં થોડી રાહત મળશે. પરંતુ તે સિવાયના સમયગાળામાં હવે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતો જશે અને ઉનાળો વિધિવત રીતે એન્ટ્રી કરશે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ મોસમમાં પરિવર્તન આવી રહ્યું છે. નવેમ્બર માસથી સમગ્ર દેશમાં ઠંડીનો પ્રારંભ થયો હતો.હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેબ્રુઆરી માસમાં પ્રથમ વખત તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. ગુજરાતમાં ભુજ , દીવ સહિતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન અત્યારથી જ ૩૫ ડિગ્રીને સ્પર્શ કરી ગયું છે.ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં લઘુત્તમ તાપમાન નોર્મલથી પણ નીચું રહ્યું છે.પરંતુ હવે તેમાં આગામી બે સપ્તાહ વધારો થશે.