પિતાના હત્યારાઓના નામ ન દેતાં આધેડને પતાવી દીધા’તા

  • March 04, 2021 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં સમીસાંજે વીંછિયા પંથકના પ્રૌઢને તેના જ બે મિત્રોએ પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધા હતા. હત્યા કરી ભાગી રહેલા બંનેને પોલીસે ઉઠાવી લીધા હતા. આ મામલે પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા હત્યા અંગે ચોંકાવનારૂ કારણ સામે આવ્યું હતું.

 


હત્યારા પૈકી મયુરસિંહના પિતા સહદેવસિંહ બે વર્ષ પૂર્વે કેસરી હિન્દ પુલ પરથી પડી જવાથી શંકાસ્પદ મોત થયું હતું મયુરસિંહને એવી શંકા હતી કે તેના પિતાની હત્યા થઈ છે અને મૃતક કાળુ પરમાર કે જે તેના પિતાનો પણ મિત્ર હોય તે હત્યારાઓના નામ જાણે છે જેથી આ નામ આપવા બાબતે ગઈકાલે બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાઈ માથમાં પથ્થર મારી હત્યા કરી નાંખી હતી.

 


હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલ સાંજના હોસ્પિટલ ચોકમાં નવા બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને એ.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં મૃતક વીંછિયાના (આલ ખાચરની)પીપરડી ગામના કાળુ પાલાભાઇ પરમાર (ઉ.વ.50) હોવાનું ખુલ્યું હતું. કાળુ પરમાર પીપરડીનો વતની હતો અને તે રખડતું ભટકતું જીવન જીવતો હતો.તેને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે.

 


હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે ઘટનાસ્થળ નજીકના તેમજ આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ઘટનાસ્થળ નજીકથી બે શખસ શંકાસ્પદ જણાતા પોલીસે કેમેરામાં કેદ દેવપરાના અમિત ભગવાન જેઠવા (ઉ.વ.36) અને ત્રાપજના મયૂરસિંહ સહદેવસિંહ ગોહિલ નામના શખસને ઉઠાવી લીધા હતા. પોલીસે બંને શખસોની સઘન પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે, તળાજાના ત્રાપજ ગામનો વતની સહદેવસિંહ રાજકોટમાં માધાપર ચોકડી નજીક રહે છે. તેના પિતા સહસહદેવસિંહ મહિપતસિંહ ગોહિલનું અઢી વર્ષ પૂર્વે કેસરી પુલ પરથી પડી જવાથી મોત થયું હતું પરંતુ મયુર સિંહને એવી શંકા હતી કે તેના પિતાને કોઈએ પુલ પરથી ધક્કો મારી તેની હત્યા કરી છે. મૃતક કાળુ પરમાર તેના પિતાના મિત્ર હોય ગઈકાલે ઓચિંતા ત્રણેયની મુલાકાત થતા મયુરસિંહે કાળુ પરમારને પોતાના પિતાના હત્યારાઓના નામ જણાવવા કહ્યું હતું. પરંતુ કાળુ પરમારે આ વિશે કંઈ ન જાણતો હોવાનું કહેતા મયુરસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. અને તેણે માથામાં પથ્થરનો ઘા ઝીકી તે કાળુ પરમાર ની હત્યા કરી નાખી હતી.બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશ કાળુભાઇ પરમારની ફરિયાદ પરથી પોલીસે બંને શખસો સામે હત્યા અને એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

કામગીરી કરનાર પોલીસ ટીમને 15 હજારના ઈનામની જાહેરાત
હત્યાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખનાર ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ વી.કે.ગઢવી, તથા એ ડીવીઝન પી.આઈ સી.જી.જોષી, પી.એસ.આઈ પી.એમ.ધાખડા તથા પો.હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા,અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, તથા પો.કોન્સ., નગીનભાઇ ડાંગર, કુલદિપસિંહ જાડેજા સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા વગેરેની ટીમને આ સારી કામગીરી બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તરફથી રૂ.15000 નું ઇનામ આપવાનું જાહેર કર્યું છે.

 

હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં કંઈ રીતે ઉકેલયો ?
હત્યાના બનાવ અંગે ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હત્યાનો બનાવ બન્યા બાદ તાત્કાલીક ઉચ્ચ અધીકારીઓ તથા સ્થાનીક પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.બાદમાં અલગ-અલગ ટિમો બનાવી હતી. પ્રથમ મૃતકની ઓળખ મેળવવા તેના ખીસ્સામાંથી એક મોબાઇલ નંબર વાળો કાગળ મળી આવેલ જે નંબરના આધારે તેમની ઓળખ કરી હતી. તેમજ આ કામે બનાવવાળી જગ્યાએ ઓવરબ્રીજનું કામ કાજ ચાલતું હોય જેથી ત્યાં આજુબાજુમાં કામ કરતા મજુરો મહીલાઓને મૃતકનો ફોટો બતાવી પુછપરછ કરતા મૃતક તથા તેની સાથે બીજા બે વ્યકિતઓ એમ ત્રણ વ્યકિતઓને સાથે ઉભેલ હોવાનું જણાવેલ અને અંદરો અંદર ઝગડો કરતાં અને મરણજનારના માથામાં પથ્થર માયર્નિું જણાવ્યું હતું.બાદમાં મૃતકના પુત્ર મારફતે તેના સગાનો કોન્ટેક કરતા તેમણે તેમની સાથે અમીત જેઠવા તથા મયુરસિંહ ગોહીલ નામના બે વ્યકિતઓ હોવાનું જણાવ્યુ હતું.બાદમાં સીસીટીવી ફુટેજમાં જોવામાં આવેલ વર્ણન વાળા બે શખસોને અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી હતી.અને ખટાર સ્ટેન્ડ પાસેથી બંનેને દબોચી લીધા હતા.

 

આધેડને મોત પોકારતું હોઈ તેમ તે ગઈકાલ બપોરે જ વતનથી રાજકોટ આવ્યા હતા
હત્યાનો ભોગ બનનાર કાળુભાઇ પરમાર રખડતું ભટકતું જીવન પસાર કરતા હતા એ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં રહેતા હતા લોકડાઉન દરમિયાન તે પોતાના મૂળ વતન પીપરડી ગયા હતા. ગઇકાલે બપોર બાદ તેઓ વતનથી રાજકોટ આવ્યા હતા દરમ્યાન સાંજના આ ઝઘડો થતા તેમની હત્યા કરી દેવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS