9/11ના હુમલાના ૨૦ વર્ષ : આતંક સામેની લડાઈ ફરી એ જ મોડ ઉપર

  • September 11, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્વિન ટાવરના હુમલાના હજી ઘા રૂઝાયા નથી

અમેરિકાની ધરતી ઉપર ૧૮૧૨ના યુદ્ધ પછી પહેલી જ વખત ૨૦ વર્ષ પહેલાં જબરજસ્ત આતંકી હુમલો થયો ત્યારે અમેરિકન પ્રજા અને સરકાર હતપ્રભ થઈ ગયાં હતાં. શીતયુદ્ધ વખતે સતત અણુ હુમલાનો ભય પ્રવર્તતો રહ્યો, પરંતુ પ્રતિઘાતની ટેકનોલોજીમાં સતત વન-અપ રહેવાથી એ ભય કદી વાસ્તવિક બન્યો જ નહીં. કોઈ મોટી ગંભીર અથડામણ વગર ઈ.સ. ૨૦૦૦માં શીતયુદ્ધ સમાપ્ત થઈ ગયું. એ પછી અમેરિકનોને નશો ચઢયો કે અમેરિકન તાકાતની બીકે કોઈ તેમના દેશ ઉપર હુમલો કરવાની હિંમત કરવાનું જ નથી.

 

 

અમેરિકાની મદદથી શક્તિશાળી બનીને અમેરિકાનો કટ્ટર વિરોધી બનેલો ઓસામા બિન લાદેન સમજી ગયો હતો કે વિશ્વના ઈતિહાસમાં સૌથી મહાન લશ્કરી તાકાત હવે સલામતીના કેફમાં બેદરકાર બની રહી છે. તેણે અલ-કાયદાના આતંકવાદીઓ થકી અમેરિકાના સામાન્ય મુસાફર વિમાનોને જ ભયાનક હથિયાર બનાવી લીધાં. ૯ સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે ચાર વિમાનો અપહરણ કરી ચાર જગ્યાએ હુમલા કર્યા. બિન લાદેને અમેરિકન સામ્રાજ્યના પાયા હચમચાવી નાંખ્યા. માત્ર અમેરિકા જ નહીં આખું જગત સ્તબ્ધ બની ગયું.

 

 

એ ઘટનાના ૨૦ વર્ષ પછી આજે નજર કરીએ તો સ્વીકારવું પડે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર ધ્વસ્ત કરનારી, પેન્ટાગોનને ગંભીર ક્ષતિ પહોંચાડનારી એ ઘટનાઓએે અમેરિકાને ધરમૂળથી બદલી દીધુંં છે. સાથે જ ઈસ્લામિક આતંકવાદ શબ્દથી મુસ્લિમોનું અવમૂલ્યન થઈ ગયું, એની શરૃઆત આમ તો ૧૯૭૯ની ઈરાની ક્રાંતિ પછી જ થઈ ગઈ હતી. ૧૯૮૩ના બૈરુત બ્લાસ્ટ, ૧૯૯૮માં કેન્યા અને તાન્ઝાન્યાના બ્લાસ્ટ પછીથી મુસ્લિમો સામે આક્રોશ જાગવા લાગ્યો હતો. હુમલા પછી અમેરિકનોના મનમાં સલામતીનો આત્મવિશ્વાસ રહ્યો નહીં. ૯-૧૧ના પ્રત્યાઘાત રૃપે અમેરિકાએ જ્યાં આક્રમણો કર્યા ત્યાંના લોકોના જીવન બદલાઈ ગયા, પરંતુ એ સિવાયના વિશ્વમાં, જેમ કે જાપાન, ચિલી અથવા ઝિમ્બાબ્વેમાં કશું નથી બદલાયું. વેશ્વિક સ્તરે ફરક એ પડયો છે કે હવે અમેરિકા એકમાત્ર મહાસત્તા નથી રહી, ચીન લગલગ આવી પહોંચ્યું છે.

