ઓમેગા સુપરમાર્કેટના સંચાલકનો ઓફિસમાં ફાંસો ખાઇ આપઘાત

  • May 31, 2023 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ માળિયા હાટીનાના ખોરાસા ગીરના વતની અને રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર રોયલ એલીગન્સમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે ઓમેગા સુપરમાર્કેટ ધરાવનાર પટેલ વેપારી અલ્પેશ કોરડીયા (ઉ.વ 39) એ પોતાના જ સુપરમાર્કેટની ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના સાથે અહીં પહોંચી તપાસ હાથ ધરતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પટેલ વેપારીએ તાજેતરમાં ઇ- બે કંપ્નીમાં 75 લાખનું રોકાણ કર્યું હોય અને તેમાં તેના નાણા ફસાઈ જશે તેની ચિંતામાં તેમણે આપગલું ભરી લીધું હોવાનું માલુમ પડ્યું છે. બનાવના પગલે પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે આવેલા રોયલ એલીગન્સ ફ્લેટ નંબર 301 માં રહેતા અલ્પેશભાઈ ભગવાનજીભાઈ કોરડીયા (ઉ.વ 39)નામના પટેલ યુવાને ગઈકાલ બપોરના એક થી ચારના સમય દરમિયાન યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે પ્રજ્ઞેશ મેડિકલ સ્ટોરવાળી શેરી આરએમસીના ગાર્ડન સામે આવેલા પોતાના ઓમેગા સુપરમાર્કેટની ઓફિસમાં પંખાના હુકમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરના સમયે સુપરમાર્કેટ બંધ રહેતું હોય વેપારીના પત્ની પ્રતિક્ષાબેને તેમને ફોન લગાવતા તેમણે ફોન રિસિવ ન કરતા રૂબરૂ સુપરમાર્કેટે પહોંચ્યા હતાં.શટર બંધ હોય પાછળના ભાગે ગોડાઉન હોય ત્યાંથ અંદર જોતા પતિ ઓફિસમાં લટકતી હાલતમાં જોવા મળતા તેઓ આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતાં.બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બાલસે બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર અલ્પેશભાઈ એક ભાઈ એક બહેનના પરિવારમાં મોટા હતા તેમને સંતાનમાં માસુમ પુત્ર દિવ્ય હોવાનું જાણવા મળ્યું છે. બપોરના એકથી ચાર દરમિયાન સુપરમાર્કેટ બંધ રહેતી હોય દરમ્યાન તેમણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને અહીંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં મોટાભાગે તેમણે પરિવારજનોને સંબોધી આ પગલું ભરવા પાછળ માફી માંગી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશભાઈએ તાજેતરમાં ઇ-બે નામની કંપ્નીમાં 75 લાખનું રોકાણ કર્યું હોય પરંતુ તેમને પોતાના પૈસા ડૂબી જશે તેવી ચિંતા સતાવતી હતું અને તેના લીધે તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.બનાવના પગલે પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સુપરમાર્કેટમાં સીસીટીવી બંધ કરી બાદમાં પગલું ભર્યું
પોલીસે જણાવ્યું હતું કે, પટેલ વેપારી અલ્પેશભાઈએ બપોરના સમયે પોતાના શોપિંગ સેન્ટર જઈ પ્રથમ અહીં મેઇન સ્વીચ પાડી દઈ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી દઈ ત્યારબાદ તેમણે ઓફિસમાં ગળાફાંસો ખાઇ આઘાત કરી લીધો હતો.

પપ્પા મને માફ કરજો: આપઘાત પૂર્વે ચિઠ્ઠી લખી
પટેલ વેપારી અલ્પેશભાઇએ આપઘાત કરતા પૂર્વે એક ચિઠ્ઠી લખી હતી.જેમાં પિતાને ઉદ્દેશીને ચિઠ્ઠીમાં લખ્યું-પપ્પા મને માફ કરજો, હું તમારી સારસંભાળ રાખી ન શક્યો, જવાબદારી નિભાવી ન શક્યો માતાને ઉદ્દેશીને લખ્યું હતું કે, હવે હું તમારી સાથે નહીં રહી શકું,પત્નિને કહ્યું-દિકરાનું ધ્યાન રાખજે,મિત્રો માટે લખ્યું-હું તમારા પ્રોજેક્ટમાં કામ કરી શકીશ નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application