રાજકોટ મહાપાલિકાનું જનરલ બોર્ડ એટલે ધ ગ્રેટ ડ્રામા

  • November 20, 2023 01:10 PM 

રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં પ્રજાના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે શું કરી શકાય તેની ચર્ચાને બદલે ફક્ત ક્ષુલ્લક મુદ્દાઓની ચર્ચા અને શાક બકાલા માર્કેટ જેવા શોર વચ્ચે રાજકીય આક્ષેપબાજી જ થતી હોય સભાગૃહ જાણે નાટ્યગૃહ હોય અને દરેકે ગોખેલી સ્ક્રીપ્ટ વાંચી જવાની હોય તેવા દ્રશ્યો જોવા મળે છે આથી જનરલ બોર્ડ મિટિંગ જાણે ધ ગ્રેટ ડ્રામા હોય તેવુ ૨૦ લાખ રાજકોટવાસીઓ અનુભવી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાજનોની વધુ નજીક રહેવા જોઇએ તેના બદલે અધિકારીઓની નજીક વધુ પડતા સરકી ગયા હોય તેવું ચિત્ર લોકમાનસમાં ઉપસી રહ્યું છે ! અધિકારીઓ તો જ્યાં સુધી કોર્પોરેટરપદ હશે ત્યાં સુધી જવાબ આપશે પરંતુ અધિકારીઓ જવાબ આપે તે પદ સુધી પહોંચાડનાર તો પ્રજાજનો (મતદારો) જ છે તે ભુલવું ન જોઇએ.


પ્રશ્ન પૂછવાની વાત હોય, મુદ્દા આધારિત ચર્ચા હોય કે અન્ય કોઇ પ્રશ્નોતરી થઇ રહી હોય ત્યારે અનુશાસન હોય તે સારી વાત છે પરંતુ પ્રશ્નકર્તાની મૌલિકતા છીનવાઇ જાય તેટલું બધું અનુશાસન આવકાર્ય નથી કારણ કે તે પ્રજાહિતમાં નથી. શહેરીજનોની સમસ્યાઓથી સૌથી વધુ વાકેફ હોય તેવા નગરસેવકો જ તેમની ઇચ્છા મુજબના પ્રજાહિતના પ્રશ્નો પૂછી શકતા ન હોય તો પછી પ્રશ્ન પૂછવાનો જ કોઈ અર્થ રહેતો નથી..! કોર્પોરેટર જ્યારે સભાગૃહમાં ઉપસ્થિત છે ત્યારે એ ફક્ત જે તે રાજકીય પક્ષના જ નહીં પરંતુ પ્રજાના પ્રતિનિધિ છે તે વારંવાર યાદ કરાવવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉજાગર થાય અને તેનો ઉકેલ આવે તેના બદલે તંત્રવાહકોની વાહવાહી અને અધિકારીઓની કામગીરી ઉજાગર થાય તેવા સવાલો પૂછવાનો હેતું શું હોય શકે ? તે બાબત નાગરિકો ન સમજી તેવી તો નથી જ. અભિનંદન ઠરાવ, શોક ઠરાવ પ્રમાણ પણ અગાઉના વર્ષોની તુલનાએ ઘણું ઘટી ગયું છે કારણ કે આવા ઠરાવ પસાર કરવા માટે શહેરની રોજિંદી ઘટમાળથી જોડાયેલા રહેવું પડે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધીઓ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી વાકેફ રહેવું પડે !


મહાપાલિકાના સામાન્ય સભા સંચાલનના નિયમો ૧૯૭૩ના છે અને હાલ ૨૦૨૩માં તે નિયમોને ૫૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે ત્યારે તેમાં સાંપ્રત સમયને સુસંગત ફેરફારો કરવા જરૂરી છે. એજન્ડા આજે પણ પોસ્ટથી મોકલાય છે ૧૯૭૩માં અન્ય કોઈ વિકલ્પો ન હતા પરંતુ હવે તો ઇમેઇલ કે વ્હોટ્સ એપથી મોકલી શકાય છે ! છતાં તેવું કરાતું નથી !! આવી તો અનેક બાબતો છે જેમાં સુધારાની જરૂર છે. અલબત્ત ખુદ નગરસેવકો પાસે પણ સામાન્ય સભાના સંચાલનના નિયમોની બુકલેટ નથી, તેમને ખબર પણ નથી કે આ બધા નિયમો જે તે સમયના જનરલ બોર્ડમાં જ ઘડાયેલા છે અને વર્તમાન બોર્ડ ઇચ્છે તો તેમાં મુળ કાયદાની મર્યાદામાં રહીને ધાર્યા મુજબના ફેરફાર કરી શકે છે તેમને વિવેકબુદ્ધિને આધિન ફેરફારોની સત્તા કાયદો જ આપે છે. પણ ફરી ફરીને અહીં વાત ઇચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિની જ આવી જાય છે. રાજકોટના તમામ કોર્પોરેટરોએ એક વખત સામાન્ય સભા સંચાલનના નિયમોની બુક મેળવીને વાંચવી જોઇએ અને ફક્ત રાજકોટ મહાપાલિકાના નિયમો જ નહીં અમદાવાદ, વડોદરા અને સુરતના નિયમો મંગાવીને પણ વાંચવા જોઇએ તો જ તેમને ખ્યાલ આવશે કે ખરેખર સામાન્ય સભામાં શું કરવાનું હોય અને તેઓ શું કરી રહ્યા છે !? જો બદલાવ લાવવો જ હોય, કંઈક નવું કરવું જ હોય તો કેટલાંય નિયમોમાં ફેરફારને અવકાશ છે.
રાજકોટ મહાપાલિકામાં હવે વિપક્ષ નાબૂદ થઈ ગયા જેવી જ હાલતમાં છે, ફક્ત બે કોર્પોરેટર છે અને જનરલ બોર્ડ મિટિંગમાં તેમણે પૂછેલા પ્રશ્નો પણ ભાગ્યે જ ચર્ચામાં આવતા હોય છે ત્યારે હવે જે કંઇ પૂછવાનું કે સાંભળવાનું છે તે ફક્ત શાસકોએ જ કરવાનું છે. આથી જનરલ બોર્ડ મિટિંગની ગરિમા અગાઉના વર્ષોમાં હતી તેવી પ્રસ્થાપિત થાય તે માટે જરૂરી પગલાં લેવાય તે જરૂરી છે.


