સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ગામે લગ્નના દિવસે વરરાજાએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત તા.૨૬ એપ્રિલ રવિવારના રોજ મતદાન યોજાયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના યુવાન હેમંતસિંહ જાડેજાએ પોતાના લગ્નના દિવસે મતદાન કર્યું હતું.
તેમણે દેશની લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ સમજીને લગ્નની વિવિધ વિધિઓ માંથી સમયની અનુકૂળતા કરીને મત આપવાનું નક્કી કર્યું હતું, અને મતદાન મથક આવી મત આપ્યો હતો. લગ્નના દિવસે પોતે મતદાન કરીને તેમણે અન્ય નાગરિકો માટે અવશ્ય મતદાન કરવા પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.