બોગસ ટોકન બનાવી વેકિસન લેવાનું કારસ્તાન

  • May 12, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં અપાતા ટોકન જેવા જ ડુપ્લીકેટ ટોકન બની ગયા! તપાસનો આદેશ: આરોગ્ય કેન્દ્રોમાં અપાતા ટોકન જેવા ડુપ્લીકેટ ટોકન બનાવવા તદન આસાન હોય હવે મહાપાલિકાના લોગો સાથેના અને અધિકારીની સહી સાથેના ટોકન આપવા વિચારણા: વેકિસનેશનમાં વહેલો વારો લેવા ટોકન સીસ્ટમમાં ગોલમાલ

 

 


રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોના સામેની વેકિસન આપવામાં આવી રહી છે. વેકિસનેશન મહાઅભિયાન અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા જળવાય રહે તે માટે ટોકન સીસ્ટમ અમલી કરવામાં આવી છે. દરમિયાન તાજેતરમાં મહાપાલિકાના ટોકન જેવા જ બોગસ ટોકન બનાવીને વેકિસનેશનમાં વહેલો વારો લેવાનું કારસ્તાન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ અંગેની ફરિયાદો આજે મહાપાલિકાના શાસકો સુધી પહોંચતા તપાસનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

 


બોગસ ટોકનની ફરિયાદો મળ્યા બાદ આ અંગે મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક નેતા વિનુભાઈ ધવા અને શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, ટોકન અંગેની ફરિયાદો વિવિધ વોર્ડમાંથી મળી રહી છે અને આ ફરિયાદને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ નવા પ્રકારના ટોકન તૈયાર કરાશે જેમાં મહાપાલિકાનો લોગો મુકાશે અને અધિકારીની સહી તેમજ ક્રમાંક નંબર લખેલો હોય તેવી વ્યવસ્થા કરાશે તેથી કોઈ ડુપ્લીકેટ કે બોગસ ટોકન બનાવી વેકિસનેશનમાં વહેલો વારો ન લઈ લે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે.

 


હાલમાં મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જે ટોકન અપાય છે તે સાદા પૂઠામાંથી બનાવેલા ટોકન હોય છે અને તેના પર બોલપેનથી નંબર લખેલા હોય છે. દરેક આરોગ્ય કેન્દ્રમાં ૧૫૦થી ૨૦૦  ટોકન અપાય છે. આ પ્રકારના બોગસ ટોકન બનાવવા તદ્દન સરળ હોય આસાનીથી નાગરિકો બોગસ ટોકન બનાવી શકે છે ! ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ સુધી પણ બોગસ ટોકનની ફરિયાદો પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું. અમુક આરોગ્ય કેન્દ્રોમાં ટોકન લઈને વેઈટિંગમાં ઉભેલા નાગરિકોને જે નંબર અપાયો હોય તે જ નંબરનું ટોકન અન્ય પાસે પણ હોય આ પ્રકરણ બહાર આવ્યું હતું.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, વેકિસનેશન સીસ્ટમમાં રહેલા ફોલ્ટના કારણે તેમજ કલાકો સુધી વારો આવતો ન હોય આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. જો મહાપાલિકા તત્રં પોતાના આરોગ્ય કેન્દ્રો પર વેકિસન લેવા આવતા નાગરિકોને વિના વિલંબે અને સમયસર વેકિસન આપે તો આ પ્રકારની ઘટનાઓ બને જ નહીં.

 

 


આરોગ્ય શાખાના અધિકારીઓ અજાણ! મ્યુનિ.પદાધિકારીઓને 'ઈનપૂટ' મળ્યું
વેકિસનેશનમાં વહેલો વારો લેવા માટે બોગસ ટોકન બની રહ્યા હોવાના મામલાથી હજુ સુધી મહાપાલિકાની આરોગ્ય શાખાના અધિકારીઓ તદ્દન અજાણ છે. દરમિયાન મ્યુનિ.પદાધિકારીઓને ઈનપૂટ મળતા તેમણે તપાસનો આદેશ કર્યેા હતો. દરરોજ આરોગ્ય કેન્દ્રોની વિઝિટ કરતા હોવાનો દાવો કરતાં આરોગ્ય શાખાના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા હતા અને પદાધિકારીઓએ તપાસનો આદેશ કરતાં દોડધામ મચી ગઈ હોવાનું જાણવા મળે છે.

 

 

મેયર સહિતના પદાધિકારીઓ આરોગ્ય કેન્દ્રની વિઝિટ કરશે
વેકિસનેશનમાં ભારે ધાંધિયા ચાલી રહ્યા હોય અને લોકોએ કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડતું હોય તેવી ફરિયાદો વ્યાપક બનતા આજે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, તેઓ તેમજ અન્ય તમામ પદાધિકારીઓ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે અને લોકોને પડતી મુશ્કેલીઓ જાણી તેનો નિકાલ કરશે તદ ઉપરાંત તમામ નગરસેવકોને પણ સૂચના અપાઈ છે. જે તે વોર્ડના નગરસેવક તેમના વોર્ડના આરોગ્ય કેન્દ્રમાં સતત સંપર્કમાં રહેશે.

 

 

પછાત વિસ્તારોમાં વહેલો વારો આવે તે માટે ટોકનના પૈસા પડાવાતા હોવાની ફરિયાદો
મહાપાલિકાના વિવિધ વોર્ડમાં પછાત વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં વેકિસનેશનમાં વહેલો વારો આવી જાય તે માટે વહેલું ટોકન આપવાના પૈસા પડાવાતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જો કે આ અંગે તંત્રવાહકોએ હજુ સુધી કોઈ તપાસ હાથ ધરી નથી પરંતુ નાગરિકોમાંથી આવી ફરિયાદો પદાધિકારીઓ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે.

 

 

ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેના સ્લોટ હવે અધિકારીની હાજરીમાં જ ખોલવા સૂચના
૧૮થી ૪૪ વર્ષની વયના યુવાનોને વેકિસન આપવાનું શરૂ કરાયું તે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે પરંતુ યારે પણ રજિસ્ટ્રેશન માટે યુવાનો એપ્લાય થાય ત્યારે તમામ સ્લોટ ફલ બતાવતા હોય ત્રણ કે ચાર દિવસ સુધી લગાતાર પ્રયત્નો કર્યા બાદ રજિસ્ટ્રેશન થઈ શકે છે આથી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેના સ્લોટ ખોલવાની કામગીરી હવે સ્ટાફે પોતાની રીતે નહીં પરંતુ આરોગ્ય કેન્દ્રના મુખ્ય જવાબદાર અધિકારી અથવા જે તે વોર્ડના કોવિડ પ્રભારીની હાજરીમાં જ ખોલવાના રહેશે તેવો આદેશ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્રારા કરવામાં આવ્યો છે.

 

 


આરોગ્ય કેન્દ્રો પર રાઉન્ડ લેવા વિજિલન્સ પોલીસને સૂચના અપાશે
મહાપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર વેકિસનેશન માટે લાઈનો લાગતી હોય તેમજ અમુક વિસ્તારોમાં બોગસ ટોકનની ફરિયાદો ઉઠી હોય તો અમુક પછાત વિસ્તારોમાં વહેલો વારો અપાવી દેવાની ખાતરીઓ આપીને ટોકનના પૈસા પડાવવાનું શરૂ થયું હોય હવે આરોગ્ય કેન્દ્રો પર રાઉન્ડ લેવા વિજિલન્સ પોલીસને પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. મેયર ડો.પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, દરેકને સરળતાથી, સલામતીપૂર્વક અને વિના વિલંબે વેકિસન મળી રહે તે જ અમારો ધ્યેય છે. આથી આરોગ્ય કેન્દ્રો પર કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે અનિયમિતતા ન થાય તે માટે વિજિલન્સ પોલીસને પણ ચેકિંગ કરવા આદેશ કર્યેા છે અને જરૂર પડયે આરોગ્ય કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત પણ મુકાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS