ગુજરાત ટાઇટન્સના કોચે ભારતીય ટીમનું માર્ગદર્શન કરવાની પાડી દીધી ના, જાણો કોણ છે આશિષ નેહરા ?

  • November 29, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીસીસીઆઈ હાલ ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધમાં વ્યસ્ત છે. વર્લ્ડ કપ ૨૦૨૩ બાદ રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આ પછી બોર્ડે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાને ટી૨૦ કોચ બનવાની ઓફર કરી હતી, પરંતુ નેહરાએ આ ઓફર ફગાવી દીધી હતી. કોચ તરીકે નેહરાએ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સને સારી સફળતા અપાવી હતી. ગુજરાતે ૨૦૨૨માં તેની પ્રથમ સિઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ ૨૦૨૩માં ટીમ રનર અપ રહી હતી. નેહરાના ઇનકાર બાદ રાહુલ દ્રવિડને ફરી એકવાર ટીમનો કોચ બનાવવામાં આવી શકે છે.


અહેવાલ અનુસાર, બીસીસીઆઈ ઈચ્છે છે કે રાહુલ દ્રવિડ આવતા વર્ષે જૂનમાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ સુધી મુખ્ય કોચ તરીકે રહે. કારણ કે આશિષ નેહરાએ ટી૨૦ ટીમના કોચ બનવાની ના પાડી દીધી છે. દ્રવિડ ત્રણેય ફોર્મેટમાં ટીમને કોચિંગ આપી રહ્યા હતા. આગામી ટી૨૦ વર્લ્ડ કપ જૂન ૨૦૨૪માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે રમાશે. હવે કોચ તરીકે દ્રવિડનો કાર્યકાળ ટી૨૦ વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવી શકે છે.


મળતી માહિતી મુજબ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનું માનવું છે કે રાહુલ દ્રવિડને ટી૨૦ વર્લ્ડ કપ સુધી ટીમ સાથે કોચ તરીકે રહેવું જોઈએ. જો દ્રવિડ બીસીસીઆઈનો પ્રસ્તાવ સ્વીકારે છે તો બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સહિત સમગ્ર સપોર્ટ સ્ટાફને નવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેવી શક્યતા છે.


જો કે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહી છે અને રેન્કિંગમાં નંબર-૧ પર છે. પરંતુ ટીમ છેલ્લા ૧૦ વર્ષમાં એકપણ આઇસીસી ટ્રોફી જીતી શકી નથી. ટીમે છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૩માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં જીતી હતી. રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પરંતુ બંને વખત ટીમને રનર્સઅપ રહેવું પડ્યું હતું.



આશિષ નેહરા એક દમદાર ખેલાડી છે, અને ગુજરાતની ટીમના પર્ફોમન્સમાં તેમની ચપળતા અને નેતૃત્વ શક્તિ જોઈ શક્યા છે. આશિષનો કેળા ખાઈને ઇંગ્લેન્ડની ટીમને ઢેર કરવાનો કિસ્સો ખૂબ જાણીતો છે. 1983માં વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત 2003માં પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સૌથી નજીક પહોંચ્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં 125 કરોડ ભારતીયોના દિલ તોડી નાખ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં રમાયેલા આ વર્લ્ડ કપમાં સૌરવ ગાંગુલી કેપ્ટન હતા. તેમના નેતૃત્વમાં ટીમ વિજયના રથ પર સવાર હતી. 26 ફેબ્રુઆરી 2003ના રોજ, આશિષ નેહરાએ ઇંગ્લેન્ડ સામેની લીગ મેચમાં ધમાકેદાર વિકેટો લીધી હતી. ડરબનમાં રમાયેલી તે મેચમાં નેહરાએ 23 રન આપીને છ વિકેટ લીધી હતી. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનું કોઈપણ ભારતીયનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.


આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 250 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે અડધી સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ઢેર થઇ ગઈ હતી. આમાં સૌથી મોટી ભૂમિકા આશિષ નેહરાની હતી. તે મેચમાં આશિષ નેહરાને ઉલ્ટી થઈ હતી. પાર્થિવ પટેલે તેને એનર્જી માટે કેળું ખવડાવ્યું અને આ પછી નેહરાનું એક અલગ જ રૂપ જોવા મળ્યું. ઈંગ્લેન્ડનો સ્કોર 52/2 હતો. નેહરાએ 17મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. સ્કોર બદલીને 52/4 થયો. 19મી ઓવરમાં બીજી વિકેટ લીધી. અડધી ઈંગ્લિશ ટીમ 62 રન પર પેવેલિયન પરત ફરી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application