આજનું યુવાધન FOMO ગ્રસ્ત : દુનિયાથી પાછળ રહી જવાની બીકે લોકોમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું વળગણ વધ્યું...વધુ લાઇક્સ ન મળે તો સતાવે છે ચિંતા

  • May 31, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે જેના દ્વારા દુનિયા આખીના લોકો એકબીજાથી ઘણા નજીક આવ્યા છે, ઘરે રહી ને પણ દેશ દુનિયામાં મિત્રો, પરિવારના સભ્યો, સ્નેહીજનો શું કરે છે તે જાણી શકીએ છીએ. વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ્યારે આપણે ખોલીએ છીએ તો તેમાં આપણે સૌથી વધારે આપણા મિત્રો શું કરી રહ્યા છે, કોણ કઈ જગ્યા પર ફરવા ગયું છે, તે જીવન ને કેટલુ માણી રહ્યા છે વગેરે બાબતો સ્ટોરી અથવા પોસ્ટ દ્વારા જોઈએ છીએ અને એક દૃષ્ટિકોણ મુજબ તેના પર પ્રતિક્રિયા આપીએ છીએ અથવા વિચારીએ છીએ. સોશિયલ મીડિયા થી જેમ આપણે લોકો થી નજીક આવ્યા છીએ પરંતુ પોતાની જાત થી દૂર જતા રહ્યા છીએ. 

 

 મનોવિજ્ઞાન ભવનમાં વિવિધ ફોન અને નિરીક્ષણ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું યુવા પેઢી ખાસ કરીને 18 થી 25 વર્ષના લોકોમાં સમાજમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું વળગણ વધુ જોવા મળ્યું અને તેમની કોઈ બાબતને જો લાઇક્સ નહિ મળે તો પોતે ક્યાંક ખોવાઈ જશે એવો ભય વધુ જોવા મળ્યો. 

 

ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર.દોશીના મતે ઘણા લોકો વારંવાર દૈનિક જીવનમાં અન્ય લોકો સાથે પોતાની  તુલના કરે છે અને તે તુલનાઓ પર સખત ધ્યાન પણ આપે છે, આવું કરવાથી સોશિયલ મીડિયા નો ઉપયોગ કર્યા બાદ વ્યક્તિ ઉગ્ર અથવા સંવેદનશીલ બને છે, સ્વભાવ ચીડિયો બને છે.

 

એક રીતે જોઈએ તો FOMO એ ચિંતા સાથે સબંધ ધરાવે છે. આ ચિંતા ની શરૂઆત અન્ય લોકો શું કરે છે તે વિષે જાણ્યા બાદ શરૂ થાય છે. ત્યારબાદ હવે પોતાના જીવન નું શું? મારી સાથે સારી બાબતો ક્યારે થશે? હું ક્યારે ખુશ રહી શકીશ? મારું અસ્તિત્વ ખોવાય તો નહીં જાય ને? હું બધાથી પાછળ તો નહિ રહી જાવ ને! વગેરે બાબતો ને લઈ ને વ્યક્તિ હતાશા નો ભોગ બને છે.

 

FOMO નો શિકાર બનેલા વ્યક્તિ ને હંમેશા પાછળ રહી જવાનો ડર લાગે છે. તેઓ સતત ફોન અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહેશે. અન્ય લોકો શું પોસ્ટ કરી રહ્યા છે, તેમની પોસ્ટ ને કેટલી લાઈક મળે છે, એમની પોસ્ટ પર લોકો શું પ્રતિભાવ આપે છે વગેરે બાબતો જાણવાનો સતત પ્રયત્ન કરે છે અને બાદમાં પોતાના જીવન સાથે તેની તુલના કરે છે. ક્યારેક કશું જાણવા ન મળે તો નિરાશ પણ થઈ જાય છે.

