રેકડી-કેબીન નડે છે...ગેરકાયદેસર થયેલા બાંધકામ કેમ નથી દેખાતા?!

  • October 28, 2020 02:04 AM 381 views

પોરબંદરની ચોપાટી નજીક ચાઈનીઝ-નોનવેજ રેકડી-કેબીનના ધંધાર્થીઓના દબાણ તંત્રએ દૂર કરતા આજે નગરપાલિકા કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં એવી રજુઆત કરતા હતા કે તંત્રને રેકડી કેબીન નડે છે પણ શહેરમાં અનેક ગેરકાયદેસર થયેલા બાંધકામો કેમ દેખાતા નથી ? અને જો તેઓની માંગણી મુજબ સહમત નહીં થાય તો હાઈકોર્ટમાં લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

 

પોરબંદરની ચોપાટી પર ચાઇનીઝ ખાણીપીણીની રેકડી દ્વારા વર્ષોથી પેટીયું રળતા નાના ધંધાર્થીઓનું પાલિકાના તંત્રએ દબાણ દૂર કરી દેતા અસંખ્ય પરિવારો બેરોજગાર બની ગયા હોવાનું જણાવ્યું હતું અને ત્યારે કેટલાક રેકડી-કેબીન ધારકો અને આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે દોડી જઈને પાલિકાના ચીફ ઓફિસર પટેલને લેખિત ઉગ્ર રજુઆત કરતા એવું જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં જે ગેરકાયદેસર બાંધકામો થયા છે તે કેમ દૂર કરવા માટે પાલિકા કાર્યવાહી કરતી નથી અને આવા પ્રકારના બાંધકામો માટે મંજુરી શા માટે આપવામાં આવી હતી ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.
એટલું જ નહીં, પરંતુ નગરપાલિકાએ વૈકલ્પિક જગ્યા ફાળવી છે ત્યાં સીમેન્ટ બ્લોક અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ નથી. તેથી તે અંગે પણ યોગ્ય કરવા માંગ થઈ હતી. પાલિકાના અધિકારીએ ટીમને મોકલીને ખાતરી આપી હતી.

 

  • વહીવટદારની સૂચનાથી અનેક બિલ્ડરોને પાઠવાશે નોટીસ

પોરબંદરમાં રેકડી-કેબીન ધારકો વતી ઉગ્ર રજુઆતો ચીફ ઓફિસરને થઈ ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે વહીવટદાર બાટીની સૂચનાથી અનેક બિલ્ડરોને નોટીસ પાઠવવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
પાલિકા કચેરીના દરવાજે પોલીસ સાથે શાબ્દીક ટપાટપી
પોરબંદર નગરપાલિકાની કચેરીએ રેકડી કેબીન ધારકો વતી રજુઆત કરવા આવેલા યુવાન દિલીપ મોઢવાડીયા સહિત આગેવાનોની પોલીસ સાથે પણ શાબ્દીક ટપાટપી થઈ હતી. એક તબક્કે તો તમામ ધંધાર્થીઓએ પાલિકાના દરવાજા ઉપર બેસીને રામધૂનની રમઝટ બોલાવી હતી અને ત્યારબાદ ત્રણ વ્યક્તિઓને જ ચીફ ઓફિસરને મળવાની પરમીશન અપાતા રેકડી કેબીન ધારકો વતી ત્રણ આગેવાનો રજુઆત કરવા ગયા હતા.

  • નેતાઓ અને પોલીસને માસ્ક બાંધવામાંથી મુક્તિ કોણે આપી ?

પોરબંદરમાં રેકડી કેબીન ધારકો રજુઆત કરવા ગયા ત્યારે માસ્કના કાયદાનો દંડો ઉગામીને પોલીસે આગેવાનોને માસ્ક પહેરવા માટે જણાવ્યું ત્યારે ઉગ્ર બનેલા કેબીનધારકોએ જણાવ્યું હતું કે ગઈકાલે દબાણ દુર કરવા આવેલા અધિકારીઓ અને કેટલાક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ મોઢા ઉપર માસ્ક બાંધ્યા ન હતા તેથી પોલીસને કે નેતાઓને માસ્કનો કાયદો લાગુ નથી પડતો ?


અમે નવરા થઈ ગયા...રોજ રજુઆત કરશું
ચોપાટી પર રેકડી-કેબીનો દૂર કરી દેવાતા નવરા થઈ ગયેલા ધંધાર્થીઓએ પાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું કે અમારા રોટલા પાલિકાએ બંધ કરાવ્યા છે. હવે અમે પાલિકાને દરરોજ ગેરકાયદેસર બાંધકામો, સાફસફાઈ, દબાણ વગેરે અંગે ઘ્યાન દોરીને દરરોજ રજુઆત કરશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application