બેડી વિસ્તારમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકને ૪૦ લાખનું બિલ ફટકારાયું

  • April 15, 2023 11:58 AM 

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં લંગરીયું વિજ જોડાણ મેળવીને નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી હતી, જે માહિતીના આધારે વિજ તંત્ર ની જુદી જુદી ચાર ચેકિંગ ટુકડીઓ દ્વારા વીજ પોલિસ અને એસઆરપીના જવાનોને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું અને આખરે પુરવણી બીલ સાથે પીજીવીસીએલ દ્વારા રૂ.૪૦ લાખનું બીલ ફટકારવામાં આવ્યું હતું અને ૪૦૦ મીટરથી વધુ લાંબા હેવી વિજ વાયરો અને અન્ય વિજ ઉપકરણો કબ્જે કરવામાં આવ્યા હતાં. 


જેમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી સીધું વિજ જોડાણ મેળવી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના અનુસંધાને વિજ તંત્ર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સુલેમાનભાઈ ઉંમરભાઈ દલને જુદી જુદી હેલોજન લાઇટના વિજ વપરાશ વગેરે ની ગણતરી મુજબ ૩૮,૭૨,૨૫૨ રૂપિયા ની વિજ ચોરીનું બિલ તેમજ ૨,૧૫,૦૦૦ કમ્પાઉન્ડ ચાર્જના મળી કુલ ૪૦,૧૭,૨૫૨ રૂપિયા નું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકાવવામાં આવ્યું છે. આટલી મોટી વીજ ચોરીના બિલ ને જોઈને ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજકોની આંખો પહોળી થઈ ગઈ છે.


બેડી વિસ્તારમાં મીલની સામે તા.૨૫ માર્ચથી આ ટુર્નામેન્ટ રમાડવાનું શરૂ કરાયું હતું અને આખા મેદાનમાં ૪૦થી વધુ હેલોજન લાઇટના ટાવરો નાખીને મેદાનને ઝળહળતું કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ અંગે વડોદરાની વિજ કચેરીને કોઇકે માહિતી આપતા ત્યાંથી સુચના અપાયા બાદ જામનગરની પીજીવીસીએલની ટીમે એસઆરપી અને પોલીસને સાથે રાખીને ચેકીંગ કરતા આયોજક સુલેમાનભાઇ દલ દ્વારા કોઇપણ પ્રકારનું વિજ જોડાણ મેળવ્યા વિના ગેરકાયદેસર પાવર ચોરી કરીને આ ટુર્નામેન્ટ રમાડાતી હોવાનું બહાર આવ્યું હતું.


લગભગ ૧૮ થી ૧૯ દિવસથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી છતાં પણ પીજીવીસીએલના ઘ્યાનમાં આ ટુર્નામેન્ટ ન આવી અને આખરે કોઇએ વડોદરા ખાતેની મુખ્ય કચેરીમાં આ ટુર્નામેન્ટ રમાય છે અને કોઇ વિજ કનેકશન મેળવાયું નથી તે અંગે જાણ કરાતા ત્યાંથી આદેશ આવ્યા બાદ આ વિજ ચોરી પકડવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application