 

મનોવિજ્ઞાન ભવનમાં જે ફોન કોલ્સ આવેલ તેમાંથી જાણવા મળ્યું છે કે 61% યુવાનો FOMO નો શિકાર છે. એમને સતત તે જ વિચારો આવ્યા કરે છે કે મારા મિત્રો શું કરતા હશે? તેમના જીવન માં શું ચાલતું હશે? હું ક્યાંક એ બધા થી પાછળ તો નહિ રહી જાવ ને? વગેરે...


કિસ્સો મને સોશિયલ મીડિયા નો ખુબ ઉપયોગ કરવાની આદત થઇ ગઇ છે અને હું જ્યારે અન્ય લોકો ની પોસ્ટ ને જોવ ત્યારે મને એમ થાય કે એ લોકો ને કેટલી સારી લાઈક મળે છે. એમને કેટલા બધા લોકો ફોલો કરે છે. મને ક્યારે આટલું મળશે? આ માટે પછી સતત તેવા વિચાર આવે કે હું એવું તો શું કરું કે જેથી મને પણ એટલી લાઈક મળે. એ વિચારમાં હું કશું કામ પણ નથી કરી શકતી કે ક્યાંય ધ્યાન પણ નથી આપી શકતી. શું કરવું?

 

FOMO હોવાના લક્ષણો

 

#મોબાઈલ ગુમ થઈ જવાનો ભય.  
#મોબાઈલ વગર વિના સુઈ શકવું નહીં.  
#મોબાઇલને બાજુમાં અથવા ઓશીકું નીચે રાખવો.  
#થોડી વારમાં મોબાઈલ તપાસ કરતા રહે.  
# જો કોઈ ફોટાને લાઈક ન મળે તો ચિંતા અનુભવવી
# સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું
# વારંવાર પોતાની કઈક પોસ્ટ મુકવી
#FOMO એ દુનિયા માં ખોવાઈ જવાનો એક ડર છે
#પોતાના જીવન ની ચિંતા વગર અન્યોના જીવન માં શું ચાલી રહ્યું છે તે જાણવાની જિજ્ઞાસાવૃત્તિ, અને અન્ય લોકો શું કરી રહ્યા છે તે જાણવાની સતત ઈચ્છા એ FOMO નું મુખ્ય લક્ષણ છે.
#એવું અનુભવવું  કે ફક્ત પોતાના જ જીવન માં કોઈ ખુશી નથી આવતી
#મિત્રો અને સંબંધીઓ ખૂબ જ ખુશી થી જિંદગી માણે છે પરંતુ તેઓ સમજી શકતા નથી. 
#અન્ય દ્વારા કરેલ કાર્ય પોતાના કાર્ય થી ઘણું સારું લાગે અને તેની સામે પોતાનું કાર્ય હંમેશા ફિક્કું લાગે. 
#દુનિયામાં પોતે એકલા છે અને દુનિયા થી પાછળ રહી જશે તેવા વિચારો આવવા. 
#વારંવાર મિત્રો કે સ્નેહીજનો ના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવા જેથી તેમના વિષે જાણી શકાય અને કંઈ જ નવું ન મળતાં નિરાશા નો અનુભવ થવો વગેરે જો આવું હોય તો તે FOMO (Fear of missing out) ના લક્ષણો છે.

 

FOMO નામના ડર ને દૂર કરવા માટે શું કરવું?

1: પોતાની પ્રાથમિક જરૂરિયાત ને ઓળખવી.
2: પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું.
3: સોશિયલ મીડિયા નો જરૂર પૂરતો કે મર્યાદિત ઉપયોગ કરવો.
4: પોતાની પાસે જે છે તેના માટે કૃતજ્ઞાતા રાખવી.
5: મોબાઈલ નો જરૂર પુરતો જ ઉપયોગ કરવો.
6. સાચી ઓળખ એ મોબાઈલ નથી પણ તમારા કાર્ય છે જે તમને એક સ્થાન અપાવશે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS