અંજાર પાસેની સનસની ખેજ લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો

  • September 16, 2020 09:58 AM 622 views

અંજારના મેઘપર બોરીચી પાસે તા.9/9 ના રાત્રે સફેદ કારમાં આવેલા ઇસમોએ ટ્રક ચાલકને બંદૂકની ધાક બતાવી, તેને બંધક બનાવી મુન્દ્રા પોર્ટથી મુંબઇ જઇ રહેલા 1.44 કરોડના પિસ્તાની થયેલી સનસનીખેજ લૂંટના બનાવમાં ઘરના જ ઘાતકી નિકળ્યા હોવાનું બહાર આવ્યું છે, જેમાં આ લૂંટનો પ્લાન બનાવી સાગરિતો સાથે અંજામ આપનાર અદાણી પોર્ટમાં એચઆર વિભાગમાં કામ કરતા માસ્ટર માઇન્ડને પોલીસે દબોચી લઇ રૂ.1.33 કરોડનો પિસ્તાનો જથ્થો રિકવર કરી ભેદ ઉકેલી લીધો છે. 

આ બાબતે અંજાર વિભાગના ડીવાયએસપી ડી.એસ.વાઘેલાએ આજે પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ લૂંટનો માસ્ટર માઇન્ડ મુન્દ્રાના ગુંદાલા રોડ પર શિવ ટાઉનશીપમાં રહેતો રિકીરાજસિંહ લગધીરસિંહ સિંધલ (સોઢા) અદાણી પોર્ટમાં એચઆર વીભાગમાં કામ કરે છે અને પોર્ટ ઉપર આવેલા માલમાંથી રિજજેક્ટ થયેલો માલ ટ્રક મારફત જે તે જગ્યાએ મોકલવાની કામગીરી પણ સંભાળતો હતો. તા.9/9 ના મુન્દ્રા પોર્ટથી ટ્રકમાં રૂ. 1.44,37,336 ની કિંમતનો પિસ્તાનો જથ્થો મુંબઇ જઇ રહ્યો હોવાની વાત તે જાણતો હતો અને તેણે અંજારના ખેડોઇ રહેતા હરદિપસિંહ શક્તિસિંહ જાડેજા સાથે આ લૂંટનો પ્લાન બનાવી મેઘપર બોરીચી પાસે ટ્રક ચાલકને ઉતારી ટ્રક ખેડોઇના ચાંપલ માતાજીના મંદિર પાસે લઇ ગયા હતા અને ત્યાં રીકીરાજસિંહે અન્ય ટ્રકની વ્યવસ્થા કરી હતી તે ટ્રકમાં પિસ્તાનો જથ્થો ટ્રાન્સફર કરાયો હતો પણ બધો જથ્થો એક જ ટ્રકમાં ન આવતાં બાકીનો જથ્થો જમીન પર ઉતારી લઇ લૂંટ કરેલી ટ્રક હરદિપસિંહ મીઠીરોહર પાસે રેઢી મુકી રીકીરાજસિંહે વધુ એક ટ્રકની વ્યવસ્થા કરી બે ટ્રકો અમદાવાદ અને કડી ખાતે મોકલાવી કોલ્ડ સ્ટોરેજમાં જથ્થો મુકાવ્યો હતો. આ બનાવમાં એસપી મયુર પાટીલની સૂચનાઓ મુજબ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે ખેડોઇના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પકડી પુછપરછ કરતાં બધો ભેદ ખુલ્લી ગયો હતો અને પોલીસે માસ્ટર માઇન્ડ રીકીરાજસીંહ સિંધલને પકડી લઇ રૂ.1,33,57,550 ની કિંમતના પિસ્તાની 463 બોરી રિકવર કરી લીધી હતી. જો કે આ લૂંટને અંજામ આપનાર હરદિપસિંહ જાડેજા સહીત 7 અન્ય આરોપીઓને પકડવાના બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસે લૂંટમાં વપરાયેલી જીજે-12-ડીએસ-2150 નંબરની સિયાઝ કાર પણ કબજે કરી છે.આ કામગીરીમાં અંજાર પોલીસ મથકના પીએસઆઇ જી.કે.વહુનિયા, એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.એસ.રાણા, એલસીબી અને એસઓજીનો સ્ટાફ જોડાયો હતો. 

રીકીરાજસીંહ લગધીરસિંહ સિંધલ (સોઢા)ને પકડી લઇ 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યો હતો જેમાં કોર્ટે 7 દિવસની રિમાન્ડ મંજુર કરી હોવાનું ડીવાયએસપી વાઘેલાએ જણાવ્યું હતું.

અંજારની દિલધડક લૂંટના બનાવમાં લૂંટ કરાયેલી ટ્રકમાંથી ખેડોઇના ચાંપલ માતાજીના મંદીર પાસે જથ્થો સગેવગે કરાઇ રહ્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ મથકના પાંચ કર્મીએ આ લૂંટને અંજામ આપનાર આરોપીઓ સાથે વાટાઘાજ્ટ કરી હોવાનું ડીવાયએસપી વાઘેલાએ જણાવી આ બેદરકારી દાખવનાર વિશ્વજિતસિંહ જાડેજા, અનિલ ચૌધરી, દિલીપ ચૌધરી, જયુભા જાડેજા  અને વનરાજસિંહ દેવલ નામના કર્મીઓની પણ કાયદેસર તપાસ કરી પગલાં લેવાશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application