દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં રખડતા શ્ર્વાનનો આતંક: એક વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો
તંત્રની બેદરકારી સામે જનતામાં આક્રોશ: આજ વર્ષમાં બીજી વખત બાળક પર કૂતરાનો હુમલો થયાની ઘટના
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખરાવડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક હવે હદ વટાવી ચૂક્યો છે અને નિર્દોષ નાગરિકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યો છે. ભાણવડના ખરાવડ વિસ્તારમાંથી વધુ એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક રખડતા લોહીતરસ્યા શ્વાને માત્ર એક વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
મળતી વિગતો મુજબ, ખરાવડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને પેટિયું રળતા એક પરપ્રાંતિય મજૂર પરિવારની માત્ર એક વર્ષની માસૂમ બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી. તે દરમિયાન અચાનક ધસી આવેલા એક હડકાયા જેવા રખડતા શ્વાને આ માસૂમ બાળકીને પોતાનો શિકાર બનાવી હતી. શ્વાને બાળકી પર તૂટી પડીને શરીરના ભાગે આડેધડ ઘાતકી બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું. બાળકીની મરણચીસો સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જેમ-તેમ કરીને બાળકીને શ્વાનના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. આ લોહિયાળ હુમલામાં માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગઈ હતી. લોહી નિતરતી હાલતમાં પરિવારજનો બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ભાણવડની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીની ગંભીર સ્થિતિ જોઈ તેને પ્રાથમિક સારવાર આપી વધુ ગંભીર સારવાર માટે તાકીદે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં રિફર કરી હતી.
આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતા અને પાપે સર્જાયેલી માનવસર્જિત આપત્તિ છે. આ જ ખરાવડ વિસ્તારમાં છેલ્લા માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં રખડતા શ્વાનના હુમલાની આ બીજી ગંભીર ઘટના છે. તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે, જેના કારણે નિર્દોષ બાળકો કૂતરાઓનો શિકાર બની રહ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં કાયમી ભય, ફફડાટ અને અસલામતીનો માહોલ વ્યાપી ગયો છે. પોતાના જ ઘર આંગણે રમતા બાળકો હવે સુરક્ષિત નથી રહ્યા તે અત્યંત શરમજનક બાબત છે.
આ લોહિયાળ ઘટનાને પગલે ભોગ બનનાર બાળકીના પરિવાર સહિત સ્થાનિક જનતામાં તંત્રની નપુંસકતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ ઉગ્ર સુરે માંગ કરી છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે કડક અને નક્કર કામગીરી હાથ ધરે. જો તંત્ર દ્વારા હવે પછી આવી દુર્ઘટનાઓ રોકવા માટે તાકીદે શ્ર્વાનોને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિક જનતા રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.