 

 

૯ -૧૧ના હુમલાની ઘટના ખરેખર કઈ કઈ ભૂલોના કારણે બની શકી અને એ પછી ભૂલોનો સિલસિલો શી રીતે ચાલુ રહ્યો એનું આત્મવિશ્લેષણ એક પુસ્તકે કર્યું છે. શરૃઆત અમેરિકાના ઓવરકોન્ફિડેન્સથી થઈ હતી. અલ કાયદાને આંકવામાં થાપ ખાવામાં આવી હતી. તેથી કાવતરાંની તૈયારીઓ વિશે કોઈને અંદાજ સરખો ન આવ્યો. હુમલા પછી જ્યોર્જ ઉ બુશ અને તેમના વહીવટી તંત્રએ સ્થતિને આંકવામાં થાપ ખાધી.

 

 

૯-૧૧ પહેલાં જ સદ્દામ હુસેન અલ કાયદા સાથે મળીને અણુબોમ્બ બનાવશે અને અમેરિકા ઉપર ગંભીર હુમલો કરશે, એવા ડરના માર્યા સદ્દામ સામે કાલ્પનિક આરોપો મૂકી મિત્ર રાષ્ટ્રોનો સાથ લઈ ઈરાક ઉપર કબજો કરી લેવામાં આવ્યો હતો. વિયેતનામની ભૂલનું પુનરાવર્તન કરવામાં આવ્યું.

 

 

આ ભૂલને પૂરી સમજ્યા વગર ૯-૧૧ પછી બીજી ભૂલ થઈ. અફઘાનિસ્તાન ઉપર કબજો કરી લેવામાં આવ્યો. ગણતરી હતી કે તાલિબાનો-મુજાહિદ્દીનોનો સફાયો કરી અફઘાનિસ્તાનમાં અમેરિકા સમર્થક સરકાર બનાવીને આણમાં રાખીશું. ઓસામા બિન લાદેનની હત્યા પછી આતંકવાદ સામેન્ટ્વાી લડાઈનો અંત આણવાને બદલે આખા જગતમાંથી આતંકવાદનો નાશ કરવાના ઉત્સાહમાં અન્ય દેશોમાં નવા નવા મોરચા ખોલવામાં આવ્યા. આ ભૂલ પણ આમ તો ૧૯૯૧થી જ ચાલતી હતી. અમેરિકાએ હમસ, ઈરાન અને અલ કાયદા જેવા જેહાદીઓ સામે જગતમાં ઠેર ઠેર શસ્ત્રસરંજામ સાથેના બેઝ બનાવ્યા. અંધાધૂંધ ખર્ચ કર્યો. ઘણાબધા બુદ્ધિજીવીઓ કહેતા રહ્યા કે આ પાગલપણ બંધ કરી વાસ્તવિક જોખમો સામે મોરચો ખોલવાની જરૃર છે. પરંતુ રાજકીય કારણોસર આતંકવાદ સામેની લડાઈને રાષ્ટ્રીય નીતિનું સ્વરૃપ આપીને વધુ ચગાવવામાં આવી.

 

૯-૧૧ના ૨૦મા વર્ષે તેની ૨૦ હકીકતો

 

। વોશિંગ્ટન ।

1. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર, વોશિંગ્ટનમાં પેન્ટાગોન બિલ્ડિંગ, શાન્ક્સ વિલેના ખેતરમાં મુસાફર વિમાનો અથડાવીને આતંકી હુમલો થયો. તેમાં લગભગ ૨,૭૫૩ના મૃત્યુ થયાં. તેમાં ૪૦૦ પોલીસ કર્મચારી અને ફાયરફાઈટર્સ હતા.

2. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આ પ્રથમ હુમલો નહોતો, ફેબ્રુઆરી ૧૯૯૩માં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં ૬ માણસોનાં મૃત્યુ થયાં હતાં.

3. ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ અમેરિકન સરકારે એક ટેપ રિલીઝ કરી જેમાં ઓસામા બિન લાદેન આ હુમલાની જવાબદારી સ્વીકારતો હતો.

4. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં રજા સિવાયના કોઈપણ દિવસે ૫૦,૦૦૦ કર્મચારીઓ હોય છે અને ૪૦,૦૦૦ મુલાકાતીઓ આવતા-જતા હોય છે.

5. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા પછી બેસી પડેલા બંને ટાવરનો ૧૮ લાખ ટન કાટમાળ અહીંથી દૂર કરવામાં ૯ મહિના લાગ્યા હતા.

6. ૩૦ મે ૨૦૦૨ના રોજ બધો કાટમાળ દૂર થઈ ગયો હતો. તમામ કાટમાળને દૂર કરવાનો ખર્ચ ૭૫ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો.

7. યુનાઈટેડ ફ્લાઈટ ૯૩ના મુસાફરોએ અન્ય વિમાનોના હુમલા અંગે જાણકારી મળતાં હાઈજેકરોનો સામનો કરી વિમાન પર કબજો કરવાનો પ્રયાસ કરતાં હાઈજેકરોએ પેન્સિલ્વેનિયાના ખેતરમાં વિમાન ક્રેશ કરી દીધું હતું.

8. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપરના હુમલાના વીડિયો તરત જ મીડિયામાં આવી ગયા હતા, પરંતુ પેન્ટાગોન ઉપરના હુમલાના વીડિયો છેક ૨૦૦૬માં જાહેર મીડિયામાં આવ્યા હતા.

9. ન્યૂયોર્ક શહેરના ફાયરફાઈટર્સ અને પોલીસની કાર્યપદ્ધતિ જુદી જુદી હોવાથી બંને સુમેળ કરીને આ દુર્ઘટનામાં કામ કરી શક્યા નહોતા.

10. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાના કારણે થયેલી જાનહાનિ અમેરિકાની ધરતી ઉપર કોઈ વિદેશી હુમલાના કારણે થયેલી મોટામાં મોટી હતી.

11. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી ૧૮ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા.

12. આ હુમલાનો સામનો કરનાર લોકોમાં અસ્થમા અને ફેફસાંના ચેપની માંદગી લાંબા સમય સુધી પ્રવર્તી રહી હતી.

13. ૨૦૧૯માં અમેરિકન સંસદે ઠરાવ કર્યો કે ૯-૧૧ના ભોગ બનેલાઓને વળતર આપવા માટેનું ભંડોળ કદી ખાલી ન થવું જોઈએ અને સંસદે કદી વધારે ભંડોળની માગણી ન કરવી જોઈએ.

14. ૯-૧૧ના હુમલાના આયોજનથી માંડીને અમલીકરણ સુધી આતંકવાદીઓએ અંદાજિત પાંચ લાખ ડોલરનો ખર્ચ કર્યો હતો.

15. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવરના હુમલાના કારણે પહેલા ચાર અઠવાડિયામાં જ અમેરિકાને કુલ ૧૨,૩૦૦ કરોડ ડોલરનું નુકસાન થયું હતું.

16. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધ્વસ્ત થયા તેના કારણે આસપાસની ઈમારતો, સબ-વે રેલવે, અન્ય માળખાઓને ૬,૦૦૦ કરોડ ડોલરનું નુકસાન થયું હતું.

17. વર્લ્ડ ટ્રેડ ટાવરની ઘટનાના કારણે ૯૩૦ કરોડ ડોલરના વીમાના ક્લેમ કરવામાં આવ્યા હતા.

18. અમેરિકન સરકારે ૫,૫૬૦ લોકોને આ દુર્ઘટના બદલ વળતર આપ્યું હતું. જેમને વળતર આપવામાં આવ્યું તેમની પાસે લખાવી લેવાયું હતું કે તેઓ વિમાની સેવા સામે દાવો નહીં કરે.

19. ફરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો ન થઈ શકે એ માટે ૧૨ માર્ચ ૨૦૦૨ના રોજ હોમલેન્ડ સિક્યુરિટી એડવાઈઝરી સિસ્ટમની રચના કરવામાં આવી હતી.

20. આ સિસ્ટમમાં કસ્ટમ્સ, ઈમિગ્રેશન, નેચરલાઈઝેશન, અમેરિકન કોસ્ટ ગાર્ડ, ફેડરલ ઈમર્જન્સી મેનેજમેન્ટ જેવી ૨૨ સરકારી એજન્સીઓને એક છત્રમાં લાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application