ખાસ કરીને બોર્ડ મિટિંગનો પ્રશ્નકાળ ફક્ત એક કલાકનો રખાય છે તેનો સમય વધારવાની ખાસ જરૂર છે, ફક્ત એક કલાકમાં શું ચર્ચા થઇ શકે ? છેલ્લા ત્રણ વર્ષથી એવો સિલસિલો ચાલી રહ્યો છે કે દરેક જનરલ બોર્ડ મિટિંગમાં શાસક અને વિપક્ષના અંદાજે કુલ ૨૦ જેટલા કોર્પોરેટર ચાલીસેક પ્રશ્નો પૂછે તેમાંથી જેમનો પ્રશ્ન પહેલા ક્રમે ઇનવર્ડ થયો હોય તેમના એકથી બે પ્રશ્નની ચર્ચામાં જ બોર્ડ મિટિંગ પૂર્ણ થઈ જાય છે અને બાકીના કોર્પોરેટરને તેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ લેખિતમાં મોકલી અપાય છે. અનેક વખત એવું બને છે કે વચ્ચેના ક્રમે અથવા છેલ્લા ક્રમે રહેલો પ્રશ્ન ચર્ચા કરવાને માટે સૌથી વધુ લાયક હોય અને પહેલા ક્રમે પુછેલો પ્રશ્ન ક્ષુલ્લક હોય છતાં પહેલા ક્રમે રહેલો ક્ષુલ્લક પ્રશ્ન એક કલાક સુધી ચર્ચાઇ જાય અને તે સાથે જ પ્રશ્નકાળ પૂર્ણ થઇ જાય ! ચાલુ ટર્મમાં થોડા સમય પૂર્વેની એક બોર્ડ મિટિંગમાં તો રાજકોટમાં નળ, ગટર, લાઇટ, સફાઈ, પાણી, રસ્તા અને ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો મામલે તંત્રની લેફ્ટ રાઇટ લેવાને બદલે મ્યુનિસિપલ લાઇબ્રેરીમાં ક્યાં પ્રકારના કેટલા પુસ્તકો અને બાળકો માટે કેટલા રમકડાં ઉપલબ્ધ છે તેવો પ્રશ્ન પુછાયો અને તેની ચર્ચામાં એક કલાક વેડફી હતી !!
​​​​​​​
રાજકોટ મહાપાલિકા અને રાજકોટ શહેર ભાજપમાં નવા પદાધિકારીઓ આવ્યા ત્યારબાદ ઘણા નવા ફેરફારો લાવ્યા છે પરંતુ જનરલ બોર્ડ મિટિંગમાં હજુ સુધી કોઈ ફેરફાર લાવી શક્યા નથી. વર્ષોથી એક જ પેટર્ન ચાલી રહી છે. વંદે માતરમના ગાન સાથે બોર્ડ મિટિંગ શરૂ થાય એક કલાક પ્રશ્નોત્તરીના નામે આક્ષેપબાજી થાય ત્યારબાદ એક સાથે તમામ દરખાસ્તો વાંચ્યા વિના જ મંજુર થાય અને ફરી વંદે માતરમ ગાન થાય અને બોર્ડ મિટિંગ પૂર્ણ થાય !!
પ્રેક્ષક ગેલેરીમાં મોટાભાગે શાસક અને વિપક્ષના કાર્યકરો તેમજ મહિલા કોર્પોરેટરોના પતિદેવો જ જોવા મળે છે ! જો શાસકો ઇચ્છે તો શહેરના શ્રેષ્ઠીઓને માનપૂર્વક જનરલ બોર્ડ મિટિંગની કાર્યવાહી નિહાળવા નિમંત્રિત કરી શકે છે, લોકસભા અને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા નાગરિકોને પાસ મેળવીને જઇ શકે છે તે રીતે અગાઉના વર્ષોમાં રાજકોટ મહાપાલિકામાં પણ શહેરના શ્રેષ્ઠીઓ અને નામાંકિત એનજીઓના હોદ્દેદારોને પાસ આપી નિમંત્રિત કરાતા હતા પણ હવે તે પ્રથા લુપ્ત થઇ છે.
રાજકોટને તા.૧૯-૧૧-૧૯૭૩ના રોજ મહાનગરનો દરજ્જો મળ્યો અને રાજકોટ મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને ગઇકાલે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ૫૦ વર્ષે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહાપાલિકા તંત્ર સુધરે તેવી આશા રાજકોટવાસીઓ રાખે તો તે અસ્થાને તો નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application